અશ્વિન લીંબાચીયા, વેરાવળ.
તા.16 જાન્યુઆરી 2022:
કોંગ્રસ દ્વારા વેરાવળ તાલુકાના સરપંચ અને કોંગ્રેસના નવનિયુક્ત હોદ્દેદારોના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વેરાવળ બસ સ્ટેશન નજીક આવેલા અઢિયા હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકારી અધિકારીઓને ચેતવણી આપી હતી કે, કોંગ્રેસના હોદ્દેદાર કે કાર્યકર્તા સાથે ખોટું કરશો તો કોંગ્રેસના ધારાસભ્ય તમને ઘરે બેસાડી દેશે. આ ઉપરાંત તેમને એવો પણ દાવો કર્યો હતો કે 2022માં કોંગ્રેસની સરકાર બનશે ત્યારે એક-એક સરકારી અધિકારીનો હિસાબ કરવામાં આવશે.
કોંગ્રેસના ધારસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, પ્રોટોકોલ ભાજપ અને કોંગ્રેસ બધા માટે લાગુ પડે. હું જાહેરમંચ પરથી સરકારી અધિકારીઓને કહેવા માગું છું કે કોઈ પાર્ટીનો નહીં પણ સરકારી કાર્યક્રમ હોય ત્યારે અધિકારીઓ ભાજપનો ખેસ પહેરીને કાર્યક્રમ કરતા હોય તે રીતે કામ કરતા હોય છે. પ્રોટોકોલ અનુસાર તેઓ ભાજપના નાનામાં-નાના કાર્યકર્તાને ત્યાં બોલાવે પણ અમારા કોંગ્રેસના તાલુકા પ્રમુખ હોય, શહેર પ્રમુખ હોય તેમને પ્રોટોકોલ અનુસાર બોલાવવામાં આવતા નથી. કોઈ લોક દરબાર હોય તો આમંત્રણ આપતા નથી. ભાજપને કોંગ્રેસના કાર્યકર્તા અને આગેવાનોનો એટલો ડર લાગે છે કે, અમારા હોદ્દેદારોને સરકારી પ્રોટોકોલ અનુસાર કાર્યક્રમમાં બોલાવવામાં આવતા નથી. આનું કારણ છે કે, ભાજપવાળા ડરે છે કે તે જે ખોટું કરે છે તેને કોંગ્રેસ બહાર લાવશે. કોંગ્રેસ આવવાની છે એટલે ડર લાગે છે. બાકી અમારા કોંગ્રેસના હોદ્દેદારોને સરકારી કાર્યક્રમમાં બોલાવતા તમને શોનો ડર લાગે છે. ઘણી વખત તો એવું થાય કે પ્રોટોકોલ અનુસાર અમને ચાર-ચાર ધારાસભ્યોને બોલાવતા પણ ડર લાગે છે. પ્રોટોકોલનું કોઈ પાલન કરવામાં આવતું નથી.
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકારી અધિકારીઓને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, હું આ જાહેરમંચ પરથી એક-એક અધિકારીને કહેવા માગું છું કે, તમે જે આ કરો છો તે લાંબુ નહીં ચાલે. ભાજપવાળા તમારી બદલી કરાવી શકશે નહીં પણ આ કોંગ્રેસના ધારાસભ્ય તમને ઘરે બેસાડી દેશે. આ મગજમાં રાખજો. અત્યારે કોર્ટ અને ન્યાયાલય ખુલ્લા છે. તમે એવું નહીં સમજતા અમારા કોંગ્રેસના કોઈ પણ નાનામાં નાના કોંગ્રેસના કાર્યકર્તા કે પછી કોઈ હોદ્દેદારને દબાવાની કોશિશ કરી છે, તો તમારી બદલી કરશે પણ ઘરે બેઠા પછી ભાજપવાળો તમને નોકરી અપાવી શકશે નહીં. એ પણ મગજમાં રાખજો કે કાયમી માટે ભાજપની સરકાર રહેવાનું નથી. 2022માં કોંગ્રેસની જ સરકાર આવવાની છે. ત્યારે એક-એક કર્મચારી અને અધિકારીનો હિસાબ થશે. અમે હિસાબ કરીશું કે જેને ખોટી રીતે મારી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર કે આગેવાનનું અપમાન કર્યું હશે તેનો એક-એકનો હિસાબ કરવામાં આવશે.