નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૨૧ ફેબ્રુઆરી ૨૦૨૨:
સમસ્ત બ્રહ્મસમાજની સેક્ટર 3ના સાંઈબાબા મંદિર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના ગાંધીનગરના પ્રમુખ સુનિલભાઈ ત્રિવેદી, રાજ્ય કક્ષાના સંગઠનકાર અશ્વિનભાઈ ત્રિવેદી, ધર્મ સંસદના અગ્રણી અને પૂર્વ પ્રમુખ કનૈયાલાલ પંડયા, ગાંધીનગર મનપાના કોર્પોરેટર છાયાબેન ત્રિવેદી, કલ્પેશભાઈ જોશી, યુવા પાંખના પ્રમુખ મૌલિક દિક્ષિત, કશ્યપ દવે, ઘનશ્યામભાઈ, બિપિન રાવલ, મનિષભાઈ જાની જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ઓલ ઇન્ડિયા રેડિયોના કલાકાર રેખાબેન રાવલની પ્રાર્થનાથી થઈ હતી અને ત્યારબાદ દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન મનિષભાઈ ત્રિવેદીએ સંભાળ્યું હતું.
આ પ્રસંગે બ્રહ્મ સમાજ, ગાંધીનગરના પ્રમુખ સુનિલભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હું બ્રહ્મ સમાજના તમામ લોકો માટે તન, મન, ધનથી કાર્ય કરીશ. તેમણે બ્રહ્મ સમાજને એક કરવાની હાકલ કરી હતી. આ સાથે તેમણે બ્રહ્મ ગૌરવ એવોર્ડ શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બ્રહ્મ સમાજ, ગાંધીનગરની ડિરેક્ટરી તૈયાર થશે. અને ડિરેક્ટરી તૈયાર કરવાની જવાબદારી વિપુલભાઈ ઠાકર અને જૈમિન શુક્લને સોંપી હતી. ધર્મ સંસદના અગ્રણી કનૈયાલાલ પંડયાએ જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજના તમામ લોકોએ સાથે મળીને આગળ વધવું પડશે. દરેક બ્રાહ્મણોએ એક બીજાના સુખ દુઃખમાં સાથ આપવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે તે ભાષણ, ભોજન અને ભ્રમણથી દૂર રહશે અને બ્રહ્મ સમાજ માટે કામ હંમેશા કામ કરતા રહશે.
બ્રહ્મ સમાજના રાજ્ય કક્ષાના સંગઠનકાર અશ્વિનભાઈ ત્રિવેદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, તેઓ બ્રહ્મ સમાજની સ્થાપના સમયથી સક્રિય છે. તેમણે બે બ્રહ્મ બિઝનેસ સમિટનું સક્રિયતા પૂર્વક આયોજન કર્યું છે. અને લગભગ 11,500 ભુદેવોને રોજગારી આપી છે. તેમણે યજ્ઞોપવીત, લગ્ન પસંદગી મેળો, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાનું વચન આપ્યું હતું. તેમણે સરકારી યોજનાઓના લાભો જણાવ્યા હતાં અને જન જાગૃતિના કાર્યક્રમો યોજવાની ઘોષણા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આપણને અનેક પ્રયાસોના ફળ સ્વરૂપે બિન અનામત આયોગ મળ્યું છે. હવે આપણે બ્રહ્મ વિકાસ આયોગ મેળવવા કાર્યરત છીએ. તેમણે ત્રીજી બ્રહ્મ બિઝનેસ સમિટ યોજવાની પણ જાહેરાત કરી હતી.
આ કાર્યક્રમમાં યુવા કાર્યકરોને નિમણૂંક પત્રો અપાયા હતા.