- ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અડાલજ ખાતે માં અન્નપૂર્ણા ભોજનાલય નું વિધિવત્ ઉદ્ઘાટન
- સ્વામિનારાયણ મંદિર અડાલજ અને મા અન્નપૂર્ણા ધામ અડાલજ જેવી સંસ્થાઓ દ્વારા રૂપિયા ૫૦ લાખના ખર્ચે ગરીબ જરૂરિયાત મંદ અને મધ્યમ વર્ગના લોકો માટે માત્ર રૂપિયા ૨૦ માં અનલિમિટેડ, સ્વાદિષ્ટ અને ભરપેટ ભોજન પૂરું પાડતું ભોજનાલય શરૂ કરાયું
- સ્વામિનારાયણ મંદિર અને માં અન્નપૂર્ણા ધામ અડાલજ દ્વારા માં અન્નપૂર્ણા ભોજનાલય નો શરૂ કરાયેલો સેવાયજ્ઞ ખરેખર સરાહનીય અને પ્રેરણારૂપ : ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
- રૂપિયા ૫૦ લાખના ખર્ચે અડાલજ ખાતે શરૂ કરાયેલા મા અન્નપૂર્ણા ભોજનાલય ખાતે રોજ ૫૦૦ વ્યક્તિઓને માત્ર રૂ.૨૦ માં અનલિમિટેડ અને સ્વાદિષ્ટ ભોજન પૂરું પડાશે : નરહરિ અમીન
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ, તા.૧૨ ફેબ્રુઆરી ૨૦૨૨:
સ્વામિનારાયણ મંદિર અડાલજ અને માં અન્નપૂર્ણા ધામ અડાલજ દ્વારા અડાલજ ખાતે મા અન્નપૂર્ણા ધામ ની સામે જ વિશાળ જગ્યામાં માં અન્નપૂર્ણા ભોજનાલય શરૂ કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. માં અન્નપૂર્ણા ભોજનાલય ખાતે માત્ર રૂપિયા ૨૦ માં તમામ વર્ગના લોકોને અનલિમિટેડ, અત્યંત સ્વાદિષ્ટ અને ભરપેટ ભોજન પૂરું પાડવામાં આવશે.
અડાલજ ખાતે માં અન્નપૂર્ણા ભોજનાલયનું ઉદ્ઘાટન કરતા ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતના લોકો ખાસ કરીને સ્વામિનારાયણ મંદિર અને મા અન્નપૂર્ણા ધામ જેવી સામાજિક અને સમાજસેવી સંસ્થાઓ માનવતા ભર્યા અનેક સેવાકાર્યો કરતી આવી છે અને આવું જ એક અનોખુ સેવાકાર્ય અડાલજ ખાતે મા અન્નપૂર્ણા ભોજનાલય થકી શરૂ કરવામાં આવ્યું છે કે જ્યાં માત્ર રૂપિયા ૨૦ માં ગરીબ, જરૂરિયાતમંદ અને મધ્યમ વર્ગ સહિતના તમામ વર્ગના લોકોને ભરપેટ અને સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડવામાં આવશે. સ્વામિનારાયણ મંદિર અને માં અન્નપૂર્ણા ધામ અડાલજ નો આ અનોખો સેવાકીય યજ્ઞ ખરેખર સરાહનીય અને સમાજ માટે પ્રેરણારૂપ છે. ગુજરાતમાં કોરો ના કાળ દરમ્યાન પણ રાજ્યના નાગરિકો અને અનેક સેવાભાવી સંસ્થાઓએ ગરીબ જરૂરિયાતમંદ અને ભૂખ્યા એવા લાખો લોકોને ભોજન પૂરું પાડી માનવતાનું અને ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિનું અનોખું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે ત્યારે સ્વામિનારાયણ મંદિર અને મા અન્નપૂર્ણા ધામ અડાલજ દ્વારા શરૂ કરાયેલી આ અનોખી સેવા બદલ હુંર સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિભાઇ અમીન, ચેરમેન રવજીભાઈ વસાણી, અન્ય ટ્રસ્ટીઓ તેમ જ આ અનોખા સેવા યજ્ઞ માટે યથાયોગ્ય ફાળો અને દાન આપનાર તમામ દાતાઓ અને સેવા કાર્યમાં જોડાયેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું અને તેમના આ અનોખા સેવાકાર્ય ને બિરદાવું છું.
