નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૧૫ માર્ચ ૨૦૨૨:
કલ્પેશભાઈ કડેરેનો પરિવાર મૂળ તો ગ્વાલિયર-મધ્ય પ્રદેશનો, પરંતુ વર્ષોથી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા છે. માતાનું નામ લક્ષ્મીબહેન અને પિતા સરદારભાઈ. સરદારભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતા. તો ઘરની આર્થિક જરૂરિયાતોનો પોષવા શ્રી કલ્પેશભાઈનાં માતા લક્ષ્મીબહેને પચ્ચીસેક વર્ષ અમદાવાદના રસ્તાઓ ઉપર સવારે વહેલા ઊઠીને કાગળ વીણવાનું કામ કર્યું હતું.
સરદારભાઈને કુલ ચાર સંતાનો. રાજેશભાઈ, કાલુભાઈ અને કલ્પેશભાઈ. દીકરી ઉષાબહેન.
કલ્પેશભાઈ દસ ધોરણ સુધી ભણ્યા. તેમનું શિક્ષણ શાહપુરની જી.બી.વી. હાઈસ્કૂલમાં થયું. ભણવાની ઈચ્છા હતી, પરંતુ આર્થિક સ્થિતિ સારી નહોતી એટલે કામ-ધંધે ચડી ગયા. તેઓ જ્યારે ભણતા હતા ત્યારે તેમણે કુરિયરની નોકરી કરી હતી.
એ પછી તેઓ પિતાના પગલે સફાઈના વ્યવસાયમાં આવ્યા. તેમણે હાઉસ કિપિંગનું કામ શરૂ કર્યું. કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં સફાઈ કરવા માટે ઓફિસો બાંધી લે અને મહિને દસેક હજાર રૂપિયાની આવક થાય. અત્યારે તેઓ બે-ત્રણ કોમ્પ્લેક્સમાં સફાઈ કામ જ કરે છે.
2013માં તેમનું મીનાબહેન સાથે લગ્ન થયું. બે સંતાનો છે. મોટી દીકરી દીપિકા છ વર્ષની છે અને દીકરો મયંક અઢી વર્ષનો છે. પોતાનાં સંતાનોને તેઓ ગુજરાતી માધ્યમમાં જ ભણાવવાના છે. કહે છે, ‘મને ગુજરાતી બહુ પસંદ છે. અંગ્રેજી આપણું કલ્ચર નથી. મારે બાળકોને આપણી સંસ્કૃતિ ખાસ શીખવાડવી છે. મારે મારાં બાળકોને દૂર નથી કરવાં તેથી હું તેમને માતૃભાષામાં જ ભણાવીશ.’
કલ્પેશભાઈએ તબલાં શીખવાનું મન થયું. તેઓ ઉસ્માનપુરાની વિદ્યાનગર હાઈસ્કૂલમાં ચાલતા ‘સપ્તક’ના ક્લાસમાં ગયા. વિનોદભાઈ વૈષ્ણવ કરીને એક શિક્ષકે તેમને હૂંફ આપી. કહ્યું કે, તમારે ફી ભરવાની જરૂર નથી. કોઈ પૂછે તો મારું નામ આપી દેજો. બે વર્ષ તેઓ તબલાં શીખ્યા. ઉત્તમ તબલાં વગાડે છે અને કાર્યક્રમોમાં પણ જાય છે.
એ પછી તેમને ફોટોગ્રાફી શીખવાની ઈચ્છા થઈ. તેઓ પુણ્યભૂમિ કોમ્પ્લેક્સમાં ઓફિસોની સફાઈનું કાર્ય કરે છે. અહીં તેઓ જયેશભાઈ શાહના માર્ગદર્શનમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી શીખી ગયા. શરૂઆતમાં હેલ્પર તરીકે જતા હતા. કેમેરા પકડતા હતા. ધગસ અને ખંતથી તેમણે વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી બંને શીખી લીધી છે. હવે તો ઓર્ડરમાં પણ જાય છે. એ રીતે તેમની આવક વધી છે.
કલ્પેશભાઈના પિતા સરદારભાઈ 70 વર્ષે બ્રેઈનસ્ટ્રોક આવ્યો તેમાં તેઓ આ દુનિયા છોડીને ગયા. માતાને બીપી ઊંચું રહેતું હતું. 2008માં હૃદયનો હુમલો આવ્યો અને 58-60 વર્ષે તેમણે પણ વિદાય લીધી.
ત્રણેય ભાઈઓ જુદા રહે છે, પણ નજીક નજીક રહે છે. હૃદયથી પણ નિકટ રહે છે. એકબીજાને મદદ કરે છે. સુખ-દુઃખમાં સાથે રહે છે. એકબીજાની સગવડ સાચવે છે. બે ભાઈઓ વચ્ચે વાહન એક એટલે એવી રીતે વાપરે કે બંન્નેનું કામ થાય અને એક વાહનથી કામ ચાલે.
કલ્પેશભાઈને પોતાના જીવનથી પરમ સંતોષ છે. તેઓ કહે છે કે, મને કોઈ ફરિયાદ નથી, કોઈ અફસોસ નથી. જીવન રાગે રાગે સરસ રીતે ચાલી રહ્યું છે. તેમનું પોતાનું ઘર છે. અને તેમણે ઘરે તબલાં વસાવ્યાં છે. અને નિયમિત રીતે રિયાઝ કરે છે. સંગીતમાં આગળ વધવાનું તેમનું ખૂબ મન છે.
ફોટોગ્રાફી પણ કરે છે. અને સુંદર જીવન જીવવું. પરિવારને પ્રેમ કરવો. બાળકોને ભણાવવાં. કોઈનું ખોટું ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. બને તેટલો લોકોને પ્રેમ કરવો અને મદદ કરવી.
કલ્પેશ સરદાર કડેરે, શાહપુર દરવાજા બહાર, મ્યુનિસિપલ હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સ, શંકર ભુવન સામે, શાહપુર, અમદાવાદ – 380004.
#bharatmirror #bharatmirror21 #news #kalpeshkdere #ahmedabad