કોંગ્રેસ શહેરના વિકાસ કાર્યોનો વિરોધ કરતું નથી પરંતુ બજેટના નામે શાસક પક્ષ દ્વારા જે મસમોટા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, તેનો કોંગ્રેસ પક્ષ સખત વિરોધ કરે છે – વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણ
મ્યુનિ.કોંગ્રેસપક્ષે શાસક ભાજપનાં ૮૮૦૭ કરોડનાં બજેટમાં ૩૩૪ કરોડનાં સુધારા સૂચવતાં મ્યુનિ. બજેટનુ કદ ૯૧૪૧ કરોડ ઉપર પહોંચ્યુ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.14 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સને ૨૦૨૨-૨૩નાં વર્ષ માટે મંજૂર કરાયેલાં ૮૮૦૭ કરોડનાં બજેટમાં ૨૭૫.૩૭ કરોડનાં વિકાસકાર્યો સહિત કુલ રૂ.૩૩૪ કરોડનાં સુધારા આજે અમ્યુકો વિપક્ષ કોંગ્રેસ પક્ષ દ્વારા સૂચવવામાં આવ્યા હતા અને બજેટમાં શાસક પક્ષ દ્વારા કરવામાં આવતી મસમોટી જાહેરાતો અને દાવાઓનો વાસ્તવિક અમલ કરવા અમ્યુકોમાં વિપક્ષ કોંગ્રેસપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે ઉગ્ર માંગણી કરી હતી. વિપક્ષના નેતા શેહઝાદખાન પઠાણે અમ્યુકોમાં શાસક પક્ષ એવા ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, દર વર્ષના બજેટમાં ભાજપ દ્વારા મસમોટી જાહેરાતો કરાય છે અને વિકાસ કાર્યોના પોકળ દાવાઓ કરાય છે પરંતુ તેનો વાસ્તવિક અમલ કયાંય દેખાતો નથી. પાછલા વર્ષના મંજૂર થયેલા બજેટમાં હજુ રૂ.350થી વધુ કરોડના કામો બાકી છે. શાસક પક્ષ બજેટમાં ફુલગુલાબી જાહેરાતો કરી અમદાવાદના નગરજનોને ગેરમાર્ગે દોરે છે. સૌથી નોંધનીય વાત તો એ છે કે, રાજયની ભાજપ સરકારે મ્યુનિ.માં પણ ભાજપનુ શાસન હોવા છતાં ઓકટ્રોયની ગ્રાન્ટ પેટે ૨૨૯૦૫ કરોડ આપ્યા નથી, જે બહુ કમનસીબ બાબત કહી શકાય.
મ્યુનિ.વિપક્ષના નેતા શેહઝાદખાન પઠાણે સાફ શબ્દોમાં માંગણી કરતાં જણાવ્યું હતું કે, હવે એ સમય આવી ગયો છે કે, શાસક પક્ષે દર વર્ષનું બજેટ જાહેર કે મંજૂર કરતાં પહેલાં પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ અને તેમનો અવાજ સાંભળવો જોઇએ અને પ્રજાની રજૂઆત, વાંધા, સૂચનો અને માંગણી ધ્યાનમાં લીધા બાદ જ બજેટ જાહેર કરવું જોઇએ પરંતુ શાસક પક્ષ પ્રજાના પ્રાણપ્રશ્નોને નજરઅંદાજ કરીને પોતાની રીતે જ બજેટ જાહેર કરી દે છે. કોંગ્રેસ શહેરના વિકાસ કાર્યોનો વિરોધ કરતું નથી પરંતુ બજેટના નામે શાસક પક્ષ દ્વારા જે મસમોટા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, તેનો કોંગ્રેસ પક્ષ સખત વિરોધ કરે છે.
