શહેરના એક યુવકના શંકાસ્પદ કોરોના રિપોર્ટને લઇ તેને કેનેડા જવામાં વિલંબ સર્જાતા ભારે વિવાદ સામે આવ્યો – વિવાદીત અને શંકાસ્પદ રિપોર્ટ આપનાર આવી લેબોરેટરીઓ સામે કાર્યવાહી કરવા ગ્રાહક સંસ્થાઓની માંગણી
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ અને ગ્રાહક સુરક્ષા-ગ્રાહક સત્યાગ્રહ અને ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલે રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ, રાજયના આરોગ્ય મંત્રી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરને આવેદન પત્ર પાઠવી લેબોરેટરીના કોરોના રીપોર્ટમાં લોલંલોલ અને પોલંપોલની ગંભીર ફરીયાદ કરી આ સમગ્ર મામલે ઉંડી અને તટસ્થ તપાસની માંગણી કરી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.19
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ફરી એકવાર કોરોનાના કેસો બહુ ખતરનાક, ગંભીર અને ચિંતાજનક હદે વધી રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયુક્ત કરાયેલી ખાનગી લેબોરેટરી દ્વારા RT- PCRના આપવામાં આવતા રિપોર્ટમાં વિરોધાભાસ, વિસંગતતાના કારણે ફરી એકવાર વિવાદ સર્જાયો છે. શંકાસ્પદ કોરોના રીપોર્ટના કારણે 23 વર્ષના યુવકનો કેનેડા જવામાં વિલંબ થયો હતો. આ અંગે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ સહિતની સંસ્થાઓએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ, રાજયના આરોગ્ય મંત્રી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરને આવેદન પત્ર પાઠવી લેબોરેટરીના કોરોના રીપોર્ટમાં લોલંલોલ અને પોલંપોલની ગંભીર ફરીયાદ કરી આ સમગ્ર મામલે ઉંડી અને તટસ્થ તપાસની માંગણી કરી છે. કોરોનાના કપરા કાળમાં ફરી એકવાર અમ્યુકો સત્તાધીશો અને ખાનગી લેબોરેટરીવાળાઓની લાલિયાવાળી સામે આવતાં રાજયભરના ગ્રાહકોમાં પણ ભારોભાર આક્રોશની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે. આ સમગ્ર મામલે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ અને ગ્રાહક સુરક્ષા-ગ્રાહક સત્યાગ્રહ અને ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલે સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરતાં જણાવ્યું હતું કે, રાજચના આરોગ્ય વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડીપાર્ટમેન્ટના સત્તાવાળાઓએ આડેધડ રીપોર્ટ તૈયાર કરવામાં આવતા હોવાના અને રૂપિયા આપતા માંગ્યા પ્રમાણેના બનાવટી રીપોર્ટ આપવામાં આવતા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી રહી છે અને તેથી સરકારના સત્તાધીશોએ આ સમગ્ર બાબતે ઉંડી તપાસ કરી પગલા ભરવા જોઇએ અને કસૂરવારો સામે સબક સમાન કાર્યવાહી કરવી જોઇએ.
કોરોનાના વધતા જતાં કેસોને લઇ રાજયના નાગરિકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યકત કરતાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ, ગ્રાહક સુરક્ષા-ગ્રાહક સત્યાગ્રહ અને ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલ અને પૂર્વ કોર્પોરેટર જ્યોર્જ ડાયસે જણાવ્યુ કે, કોરોના કાળ મહામારીમાં કોરોનાના R.T.P.C.R. રીપોર્ટમાં લોલમલોલ અને પોલંપોલ ચાલે છે. ખાનગી લેબોરેટરીઓ અને મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નિયુક્ત કરવામાં આવેલ ખાનગી લેબોરેટરીઓના રીપોર્ટમાં પોઝીટીવ-નેગેટીવ રીપોર્ટ બાબતે વિરોધાભાસ-વિસંગતતા આંખે ઉડીને સામે આવી રહી છે, જેના કારણે દર્દીઓ તેમ જ તેમના પરિવારજનો અને સગાવ્હાલા અતિશય હેરાન પરેશાન થાય છે અને માનસિક ત્રાસ તથા આઘાત ભોગવે છે. કોરોના રીપોર્ટ વિવાદાસ્પદ અને શંકાસ્પદ હોવાથી તેની વિશ્વસનિયતા અને પ્રમાણિક્તા સામે અનેક સવાલો શરૂઆતથી જ સર્જાયા છે. ગ્રાહક સુરક્ષા સંસ્થાએ સૌ પ્રથમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત ટેસ્ટીંગ ડોમના કોરોના રીપોર્ટના રીઝલ્ટ બાબતે હાથ ધરેલી તપાસમાં પોલંપોલ સાબિત થયુ હતું. એક જ વ્યક્તિનો કોરોના રીપોર્ટ અડધા કલાકના અંતરે જ પોઝીટીવમાંથી નેગેટીવ થઈ ગયેલ છે.
