નીતા લીંબાચીયા, અમદાવાદ
તા.14 જાન્યુઆરી 2022:
કેડેવર અંગદાનમાં વધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર કે જે કિડની હોસ્પિટલ તરીકે ઓળખ ધરાવે છે. તેણે ગુરૂવારે મકરસંક્રાંતિના અવસર પર અંગદાનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે એક વિશાળ પતંગનું અનાવરણ કર્યું.
એક કેડેવર અંગદાન દ્વારા ઓછામાં ઓછી આઠ જિંદગી બચાવવા માટે સ્વૈચ્છિક દાન વિશેના સંદેશ સાથે આઇકેડીઆરસી કેમ્પસમાં વિશાળ પતંગ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ વિશાળ પતંગ “સ્વૈચ્છિક અંગદાન કાર્ય દ્વારા જીવનને ઉચ્ચ સ્તરે ઉડવાની તક આપો”નો સંદેશ દર્શાવે છે. સંસ્થાએ અંગદાનનો સંદેશ ઘરે ઘરે પહોંચાડવા માટે કેમ્પસમાં આવતા દર્દીઓના બાળકો અને સંબંધીઓને પતંગ અને માસ્ક પણ આપ્યા હતા.
જો બ્રેઈન-ડેડ વ્યક્તિના પરિવારજનોને કેડેવરનું મહત્વ સમજાય, તો કેડેવર દાન ટ્રાન્સપ્લાન્ટ માટેના દર્દીઓની પ્રતિક્ષા યાદીનો અંત લાવવામાં મદદ કરશે. તેમ જણાવતા આઇકેડીઆરસી – આઇટીએસના ડિરેક્ટર ડૉ.વિનીત મિશ્રાએ વધુમાં ઉમેર્યું હતું કે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિઓ માસ-મીડિયાના સમર્થન સાથે ગુજરાતમાં 2025 સુધીમાં જીવંત-સંબંધિત અંગ પ્રત્યારોપણને સમાપ્ત કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ આ લક્ષ્ય હાંસલ કરવા માટે સમુદાયના મજબૂત સમર્થનની જરૂર છે.