અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશને સમગ્ર મામલે અમદાવાદ શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી વકીલોને ક્રાઇમબ્રાંચમાં પોતાના અસીલોને મળવા દેવા પરવાનગી આપવા ઉગ્ર માંગ
અમદાવાદ ક્રિમિનલ કોર્ટસ બાર એસોસીએશન ના પ્રમુખ ભરત શાહ તથા સેક્રેટરી અશ્વિન પટેલે શહેર પોલીસ કમિશનર ને ઉદ્દેશીને લખેલા પત્રમાં વકીલઆલમની લાગણી રજૂ કરી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.6
અમદાવાદ શહેર ક્રાઇમબ્રાંચમાં પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ પોતાના અસીલોને તેમના વકીલોને મળવા દેવામાં નહી આવતાં અને ક્રાઇમબ્રાંચમાં વકીલોને પ્રવેશ પર પાબંદી લગાવાઇ હોવાના કારણે વકીલઆલમમાં છેલ્લા ઘણા સમયથી ભારે નારાજગીની લાગણી પ્રવર્તી રહી છે. કેટલાક કિસ્સામાં વકીલોને ક્રાઇમબ્રાંચમાં જો પ્રવેશવાની અને અસીલોને મળવા દેવાની મંજૂરી આપવામાં આવે તો પણ તેમની સાથે ગુનેગાર કે આરોપી જેવું વર્તન કરી અપમાનિત કરાતા હોવાની લાગણી વકીલઆલમમાં ફેલાતાં અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનના પ્રમુખ શ્રી ભરત એચ.શાહ અને સેક્રેટરી અશ્વિન પટેલ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કમિશરને એક વિગતવાર પત્ર પાઠવી ક્રાઇમબ્રાંચમાં વકીલોને યોગ્ય ગરિમા સાથે પ્રવેશ આપવા અને તેમના અસીલોને મળવા દેવાની પરવાનગી આપવામાં આવે તે મતલબની ઉગ્ર માંગણી કરવામાં આવી છે.
અમદાવાદ ક્રિમિનલ કોર્ટસ બાર એસોસીએશન ના પ્રમુખ ભરત શાહ તથા સેક્રેટરી અશ્વિન પટેલે આ સમગ્ર મામલે જણાવ્યું કે, અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં તેમજ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે પણ એડવોકેટ પોતાના અસીલોને મળવા જઈ શકે છે તેમ જ જે તે પોલીસ સ્ટેશનમાં જઈ શકે છે પરંતુ અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી ખાતે આવેલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં યેનકેન પ્રકારે એડવોકેટોને પોતાના અસીલોને મળવા દેવામાં આવતા નથી અને જો કોઈ કીસ્સામાં એડ્વોકેટને તેઓના અસીલને મળવાની મંજુરી આપવામાં આવે તો એડવોકેટ સાથે પ્રવેશ સમયે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવે છે તેમજ એડવોકેટનો મોબાઈલ ફોન પણ બહાર આવેલ કેબીનમાં મુકવામાં આવે છે જે બાબત કાયદાના સિધ્ધાંતોથી વિરૂધ્ધ છે.
અમદાવાદ ક્રિમિનલ કોર્ટસ બાર એસોસીએશન ના પ્રમુખ ભરત શાહ તથા સેક્રેટરી અશ્વિન પટેલે શહેર પોલીસ કમિશનર ને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલીમાં આવેલ ક્રાઈમ બ્રાન્ચ આપના તાબા હેઠળ આવે છે કેટલાક કિસ્સાઓમાં ક્રાઈમ બ્રાન્ચ તરફથી એડવોકેટોના જે તે અસીલોને ગેરકાયદેસર રીતે અટક કરી 24 કલાક કરતા પણ વધુ સમય પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવે છે અને એડવોકેટોને મળવા દેવા પણ મંજુરી આપવામાં આવતી નથી જે બાબત ન્યાય સાથે પણ સુસંગત નથી. ઉપરોક્ત સંજોગો ધ્યાનમાં લઈ અમદાવાદ શહેરના આપની હકુમતમાં આવેલ ગાયકવાડ હવેલીમાં આવેલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં એડવોકેટોને કાયદાની જોગવાઈ મુજબ પોતાના અસીલોને મળવા દેવામાં આવે તે સારું યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી કરી છે.
અમદાવાદ ક્રિમિનલ કોર્ટસ બાર એસોસીએશન ના પ્રમુખ ભરત શાહ તથા સેક્રેટરી અશ્વિન પટેલે માંગ કરી છે કે, પોલીસ તંત્રના વકીલો સાથેના આ પ્રકારના વર્તનના કારણે વકીલઆલમમાં ભારે નારાજગીની લાગણી પ્રવર્તી રહી છે ત્યારે શહેર પોલીસ કમિશનરે આ સમગ્ર મામલે હકારાત્મક અભિગમ અપનાવી તાકીદે યોગ્ય નિર્ણય લેવો જોઇએ અને વકીલોને ક્રાઇમબ્રાંચમાં પ્રવેશવાની અને તેમના અસીલોને બિનજરૂરી હેરાનગતિ વિના મળવા દેવાની પરવાનગી આપવી જોઇએ. #bharatmirror #bharatmirror21 #news