ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશને સરકારના તમામ વિભાગોના ટેન્ડર નહી ભરવાની જે ઝુંબેશ અને લડત હતી, તે સરકાર સાથે સુખદ સમાધાન થયા બાદ પાછી ખેંચવાની સત્તાવાર જાહેરાત કરાઇ
ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના ચેરમેનશ્રી અરવિંદભાઇ પટેલ સહિતના હોદ્દેદારોએ રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ, રાજયના માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી પૂર્ણેશ મોદી સહિતના મહાનુભાવોનો આભાર વ્યકત કર્યો
કોરોના મહામારી બાદ સરકારી પ્રોજેકટના કામોમાં ખાસ કરીને મટીરીયલ્સમાં 50 ટકા અને સ્ટીલમાં તો, 100 ટકા સુધીનો થયેલો ભાવવધારો નહી ચૂકવાતાં છેલ્લા 70 દિવસથી રાજયભરના પાંચ હજારથી વધુ કોન્ટ્રાકટોએ સરકારના કોઇપણ વિભાગના ટેન્ડર નહી ભરવાની લડત ચલાવી હતી, જો કે, સરકાર સાથે સુખદ સમાધાન થતાં લડતનો અંત આણ્યો, આવતીકાલથી ટેન્ડર ભરાશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.16
કોરોના મહામારી બાદ ગુજરાત રાજ્યના સરકારી કામોમાં વપરાતા માલ-સામાન જેવા કે, સ્ટીલ, સિમેન્ટ, ડામર, રેતી, કપચી, ઇંટો ટ્રાન્સપોર્ટેશન તેમજ કારીગરો અને મજૂરીના ભાવમાં થયેલા આશરે 40% થી 50% જેટલો ભાવવધારાને ગુજરાત સરકાર તરફથી સરભર કરી આપવાની હૈયાધારણ અપાતાં અને ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનની આ અંગેની માંગણીઓ સંદર્ભે સરકારે હકારાત્મક અભિગમ અપનાવી સમંતિ દાખવતા છેલ્લા 70 દિવસથી ચાલી રહેલી રાજયભરના કોન્ટ્રાકટરોની લડતનો આખરે સુખદ અંત આવ્યો છે. ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશને સરકારના તમામ વિભાગોના ટેન્ડર નહી ભરવાની જે ઝુંબેશ અને લડત હતી, તે આજે સરકાર સાથે સુખદ સમાધાન થયા બાદ પાછી ખેંચવાની સત્તાવાર જાહેરાત કરી હતી. જેને પગલે હવે આવતીકાલથી સરકારના વિવિધ વિભાગોના અને સરકારી પ્રોજકટના આશરે રૂ.દસ હજરા કરોડના કામો અને સાડા ત્રણ હજારથી વધુ ટેન્ડરો જે ઓનલાઇન હતા, તે ભરાવાની શરૂઆત થશે.
રાજયભરના કોન્ટ્રાકટરોની ભાવવધારાની માંગણીઓ રાજય સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવતાં ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના ચેરમેનશ્રી અરવિંદભાઇ પટેલ અને વાઇસ ચેરમેન કિશોર વિરમગામા તથા કે.કે.પટેલ સહિતના હોદ્દેદારોએ રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ, રાજયના માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી પૂર્ણેશ મોદી સહિતના મહાનુભાવોનો હ્રદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો. બીજીબાજુ, સરકારના હકારાત્મક અભિગમ અને તેમની માંગણીઓ સ્વીકારવામાં આવતાં રાજયભરના આશરે પાંચ હજારથી વધુ કોન્ટ્રાકટરોમાં પણ ખુશીની લાગણી ફેલાઇ છે કારણ કે, આવતીકાલથી હવે સરકારના હજારો કરોડના કામોના ટેન્ડરો ભરવાની શરૂઆત કરાશે અને વિકાસ કામો આગળ ધમધમતા થશે.