મ્યુનિ.માં શાસક પક્ષ કમિશનરનાં બજેટમાં અને મ્યુનિ.વિરોધપક્ષ શાસકપક્ષનાં બજેટમાં સુધારાવધારા સૂચવે તે પરંપરા મુજબ મ્યુનિ.કોંગ્રેસપક્ષે શાસક ભાજપનાં ૮૮૦૭ કરોડનાં બજેટમાં ૩૩૪ કરોડનાં સુધારા સૂચવતાં મ્યુનિ. બજેટનુ કદ ૯૧૪૧ કરોડ ઉપર પહોંચી ગયુ છે. મ્યુનિ. કમિશનરે જ આવક-જાવકને ધ્યાને લીધી હોવા છતાં જે બજેટ રજૂ કર્યુ તે વર્ષાંતે રિવાઇઝ કરવુ પડે તેમ હોવા છતાં શાસક ભાજપે ૬૯૬ કરોડનો જંગી વધારો કર્યો અને હવે કોંગ્રેસે ૩૩૪ કરોડનો વધારો સૂચવ્યો છે, પરંતુ આટલા મોટા બજેટને પરિપૂર્ણ કરવા માટે એટલે કે સાકાર કરવા માટે નાણાં આવશે ક્યાંથી તેવા સવાલનાં જવાબમાં મ્યુનિ. કોંગ્રેસપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, મ્યુનિ.ની ઓકટ્રોય વસુલાતની સત્તા આંચકી લીધા બાદ રાજય સરકારે દર મહિને ઓકટ્રોયના બદલામાં ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી અને તેમાંય દર વર્ષે તેમાં વધારો કરી આપવાની ખાતરી આપી હતી.પરંતુ દુખ સાથે કહેવુ પડે છે કે, રાજયમાં ભાજપ સરકાર અને મ્યુનિ.માં ભાજપની સત્તા હોવા છતાં છેલ્લા અગિયાર વર્ષ દરમિયાન રાજય સરકારે મ્યુનિ.ને ઓકટ્રોય પેટે જે વધારા સાથે ગ્રાન્ટ આપવી જોઇએ તે આપી જ નથી અને તેના કારણે મ્યુનિ.ને ૨૨૯૦૫ કરોડ રૂપિયા રાજય સરકાર પાસે લેવાના નીકળે છે.
જો આ નાણાં મળી જાય તો શહેરીજનો પાસેથી કોઇ જ ટેકસ વસુલ કરવો પડે નહિ અને તમામ પ્રકારનાં વિકાસકાર્યો પણ પૂરા થઇ જાય તો પણ મ્યુનિ.ની તિજોરી છલકાયેલી જ રહે તેવી સ્થિતિ સર્જાય. પરંતુ રાજય સરકાર મ્યુનિ.ને ટુકડે ટુકડે બીજા નામો હેઠળ ગ્રાન્ટ આપીને જશ ખાટવાનો પ્રયાસ કરે છે. ખરેખર તો મ્યુનિ. ભાજપનાં હોદ્દેદારોએ રાજય સરકાર પાસેથી ઓકટ્રોયની બાકી ગ્રાન્ટ જ મેળવવી જોઇએ. મ્યુનિ. વિરોધપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણે મ્યુનિ. કોંગ્રેસપક્ષ તરફથી એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સને ૨૦૦૬થી ભાજપ મ્યુનિ.માં સત્તા સંભાળી રહયો છે, આજદિન સુધીમાં આવક જાવકનાં હિસાબો ચકાસ્યા વગર જ બજેટનાં કદ વધારતા ગયા અને કુલ ૭૦૦૪૧ કરોડનાં બજેટ રજૂ કરાયાં તેમાંથી ૧૯૧૪૫ કરોડ રૂપિયા વાપરી શકાયા નથી તે દર્શાવે છે કે, મ્યુનિ. ભાજપ દ્વારા ફુલગુલાબી ચિત્ર દર્શાવીને અવાસ્તવિક બજેટ મુકવામાં આવે છે.
મ્યુનિ. કોંગ્રેસપક્ષ નેતાએ દાવો કર્યો હતો કે, મ્યુનિ. ભાજપે જે સુધારા સૂચવ્યા છે તેનાથી તદ્દન અલગ પ્રકારનાં સુધારાવધારા કોંગ્રેસ તરફથી સૂચવવામાં આવ્યા છે. જેનાથી તમામ વોર્ડ વિસ્તારનાં નાગરિકોને ફાયદો થશે. તેમણે કહ્યું કે, કોરોના મહામારી અંકુશમાં આવી છે, ખતમ નથી થઇ તે જોતાં દરેક વોર્ડમાં ૩૦ બેડની સુવિધા સાથેનાં આઇસોલેશન વોર્ડ બનાવવા જોઇએ તેમજ પૂર્વની ગરીબ વસ્તીને ધ્યાને લઇ મોટી ચાઇલ્ડ કેર એન્ડ વુમન માટે મલ્ટીસ્પેશિયાલીટી ગાયનેક હોસ્પિટલ બનાવવા સહિત અનેક પ્રકારનાં નાગરિકલક્ષી સુધારા સૂચવવામાં આવ્યા છે. કોંગ્રેસ પક્ષ તરફથી શહેરમાં ઇમ્પેક્ટ ફીના નિયમોની ફેરવિચારણા કરી નવા નિયમો સાથે સરળીકરણ સાથે તેનો અમલ કરવા, શહેરીજનો પાસેથી 18 ટકાના બદલે 7 ટકા લેખે વ્યાજની વસૂલાત કરવા સહિતના મહત્વના સુધારાઓ સૂચવવામાં આવ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news