નીતા લીંબાચીયા, અમદાવાદ
તા: 27 જાન્યુઆરી 2022:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે “Laws for Women Safety” વિષે એક વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત ઝોન-૪ ના ડે. પોલીસ કમિશ્નર મીસ પન્ના મોમૈયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સ્ત્રીઓના રક્ષણ માટેના કાયદાઓ વિષે જાણકારી આપી હતી. વધુમાં તેમણે મહિલાઓના અધિકારો તેમજ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ મહિલાઓ અંગેના કાયદાઓની વિગતવાર માહિતી આપી હતી. જેમાં સતિપ્રથા, દેવદાસી પ્રથા, વારસાના હક્કો, રેપના કાયદા, શારીરિક અને માનસીક ત્રાસ માટેના કાયદા, ભરણપોષણના કાયદા વિગેરે વિષે માહિતી આપી હતી. તેમણે ૧૨૫ નંબર, ૧૮૧ નંબર અને ૧૦૦ નંબર તથા પીસીઆર વાન વિષે પણ માહિતી આપી હતી. મીસ પન્નાબેને પોલીસની ફરજોની સાથે સાથે દરેક નાગરિકોની પણ ફરજ જણાવી શું સતર્કતા રાખવી તે વિષે સમજ આપી હતી.
વેબીનારના પ્રારંભમાં ચેમ્બરના પ્રમુખ શ્રી હેમંત શાહે આવકાર પ્રવચન કર્યું હતું જ્યારે બિઝનેસ વિમેન કમિટિના ચેરપર્સન શ્રીમતી કુસુમ કૌલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિમેન આંત્રપ્રિન્યોર્સ સેલના ચેરપર્સન શ્રીમતી જ્યોત્સનાબેન ગુજરાતીએ મુખ્ય મહેમાનનો પરિચય આપ્યો હતો.
આ વેબીનારમાં મોટી સંખ્યામાં સભ્યો જોડાયા હતા અને માહિતીપૂર્ણ વેબીનાર રહ્યો હતો.