અશ્વિન લીંબાચિયા, અમદાવાદ
તા.26 ડિસેમ્બર 2021:
વિશ્વ ગુજરાતી સમાજ એક બિનરાજકીય અને ગુજરાત અને વિશ્વભરમાં રહેતા ગુજરાતીઓના વિશાળ હિતમાં અનેકવિધ પ્રવૃત્તિઓ કરતી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત એવી સેવા સંસ્થા છે. આ સંસ્થાના પ્રથમ પ્રમુખ રાજયના તત્કાલીન મુખ્ય પ્રધાન શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ હતા. ત્યાર બાદ શ્રી કૃષ્ણકાંત વખારીઆએ ૨૬ વર્ષ સુધી પ્રમુખપદ સંભાળ્યું અને હવે હાલમાં શ્રી સી. કે. પટેલ પ્રમુખ પદ સંભારી રહ્યા છે.
વિશ્વ ગુજરાતી સમાજે કોરોના કાળ દરમિયાન ગુજરાતીઓના સાચા મિત્રની ગરજ સારી છે. વર્ષ ૨૦૨૦ ના માર્ચ – એપ્રિલના દિવસો દરમિયાન જયારે પ્રવાસન પ્રિય ગુજરાતીઓ દુનિયાના વિવિધ દેશોમાં વ્યવસાય અર્થે કે સહપરિવાર મનોરંજન અર્થે ગયા હતા. અને અચાનક વિશ્વભરમાં લોકડાઉનનો અમલ શરૂ થયેલો ત્યારે વિશ્વ ગુજરાતી સમાજે સિંગાપુર, ફિલિપાઇન્સ, અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ અને કુવૈત જેવા અનેક દેશમાં વસતા ઘણા ગુજરાતીઓને સ્વ-ગૃહે ગુજરાતમાં આવવા શક્ય તેટલી તમામ સહાય કરેલી અને અનિશ્ચિતતાઓ અને વિટંબણાઓથી ઘેરાઈ ગયેલા આપણા ગુજરાતી સ્વજનો સ્વગૃહે પરત ફરી શક્યા હતા
વિશ્વ ગુજરાતી સમાજ માટે આ સંતોષજનક બાબત હતી. વિશ્વ ગુજરાતી સમાજની પ્રવૃત્તિઓની ભાવિ રૂપરેખા આપતા જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકા દરમિયાન આ સંસ્થાએ પૂર્વ પ્રમુખ શ્રી કૃષ્ણકાંત વખારીઆના નેતૃત્વ હેઠળ યશસ્વી કામગીરી કરી છે. હવે એ પ્રવૃત્તિઓને આગળ વધારવાનું કામ ચાલું છે. અત્યારે વિશ્વ ગુજરાતી સમાજનો વ્યાપ ગુજરાતભરમાં વધે અને સમાજ માટે જયાં જયાં રચનાત્મક કાર્યો કે પ્રવૃત્તિઓની જરૂર છે. તેને અમે પ્રાથમિકતા આપવાના છીએ
. યુવાનો, મહિલાઓ, ખેડૂતો તેમજ પાટનગરથી લઈને ગ્રામ્ય સ્તર સુધી જન સહયોગ સાધીને ગુજરાત અને ગુજરાતીઓના ઉત્કર્ષમાં વિશ્વ ગુજરાતી સમાજ સેતુ બનવાના તમામ પ્રયત્નો કરશે. ગુજરાતની અત્યંત મહત્ત્વપૂર્ણ એવી આ સેવાસંસ્થા સૌ કોઈ માટે પોતીકી સાબિત થાય તે દિશામાં આગળ વધવા કટિબદ્ધ છે.