અમદાવાદ શહેરના રખિયાલ રોડ ગોમતીપુર સ્થિત ગુરૂતેગ બહાદુર સોસાયટીના 23 વર્ષના યુવાન વિશાલસિંગ નરેન્દ્રસિંગ ભુસરીને સિવિલ એન્જનિયરની માસ્ટર ડીગ્રી મેળવવા કેનેડા જવાનું હતું. તા.14.01.2022 ના સવારના 5.15 વાગ્યાની એર અરેબિયાની એરલાઈન્સ દ્વારા અમદાવાદથી શારજહા અને દુબઈ બાય રોડ જઈ દુબઈથી તા.16.01.2022 ના રોજ Lufthansa Air Lines (લુફથાન્ઝા એરલાઇન્સ) દ્વારા કેનેડા જવાનું હતું. રૂા.1,05,000 નું પેકેજ ટ્રાવેલ એજન્સીમાં એડવાન્સ જમા કરાવ્યું હતું. વિદ્યાર્થીની શૈક્ષણિક કારકિર્દીનો સંવેદનશીલ મુદ્દો છે. નિયમાનુસાર 48 કલાક અગાઉનો કોરોના R.T.P.C.R. રીપોર્ટ સબમીટ કરવો પડે છે. જેથી તેણે અમદાવાદ શહેરના પરિમલ ગાર્ડન પાસે, એલિસબ્રીજ સ્થિત ન્યુબર્ગ સુપ્રાટેક રેફરન્સ લેબોરેટરી પ્રા. લી. સંચાલિત લેબોરેટરીનો તા.12.01.2022 નો સાંજના 6.00 વાગ્યાનો કોવિડ-19 નો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. બીજા જ દિવસે એટલે કે તા.13.01.2022 ના રોજ અમદાવાદ શહેરના ગોમતીપુર રેફરલ હોસ્પિટલના અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા નિઃશુલ્ક લેવામાં આવેલ રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જેથી સત્ય ચકાસવા તેણે તા.15.01.2022 ના રોજ રૂ.400 નો ચાર્જ ચુકવી ગ્રીનક્રોસ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રીપોર્ટ પણ નેગેટીવ આવ્યો હતો. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ અને ગ્રાહક સુરક્ષા-ગ્રાહક સત્યાગ્રહ અને ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલે વધુમાં જણાવ્યું કે, વિદ્યાર્થી વિશાલસિંગ ભુસરી (ઉ.વ.23) સિવિલ એન્જનિયરીંગની માસ્ટર ડીગ્રી મેળવવા કેનેડા જવાનો કાર્યક્રમ ન્યુબર્ગ સુપ્રાટેકના વિવાદાસ્પદ અને શંકાસ્પદ કોરોના પોઝીટીવ રીપોર્ટના કારણે બંધ રહ્યો હતો. 32 પોઈન્ટ કોરોના પોઝીટીવ રીપોર્ટ આપવામાં આવેલ હતા. વિદ્યાર્થીની હતાશા અને નિરાશાનો પાર નથી. વિદ્યાર્થીએ લેબોરેટરીને રૂા.550 ચુકવ્યા હતા. લેબોરેટરીના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીને કોરોના રીપોર્ટ કઢાવવાનો હેતુ વિગતે પુછી ફોર્મમાં કેનેડા જવાનું હોવાથી અને પાસપોર્ટ નંબરની પણ એન્ટ્રી કરેલી હતી.
આમ, ખાનગી લેબોરેટરીવાળાઓની લાલિયાવાળી સામે આવતાં ભારે વિવાદ સર્જાયો હતો. દરમ્યાન વિવાદ વકરતાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ અને ગ્રાહક સુરક્ષા-ગ્રાહક સત્યાગ્રહ અને ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલે રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ, રાજયના આરોગ્ય મંત્રીને અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરને આવેદન પત્ર પાઠવી લેબોરેટરીના કોરોના રીપોર્ટમાં લોલંલોલ અને પોલંપોલની ગંભીર ફરીયાદ કરી આ અંગે ઉંડી તપાસની માંગણી કરી હતી. તેમણે આરોગ્ય વિભાગ અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ડીપાર્ટમેન્ટના સત્તાવાળાઓએ આડેધડ રીપોર્ટ તૈયાર કરવામાં આવતા હોવાના અને રૂપિયા આપતા માંગ્યા પ્રમાણેના બનાવટી રીપોર્ટ આપવામાં આવતા હોવાની વ્યાપક ફરીયાદો બાબતે ઉંડી તપાસ કરી પગલા ભરવા માંગણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, એકબાજુ, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કોરોનાના કેસો બહુ ખતરનાક અને ચિંતાજનક હદે વધી રહ્યા છે ત્યારે કોરાના ટેસ્ટીંગના રિપોર્ટમાં આ પ્રકારની ગંભીર બેદરકારી, નિષ્કાળજી અને લાલિયાવાળી નિર્દોષ નાગરિકો અને તેમના પરિવારજનો તેમ જ સગાવ્હાલા માટે ભયંકર હેરાનગતિ, માનસિક ત્રાસ અને આઘાત સમાન હોઇ રાજય સરકારે આ સમગ્ર મુદ્દાને ગંભીરતાથી લઇ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઇએ એમ પણ તેમણે ઉમેર્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news