કોરોના પછી વિદ્યાર્થીઓ અને વાલીઓને પડતી તકલીફો અંગે 1000થી વધુ વાલીઓને માર્ગદર્શન અપાયું સાથે 1000 વિદ્યાર્થીઓનું ફ્રી હેલ્થ ચેક અપ કરાયું
નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૦૯ માર્ચ ૨૦૨૨:
અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં આવેલ નેસ્ટ પબ્લિક સ્કૂલ અને પૂજન ચિલ્ડ્રન હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કોરોના પછી વાલીઓ અને વિદ્યાર્થીઓને પડતી તકલીફો અંગે એક નવતર અભિગમ કર્યો છે. જેમાં 1000થી વધુ વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું અને સાથે 1000 થી વધુ વિદ્યાર્થીઓનું ફ્રી હેલ્થ ચેક અપ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. આ બંને કાર્યક્રમે વર્લ્ડ રેકોર્ડ સર્જીને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નવા આયામો સર કર્યા છે.
આ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ અમદાવાદના મેયર કિરિટ પરમાર, ભાજપ અગ્રણી કે.સી. પટેલ, પૂજન ચિલ્ડ્રન હોસ્પિટલના ડો. પરાગ ઠાકર, નેસ્ટ પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી ચિરાગ શાહ સહિત સ્કૂલના પ્રિન્સીપાલ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સ્કૂલને આ કાર્યબદલ શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા આ નવતર અભિગમથી વિદ્યાર્થીઓની અને વાલીઓની અનેક તકલીફો દૂર કરવા માટે મદદરુપ થશે. કોરોનાના સમયગાળામાં વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ અને ત્યારબાદ ઓફલાઈન અભ્યાસથી અનેક સમસ્યાઓ પડતી હતી. આ સમસ્યાઓને ઉકેલ લાવવા માટે સ્કૂલ દ્વારા ડિસ્કવર યોર ચાઈલ્ડ-2022ની થીમ ઉપર યોજવામાં આવેલ કાર્યક્રમથી અનેક સમસ્યાઓ દૂર થશે સાથે બાળકોના હેલ્થ ચેક અપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પૂજન ચિલ્ડ્રન હોસ્પિટલના ડો. પરાગ ઠાકરે જણાવ્યું હતું કે, અમારી ટીમથી આજે 1000થી વધુ વિદ્યાર્થીઓનું ફ્રી હેલ્થ ચેક અપ કેમ્પ યોજાઈ રહ્યો છે અને સાથે આ હેલ્થ ચેક અપ કેમ્પ વર્લ્ડ રેકોર્ડ સર્જી રહ્યો છે જે અમારા માટે ખૂબજ ગૌરવની વાત છે. પૂજન હોસ્પિટલ ચાંદલોડીયા, ઘાટલોડીયા, રાણીપ, નિર્ણયનગર, વાડજ, સહિતના આજુબાજુના વિસ્તારોમાં અનેક વખત આવા કેમ્પો કરાય છે. અમારી હોસ્પિટલ બાળકો માટેની છે પરંતુ કોરોનાના સમયમાં પણ ખૂબજ ઓછા ખર્ચે અનેક દર્દીઓને સારવાર આપી છે.
નેસ્ટ પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી ચિરાગ શાહે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અભ્યાસ ઉપરાંત બીજા અનેક ક્ષેત્રોમાં આગળ આવે તે માટે અમારી સ્કૂલ કટિબદ્ધ રહે છે. કોરોનાના સમયમાં ઓફલાઈન-ઓનલાઈન અભ્યાસથી વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓ પડતી હતી અને વાલીઓને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. જેથી આજે અમારી નેસ્ટ પબ્લિક સ્કૂલે 1000 થી વધુ વાલીઓ અને વિદ્યાર્થીઓને વન ટુ વન માર્ગદર્શન આપીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો જે માટે અમે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. નેસ્ટ પબ્લિક સ્કૂલે આજે બીજો વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. આ અગાઉ ગણિત, વિજ્ઞાન સહિતના વિષયો ઉપર સ્કૂલના વિદ્યાર્થીઓએ 1000થી વધૂ પ્રોજેક્ટો તૈયાર કરવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.