ત્રણ દિવસ ચાલનારી આ મેગા ઈવેન્ટમાં સાંસદ શ્રી સુરેશ પ્રભુ, પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, મેજર જનરલ વિક્રમ ડોગરા, જસ્ટિસ કે જી બાલાકૃષ્ણન વિદ્યાર્થીઓને સંબોધિત કરશે
અશ્વિન લીંબાચીયા, અમદાવાદ, 25 ડિસેમ્બર, 2021
છાત્ર સંસદે ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન સાથે મળીને અમદાવાદમાં સૌથી મોટી યુથ પાર્લામેન્ટનું આયોજન કર્યું છે. ઝીરો અવર ફાઉન્ડેશનની પહેલ છાત્ર સંસદ સૌપ્રથમ એવું અનોખું અભિયાન છે જે યુવાનોને પરિવર્તનનો ભાગ બનવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. ત્રણ દિવસ સુધી ચાલનારી યુથ પાર્લામેન્ટ 2021માં સુરેશ પ્રભુ (રાજ્યસભા સાંસદ), પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા (પત્રકાર), શ્રી સંજય રાવલ (મોટીવેશનલ સ્પીકર), શ્રી ચિરંજીવ પટેલ (ઉદ્યોગસાહસિક), માના પટેલ (ઈન્ડિયન બેકસ્ટ્રોક સ્વીમર), પ્રફુલ બિલ્લોર (ઉદ્યોગસાહસિક), બ્રિગેડિયર ડો. રાજીવ દિવેકર અને ડો. ઋત્વિજ પટેલ સહિતની જાણીતી હસ્તીઓ ભાગ લેશે.
24-26 ડિસેમ્બર, 2021 દરમિયાન યોજાનારી યુથ પાર્લામેન્ટ 2021માં જસ્ટિસ કે જી બાલાકૃષ્ણન, મેજર જનરલ વિક્રમ દેવ દોગરા અને રાજદીપ સરદેસાઈ પણ ઓનલાઈન માધ્યમથી જોડાઈને ભાગ લેનાર વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે.
આ પ્રસંગે ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી મનન ચોક્સીએ જણાવ્યું હતું કે “આ વર્ષે સમગ્ર ગુજરાતથી અનેક વિદ્યાર્થીઓ ભાગ લેશે જેઓ દેશની સાંપ્રત સમસ્યાઓઓને લગતા મુદ્દા પર ચર્ચા કરશે. ઉદગમ સ્કૂલની સાથે મળીને છાત્ર સંસદ અત્યંત મહત્વના મુદ્દા અંગે ચર્ચા કરવા માટે દેશના ભવિષ્ય અને યુવા લોકોને મંચ પૂરું પાડે છે.”
છાત્ર સંસદના કોન્ફરન્સ પ્રેસિડેન્ટ અને નેશનલ જનરલ સેક્રેટરી રથિન ભટ્ટે જણાવ્યું હતું કે “ભારત યુવા લોકોનો દેશ છે અને દેશના સામાજિક-રાજકીય મુદ્દામાં યુવાનોની ભાગીદારી ખૂબ જ જરૂરી છે. યુવાનોને આગળ આવવા અને આ મુદ્દાના નિરાકરણ માટે અમે તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ.” લોકસભાના સ્ટુડન્ટ ડેલિગેટ રાજકીય ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ સંદર્ભે પેન્ડોરા પેપર્સ અંગે ચર્ચા કરશે. ઓલ ઈન્ડિયા પોલિટિકલ પાર્ટીસ મીટના સ્ટુડન્ટ ડેલિગેટ્સ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારા અને રાજસ્થાન બાળ લગ્ન વિધેયક પર પ્રકાશ પાડશે. નેશનલ સિક્યોરિટી કાઉન્સિલનું ડેલિગેશન ચીન, પાકિસ્તાન અને તાલિબાનના પ્રભાવ સંદર્ભે નવા ડાયનેમિક સંગઠન ક્વાડ અંગે ચર્ચા કરશે. નેશનલ પ્રેસ કમિટિ યુથ પાર્લામેન્ટના સમગ્ર મોડલનું કવરેજ કરશે. કોન્ફરન્સ હેડ જય જોશી આ સમગ્ર ઈવેન્ટને સફળ અને યાદગાર બનાવવા માટે અથાક પ્રયાસો કરી રહ્યા છે.
છાત્ર સંસદ યુથ પાર્લામેન્ટ ભારતીય સંસદ અને સંસ્થાનોનું એકેડમિક સિમ્યુલેશન છે જેનો ઉદ્દેશ્ય ભારતીય રાજકારણની સમજદારી તથા આપણી લોકશાહી, સાંપ્રત બાબતો, રાષ્ટ્રીય મુદ્દા અંગે વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાનો છે. ભાગ લેનાર વિદ્યાર્થીઓ દેશના વિવિધ સંસ્થાનો જેમ કે લોકસભા, રાજ્યસભા, જીએસટી કાઉન્સિલ વગેરેના સરકારી અધિકારીઓ અને સાંસદોની ભૂમિકા ભજવે છે જે તેમને ભારતીય સંસદ અને ભારતની સંસ્થાઓ કેવી રીતે કામ કરે છે તેની સમજ પૂરી પાડે છે.