નીતા લીંબાચિયા, ગાંધીનગર.
તા:19 જાન્યુઆરી, 2022:
ગંગા અને તેની સહાયક નદીઓની સાથે-સાથે દેશભરની વિવિધ નદીઓને પ્રદૂષણ મુક્ત કરીને તેની સુરક્ષા કરવા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા, નદીઓના બંન્ને કિનારે વૃક્ષારોપણની સાથે તેની નિર્મળતા અને અવિરતતા સુનિશ્ચિત કરવા માટે સક્રિયપણે કાર્યરત ગંગા સમગ્ર સંસ્થાએ આજે ગુજરાતના ગાંધીનગરમાં તેના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગંગા સમગ્રની ત્રિમાસિક પત્રિકા અને વેબસાઇટનું પણ વિમોચન કરાયું હતું.

આ પ્રસંગે ગંગા સમગ્રના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી માનનીય શ્રી રામાશીષજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. ગુજરાત સરકારના ગ્રામિણ વિકાસ અને ગ્રામિણ આવાસના કેબિનેટ મંત્રી શ્રી અર્જૂનસિંહ ચૌહાણ, ગુજરાત સરકારમાં કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિક્લસ રાજ્યમંત્રી શ્રી મૂકેશ પટેલ, કલ્પસર, મત્સ્યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા વિભાગ રાજ્યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરી, દિગ્ગજ નેતા શ્રી દિલિપ સાંઘાણી અને ગાંધીનગરના મેયર સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ની ગંગા સમગ્ર સંસ્થા દ્વારા ગંગા સહિતની દેશની અલગ-અલગ નદીઓ ઉપર નિર્ભર લોકોના જીવન સ્તરમાં સુધારો લાવવા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યત્વે નદીઓને પ્રદૂષણ મુક્ત બનાવવા ઉપર કેન્દ્રિત આ સંસ્થા જનભાગીદારી દ્વારા નદીઓની સુરક્ષા અને તેના અવિરત પ્રવાહને સુનિશ્ચિત બનાવવા માટે નિયમિત ધોરણે જાગૃતિ અભિયાન ચલાવે છે. આજે ગુજરાત પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે ગંગા સમગ્ર ગુજરાત રાજ્યની વિવિધ નદીઓની જાળવણી માટે કામગીરી નિભાવશે.
ઉલ્લેખનીય છે કે ગંગા સમગ્ર છેલ્લાં 10-12 વર્ષથી સતત કામ કરી રહ્યું છે. તે ગંગા આરતી, ઘાટની સ્વચ્છતા, વૃક્ષારોપણ, જૈવિક કૃષિ, તળાવ, એસટીપી, સ્વાસ્થ્ય જેવા મહત્વપૂર્ણ પરિબળોમાં સુધાર માટે સક્રિયપણે કાર્યરત રહ્યું છે અને ગંગાને સ્વચ્છ બનાવવા માટે નમામિ ગંગેનું પણ તેના દ્વારા સંચાલન થઇ રહ્યું છે. નમામિ ગંગે બાદ 70 ટકા શહેરી ગટર વ્યવસ્થા ઠીક કરવામાં આવી છે અને જો ગંગા નદીની આસપાસ રહેતાં લોકો પોતાની જવાબદારી નિભાવે તો આગામી કેટલાંક વર્ષોમાં વધુ સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરી શકાય તેમ છે.
#bharatmirror #bharatmirror21 #news #gangasamgra #ramashishji #ahmedabad
