કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી તથા મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરાએ સ્પષ્ટ કરી આરોગ્યલક્ષી સરકારી રણનીતતી.
રાજકોટ તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૨:
રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ જીતુભાઈ વાઘાણી તથા શ્રી અરવિંદભાઈ રૈયાણીએ રાજકોટ જિલ્લાની કોરોના સંબંધિત પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. શિક્ષણ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી બાબતોના કેબિનેટ મંત્રી તથા રાજકોટ જિલ્લાના પ્રભારીશ્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ વધવાની પરિસ્થિતિમાં સરકારી તંત્રની સજ્જતા વિશે સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી. વાહન વ્યવહાર રાજ્યમંત્રીશ્રી અરવિંદ રૈયાણીએ કોરોનાનો સામનો કરવા માટે વેકસીનેશનનો વ્યાપ વધારવા આરોગ્ય તંત્રને જરૂરી આદેશો કર્યા હતા.
જિલ્લા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુએ કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા માટેની રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની તમામ કામગીરીથીથી રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીને વાકેફ કર્યા હતા. રાજકોટ શહેરની કોરોના સંબંધિત પરિસ્થિતિથી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને મ્યુનિસિપલ કમિશ્નરશ્રી અમિત અરોરા અને રાજકોટ ગ્રામ્યની પરિસ્થિતિથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ મંત્રીશ્રી વાઘાણીને માહિતગાર કર્યા હતા. બંને મંત્રીઓએ જાહેર જનતાને કોરોનાની પરિસ્થિતિથી ગભરાયા વગર પૂરતી સાવચેતી રાખવા અને રસીકરણ કરાવવા અનુરોધ કર્યો હતો. બંને મંત્રીઓ તથા અધિકારી ગણે પી.ડી.યુ. હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
આ બેઠકમાં રજૂ કરાયેલી માહિતી મુજબ જિલ્લા વહીવટીતંત્રએ પ્રતિદિન ૭૦૦૦ ટેસ્ટ કરવાની તૈયારી રાખી છે. જરૂર પડ્યે વધારાના ૨૦૦૦ ટેસ્ટ પ્રતિદિન વધારવાની ક્ષમતા પણ જિલ્લા વહીવટી તંત્રની છે. કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પી.ડી.યુ. મેડિકલ હોસ્પિટલ સહિત કુલ ૧૬૫ આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. રાજકોટ જિલ્લામાં ૮૩૨૦ બેડ, ૬૦૦ વેન્ટિલેટર્સ, ૫૭૪ એમ્બ્યુલન્સ ખડે પગે તૈયાર રાખવામાં આવી છે. ઓક્સિજનની ૨૪ ટેન્ક તૈનાત કરવામાં આવેલ છે, જેની ક્ષમતા ૧૫.૬ મેટ્રિકટની છે.
રાજ્ય સરકાર તથા મહાનગરપાલિકા દ્વારા વધારે સંક્રમણની શક્યતાવાળા હોટસ્પોટ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યુ છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે વધારવામાં આવી રહ્યા છે. હોમ આઇસોલેશનના દર્દીઓને ઈ-સંજીવની દ્વારા દરરોજ એક વખત ફોન મારફતે તબિયતની દેખરેખ રાખવામાં આવે છે. જીલ્લા તથા શહેરમાં ૧૦૦ ધન્વંતરી રથ અને ૩૦ સંજીવની રથ ભ્રમણ કરી રહ્યા છે. હેલ્પલાઇન નંબર ઉપર અંદાજે રોજના ૯૦ થી વધુ ફોન કોલ આવી રહ્યા છે, જેમને જરૂરિયાત મુજબ સારવાર આપવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગના સહયોગથી ગ્રામ્ય વિસ્તારના ૯૫૦૦૦ અને શહેરી વિસ્તારમાં ૮૩૦૦૦ બાળકોની રસીકરણ માટે નોંધણી કરવામાં આવી છે, જે પૈકી સરેરાશ ૯૦ ટકા કિશોરોને રસી અપાઇ ગઇ છે. શાળાએ ન જતા બાળકોની માહિતી સંકલિત બાલ વિકાસ યોજના અને આશા વર્કર્સ દ્વારા એકત્રિત કરવામાં આવી છે. તે ઉપરાંત ડોર ટુ ડોર સર્વે, રેશનકાર્ડ, કન્સ્ટ્રક્શન સાઇટની મુલાકાત વગેરે દ્વારા વધુ ને વધુ બાળકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવી રહ્યા છે. આ બેઠકમાં સંસદ સભ્યશ્રી મોહનભાઈ કુંડારીયા , ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ તથા શ્રી લાખાભાઈ સાગઠીયા, મૈયર ડો. પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પૂષ્કરભાઈ પટેલ, પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીના, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી આશિષકુમાર સિંહા તથ શ્રી ચેતન નંદાણી, પી.ડી.યુ. હોસ્પિટલના કાર્યકારી તબીબી અધિક્ષક ડો. અંજનાબેન ત્રિવેદી, ડીન ડો. સામાણી, પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભંડેરી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી વિજય દેસાણી, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરિયા, શહેર ભા.જ.પ. પ્રમુખ શ્રી કમલેશ મીરાણી, પી.ડિ.યુ. હોસ્પિટલ, ઈન્ડીયન મેડીકલ એસોસિએશન, પીડીયાટ્રીક એસોસિયેશન વગેરેના હોદ્દેદારો તથા સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.