અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.
તા:૨૩ ફેબ્રુઆરી ૨૦૨૨:
બાપાનું નામ એક અદ્ભૂત અનુભૂતિ છે..માનવદેહે આવો કોઇ માણસ પૃથ્વી પટે વિહરતો હતો એવું આજની પેઢી કદાચ માને પણ નહીં..બે સદીથી ચાલી રહેલું વિરપુરનું સદાવ્રત એનો જીવંત પુરાવો છે..કહેવાય છે કે દિવા પાછળ હંમેશાં અંધારૂ હોય..કિર્તી કે પ્રસિદ્ધ બીજી ત્રીજી પેઢીએ પરવારી જાય…જગતમાં મોટાભાગના મહાન માણસોની બાબતમાં એવું બન્યું છે.આ બધામાં જલારામ બાપા અપવાદ છે..એમનો સેવાયજ્ઞ એમની હયાતીમાં તો ધમધોકાર ચાલ્યો જ, પરંતુ એમના વારસદારોએ પણ અન્નક્ષેત્રનો જયજયકાર આજ સુધી કર્યે જ રાખ્યો છે…એક ઝલક બાપાના વંશજોની મેળવીએ…
જલારામ બાપાએ 20 વરસની ઉંમરે 18/11/1820 ના રોજ વિરપુરમાં હરિહરની શરૂઆત કરી..જે પ્રવૃત્તિ એમના દેહવિલય 23/2/1881 સુધી એમની હયાતીમાં જ અવિરત ચાલતી રહી…બાપાને સંતાનમાં એકમાત્ર દિકરી જમનાબહેન..એમના પુત્ર કાળાભાઈ..એમના વારસ એટલે નાનકડા હરિરામ…બાપાએ દફતર લઇ નિશાળ જતા નાનકડા દોહિત્ર હરિરામમાં ચમકારો જોયો અને પોતાની હયાતીમાં જ એમને વિરપુર ગાદીના રખેવાળ તરીકે પસંદ કર્યા..
હરિરામ બાપા શાળાને રામરામ કરી રામસેવાને અપનાવી..એ પ્રકાંડ વિદ્વાન હતા..એમને તમામ શાસ્ત્રો કંઠસ્થ હતાં..ભગવદ્ ગીતાના તમામ શ્લોક એ મોંઢે બોલી રસદર્શન કરાવતા..”અન્નદાનની મહત્તા” અને “ભકતધર્મ ” જેવાં પુસ્તકો લખ્યાં . એમણે ઇ.સ.1912 સુધી વિરપુરનું સદાવ્રત અદ્ભૂત રીતે ચલાવ્યું..
છપ્પનીયા દુષ્કાળ સમયે વિરપુરના અન્નક્ષક્ષેત્રની નામના ટોચ ઉપર પહોંચી હતી..એ હરિરામ બાપાના પુત્ર ગિરધરરામ બાપાની કમાલ હતી..(જન્મ 23/11/1906) વિરપુરનું સદાવ્રત હરીરામ બાપા પછી એમણે સંભાળ્યું…એમની સેવાની ભાવના એટલી ઉદાત્ત હતી કે લોકો એમને “જલારામ બાપાનો અવતાર” માનતા..ગિરધરરામ બાપાએ અછતના કપરાકાળમાં કે દુષ્કાળોમાં સૌરાષ્ટ્રમાં જે લોકસેવા કરી છે એ એક ઉજજવળ ગાથા છે..વિરપુરધામ એમના થકી દેશવિદેશમાં ખુબ જ ખ્યાતી પામ્યું..
એ પછી વિરપુરના ગાદીપતિ તરીકે એમના પુત્ર જયસુખરામ બાપા (જન્મ 31/10/1927) બિરાજમાન થયા..જે પોતે મુકસેવક હતા..સેવા તત્પર સંત કોટિના સંસારી..કાન્તાબા એમનાં ધર્મપત્ની જે પોતે પતિની સાથે ખડેપગે અનન્દાન કરતાં..જલારામ બાપા અને એમના વારસદારોએ સંસારમાં રહીને માનવસેવાની અદ્ભૂત કેડી કંડારી છે..પ્રસિધ્ધથી હંમેશાં દૂર રહેવાનો સહજ ગુણ બાપાના તમામ વારસદારોમાં જોવા મળે છે.
જયસુખરામબાપા દેખાવમાં આબેહૂબ જલારામ બાપા જેવા જ લાગતા..એકવખત મેં એમને વિરપુર ખાતે ઢળતી સાંજે મૌનમાં એકલા બેઠેલા જોયેલા ..અને સાક્ષાત જલારામ બાપા બેઠા હોય એવું લાગેલું..એ સુખદ પળ મારા જીવનની સૌથી શ્રેષ્ઠ પળ હતી…ઇ.સ.2000ના વર્ષથી વિરપુરમાં કોઇપણ પ્રકારનું દાન લેવાનું બંધ છે. આ નિર્ણય એમના સમયમાં થયો હતો..એમનો દેહવિલય થયો ત્યારે હું વિરપુરમાં હતો..આખા પંથકમાં ઘેરી ઉદાસી ફેલાઇ ગઇ હતી..
જયસુખરામ બાપા પછી એમના પુત્ર રઘુરામબાપા હાલે વિરપુરનો વહીવટ ચલાવે છે..(જન્મ 25/12/1951) સાત પેઢી પછી પણ સદાવ્રતની સુવાસ એવી જ પ્રસરી રહી છે..યાત્રાળુઓની સંખ્યામાં બેહદ વધારો થયો છે..વિરપુરની જગ્યામાં ભોજનપ્રસાદ માટે આધુનિક ફેરફારો એમનું પ્રદાન છે..આગામી વરસમાં આ સદાવ્રત એમના નેતૃત્વમાં 200 વરસની સેવાયાત્રા પુરી થઇછે..એ નિમિત્તે મોરારીબાપુની ભવ્ય રામકથા પણ વિરપુરમાં થયેલી..જલાબાપાથી રઘુરામબાપા સુધી સેવાનું અખંડ અજવાળું પ્રસરતું જ રહયું છે..એક મંત્ર સાથે..”રામ નામ મેં લીન હૈ..દેખત સબમૈં રામ..તાકે પદ વંદન કરૂં.જય જય જલારામ.”