ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના નેજા હેઠળ ગ્રાહક જાગૃતિ સહિતના કાર્યક્રમો યોજાયા, સતત એક સપ્તાહ સુધી ગ્રાહક જાગૃતિ સપ્તાહ યોજવાનું આયોજન
ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના નેજા હેઠળ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી મોઘવારીના રાક્ષસને ખતમ કરી, ભાવ વધારો નાબૂદ કરવાનો પડકાર ઝીલી લેવા માટે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસે પ્રાર્થના પત્ર મોકલાવાયા
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ, તા.15
વિશ્વ ગ્રાહક અધિકાર દિન ની ઉજવણી નિમિત્તે આજે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના નેજા હેઠળ અમદાવાદ શહેરમાં ગ્રાહક જાગૃતિ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો જાગૃત ગ્રાહકો સહિત નાગરિકો જોડાયા હતા. સૌથી નોંધનીય વાત તો એ રહી હતી કે આજે વિશ્વ અધિકાર દિન નિમિત્તે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના નેજા હેઠળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મોંઘવારી ઘટાડવા અને પ્રજાજનો ને મોંઘવારીના ખપ્પરમાંથી રાહત આપવા વિશેષ પ્રકારે પત્રો પાઠવવામાં આવ્યા હતા.
વિશ્વ ગ્રાહક અધિકાર દિન નિમિત્તે આજે અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં અમદાવાદ શહેરમાં પણ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખશ્રી મુકેશ પરીખની આગેવાની હેઠળ આજરોજ તા.15મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રાહકોના હક્કો અને અધિકારોની સુરક્ષા માટે તેમજ રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ અભિયાનના ભાગરૂપે સપ્તાહ દરમ્યાન વિવિધ પત્રિકાઓ અને પોસ્ટરી તેમજ બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સોશ્યલ મીડીયામાં લાખો લોકો સુધી મેસેજ પહોંચે તે માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આ અંગે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખશ્રી મુકેશ પરીખે વધુમાં જણાવ્યું છે કે, પ્રધાનમંત્રીજીને દેશના 135 કરોડ ગ્રાહકો વતી પ્રાર્થના પત્ર પાઠવી મોંઘવારી ઘટાડવા રજુઆત કરવામાં આવી છે. હજારો ગ્રાહકોએ પ્રાર્થના પત્રમાં સહીઓ કરી સહી ઝુંબેશમાં સહકાર આપ્યો છે. મહિલા ગ્રાહક જાગૃતિ અભિયાનના પ્રમુખ શ્રીમતી મનીષાબેન શાહ અને કામીની રાઠોડની આગેવાનીમાં મહિલાઓએ મોંઘવારી વિરોધી તેમજ ભાવવધારા વિરોધી સૂત્રોચ્ચારો પોકારી સરઘસ આકારે કૂચ કરી હતી. પ્રધાન મંત્રીશ્રીને પ્રાર્થના પત્રોના વિશાળ બેનર તેમજ ગ્રાહક જાગૃતિ મહાયજ્ઞના બેનર સાથે દેખાવો યોજાયા હતા. પ્રધાનમંત્રીજીને દેશમાંથી બેફામ-કાળઝાળ અને રાક્ષસી મોંઘવારીને નિયંત્રણમાં લેવા તેમજ ભાવ વધારો અટકાવી, ભાવ ઘટાડવાની સૌથી મોટો પડકાર-ચેલેન્જ-ચુનૌતીનો સ્વીકાર કરવા અને મોંઘવારી ઘટાડવાનો ચમત્કાર કરવા પ્રાર્થના કરવામાં આવી હતી.
ગ્રાહક સુરક્ષાના કાર્યકરો પ્રધાનમંત્રીજીને પ્રાર્થના પત્રનું બેનર તેમજ ગ્રાહક શોષણ મુક્ત નૂતન ભારતનું નવનિર્માણ, મોઘવારી ઘટાડવાનો પડકાર સ્વીકારી લેવા તેમજ જાગો ગ્રાહક જાગોની સાથેસાથે સરકારને જાગૃત કરવાના બેનરો અને નિઃશુલ્ક પત્રિકાઓ અને નિઃશુલ્ક ફરીયાદ ફોર્મનું અમદાવાદ શહેરના સલાપસ રોડ સ્થિત G.P.O. વિસ્તારમાં બપોરના 4.00 થી 5,00 કલાક સુધી વિતરણ કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રીજીને પ્રાર્થના પત્રના આવેદન પત્રમાં ગ્રાહકોની સહીઓ મેળવવા હજુ પણ એક સપ્તાહ દરમ્યાન સતત ઝુંબેશ ચાલુ રખાશે. એટલું જ નહીં, આગામી તા. 22મી માર્ચ સુધી ગ્રાહક જાગૃતિ સપ્તાહનું પણ આયોજન કરવામાં આવ્યું છે.. જે દરમ્યાન ગ્રાહકોને તેમના હકો, અધિકારો અને ગ્રાહક કાયદાને લઈને જાગૃત કરવામાં આવશે.
#bharatmirror #bharatmirror21 #news