આ અંગે ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના ચેરમેનશ્રી અરવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારી બાદ સરકારી પ્રોજેકટના કામોમાં ખાસ કરીને મટીરીયલ્સમાં 50 ટકા અને સ્ટીલમાં તો, 100 ટકા સુધીનો ભાવવધારો થયો છે, આ મુદ્દે વારંવારની રજૂઆત અને માંગણીઓ છતાં રાજય સરકાર દ્વારા રાજયભરના કોન્ટ્રાકટરોને આ ભાવવધારો નહી ચૂકવાતાં અને કોન્ટ્રાકટરોને જૂના ભાવે જ કામ ચાલુ રાખવાની ફરજ પડતાં કોન્ટ્રાકટરોની હાલત કફોડી બની હતી, જેથી ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનની થોડા સમય પહેલાં મળેલી બેઠકમાં તા.8મી જાન્યુઆરી પછી સરકારના તમામ વિભાગોના કોઇપણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયાથી અલિપ્ત રહેવા અને રાજયભરના કોઇપણ કોન્ટ્રાકટરોએ સરકારનું કોઇપણ ટેન્ડર ભરવુ નહી તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. એટલે કે, સરકારના કોઇપણ વિભાગના ટેન્ડર નહી ભરવાની લડત-ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના ચેરમેનશ્રી અરવિંદભાઇ પટેલે વધુમાં ઉમેર્યું કે, એસોસીએશન તરફથી રાજયભરના પાંચ હજારથી વધુ કોન્ટ્રાકટરોની લડત અને તેમની વ્યથા રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ અને માર્ગ-મકાન વિભાગના મંત્રી શ્રી પૂર્ણેશ મોદી સુધી પહોંચાડી તેમને વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. આખરે સરકારના આ મહાનુભાવોએ રાજયના કોન્ટ્રાકટરોની વ્યથા અને વાસ્તવિક માંગ સમજીને હકારાત્મક અભિગમ અપનાવી તેમની ભાવવધારાની માંગણી સ્વીકારી તેનો લાભ તા.1લી એપ્રિલ, 2022થી આપવાની હૈયાધારણ આપી હતી. જેને પગલે આજથી એસોસીએશન દ્વારા હવે સરકારના તમામ વિભાગોના ટેન્ડર નહી ભરવાની જે લડત જાર કરાઇ હતી, તે પાછી ખેંચવામાં આવે છે અને આવતીકાલથી તમામ વિભાગોના ટેન્ડર વિધિવત્ રીતે ભરવામાં આવશે. આમ, સમગ્ર લડતનો સુખદ સમાધાન સાથે અંત આવતાં રાજયભરના કોન્ટ્રાકટરોમાં પણ ભારે ખુશીની લાગણી ફેલાઇ છે.
બોક્ષ – સરકાર દ્વારા કોન્ટ્રાકટોરની આ માંગણીઓનો સ્વીકાર કરાયો
- રાજય સરકારના તમામ વિભાગોમાં ચાલતા કામોમાં જાન્યુઆરી-2021થી સપ્ટેમ્બર-2022 સુધીના 21 માસના થયેલા કામોમાં સિમેન્ટ, સ્ટીલ અને ડામરમાં સ્ટાર રેટ આપવામાં આવશે. સ્ટાર રેટની લિમિટિ દૂર કરવામાં આવે છે. રિર્ઝવ બેંકના ઇન્ડેક્ષ પ્રમાણે ભાવવધારો કોન્ટ્રાકટરોને ચૂકવાશે. સરકારના કામોમાં 12 મહિનાથી વધુની સમયમર્યાદાવાળા કામોમાં પ્રાઇસ એસ્કેલેશન આપવામાં આવે છે, જેની સીલીંગ પાંચ ટકા છે, તે યથાવત્ રાખેલ છે
- જે કામોમાં 12 માસથી ઓછી સમયમર્યાદામાં પ્રાઇસ એસ્કેલેશન નથી, પરંતુ તે કામોની સમયમર્યાદા વધારો કરવામાં આવે તેવા થયેલા કામમાં જાન્યુઆરી 2021થી સપ્ટેમ્બર 2022 સુધીના સમયગાળામાં પ્રાઇસ એસ્કેલેશન આપવામાં આવશે
- સ્ટાન્ડર્ડ બીડીંગ ડોકયુમેન્ટ(એસબીડી)નો અમલ કરાવવા બાબતે સરકારની સંમંતિ, જેની પ્રક્રિયા ચાલુ કરી દેવાઇ છે. જે તા.1-4-2022 પછીના ટેન્ડરોમાં અમલ કરાશે
- ટેન્ડરોની કિંમત જીએસટી સિવાયની કરવા મુદ્દે પણ સરકારે સહમતી દર્શાવી છે
- આ જ પ્રકારે શીડયુલ ઓફ રેટ્સ (એસઓઆર) અપડેટ કરવા પણ સરકારે તૈયારી દર્શાવી છે.
#bharatmirror #bharatmirror21 #news