આ પ્રસંગે માં અન્નપૂર્ણા ધામ ના પ્રમુખ શ્રી નરહરીભાઈ અમીને જણાવ્યું હતું કે, અડાલજ ખાતે સ્વામિનારાયણ ફાર્મ પાસે માં અન્નપૂર્ણા ધામ ની સામે જ વિશાળ જગ્યામાં રૂપિયા ૫૦ લાખના ખર્ચે સમાજના તમામ વર્ગના લોકોને અત્યંત સ્વાદિષ્ટ, ભરપેટ અને અનલિમિટેડ ભોજન મળી રહે તેવા ઉમદા હેતુથી માં અન્નપૂર્ણા ભોજનાલય શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં રોજના ૫૦૦ જેટલા વ્યક્તિઓને માત્ર રૂ.૨૦ માં સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડવામાં આવશે. શ્રી નરહરીભાઈ અમીને વધુમાં ઉમેર્યું હતું કે સમસ્ત લેઉવા પાટીદાર સમાજની આરાધ્ય દેવી અને કુળદેવી મા અન્નપૂર્ણા છે. અડાલજ ખાતે માં અન્નપૂર્ણા ધામ ની પ્રાણ પ્રતિષ્ઠા ખુદ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવી હતી ત્યારે ખુદ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રકારનાં મા અન્નપૂર્ણા ભોજનાલય શરૂ કરવા અંગે માર્ગદર્શન અને દિશાસૂચન વ્યક્ત કર્યા હતા જેના પરિણામ સ્વરૂપ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ સંકલ્પ માંથી પ્રેરણા મેળવી સમાજના તમામ વર્ગના લોકોને માત્ર રૂ 20ની નજીવી કિંમતમાં ગુજરાતી દાળ, ભાત, શાક, રોટલી, કઠોળ, ફરસાણ, સ્વીટ સહિત ભરપેટ, સ્વાદિષ્ટ અને અનલિમિટેડ ભોજન મળી રહે તે પ્રકારનું માં અન્નપૂર્ણા ભોજનાલય શરૂ કરવામાં આવ્યું છે. રૂપિયા ૫૦ લાખના ખર્ચે શરૂ કરાયેલા આ માં અન્નપૂર્ણા ભોજનાલય ખાતે ધાર્મિક તહેવારો ઉત્સવ અને પ્રસંગો દરમ્યાન પણ ભોજન કરવા આવનારા તમામ લોકોને સ્વીટ અને ફરસાણ પણ પીરસવામાં આવશે.
માં અન્નપૂર્ણા ભોજનાલય ના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, માં અન્નપુર્ણ ધામ ના પ્રમુખ શ્રી નરહરિભાઇ અમીન, ચેરમેન રવજીભાઈ વસાણી ઉપરાંત આ અનોખા સેવાકાર્યમાં દાન આપનાર ચોકસી પરિવાર સહિતના દાતાઓ, આ અનોખા સેવાકાર્યમાં જોડાનાર સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બિપિનચંદ્ર પટેલ, સુરેશ પટેલ એનપી પટેલ,શ્રી હિતેશભાઈ પટેલ (પોચી), હિમાંશુભાઈ પટેલ સહિતના મહાનુભાવો પણ ખાસ હાજર રહ્યા હતા. માં અન્નપૂર્ણા ભોજનાલય ખાતે માત્ર રૂપિયા ૨૦ માં અનલિમિટેડ, સ્વાદિષ્ટ અને ભરપેટ ભોજન માણી ભોજન કરવા આવનાર તમામ લોકો ભોજન પામીને એક ખાસ પ્રકારનો સંતોષ અને તૃપ્તિ અનુભવતા હતા અને ભોજનાલયના ઉત્તમ અને ગુણવત્તાયુક્ત ભોજનની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #annapurnabhojnalay #annapurnadham #adalaj #ahmedabad