ગીતા જયંતિ ઉત્સવના ઉપક્રમે “ગીતામંડપ”નુ ખાસ નિર્માણ કરવામાં આવ્યું – શ્રધ્ધાળુ ભકતો અને અનુયાયીઓ ગીતા જયંતિની ઉજવણી નિમિતે ગીતા ભકિતમાં લીન બન્યા
આ મંડપમાં કૃષ્ણકૃપામૂર્તિ શ્રીલા પ્રભુપાદ દ્રારા “ભગવદગીતા-યથાસ્વરૂપે”માં વિશેષ રીતે કરેલ નોંધની આવૃતિ તેમજ તેની વિશ્વની આશરે 83 જેટલી જુદી-જુદી ભાષાઓમાં રૂપાંતરીત થયેલ કૃતિઓ મુકવામાં આવી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.14
હરેકૃષ્ણમંદિર, ભાડજ દ્રારા આજે તા. 14 ડિસેમ્બર, 2021નારોજ ગીતા જયંતિ મહોત્સવની ખૂબ જ ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવદ-ગીતાના 18 અધ્યાયના 700 શ્લોકનું પઠન કરવામાં આવ્યું હતુ. મહોત્સવ દરમ્યાન હરેકૃષ્ણ મંદિરના અધ્યક્ષ હીસ ગ્રેસ શ્રી જગનમોહન કૃષ્ણ દાસા એ ભગવદ-ગીતાનું મહત્વ સમજાવતા પરિસંવાદ કર્યો હતો. ગીતા જયંતિ ઉત્સવના ઉપક્રમે “ગીતામંડપ”નુ ખાસ નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંડપમાં કૃષ્ણકૃપામૂર્તિ શ્રીલા પ્રભુપાદ દ્રારા “ભગવદગીતા-યથાસ્વરૂપે”માં વિશેષ રીતે કરેલ નોંધની આવૃતિ તેમજ તેની વિશ્વની આશરે 83 જેટલી જુદી-જુદી ભાષાઓમાં રૂપાંતરીત થયેલ કૃતિઓ મુકવામાં આવી હતી. ઉત્સવ દરમ્યાન ભક્તિ સંગીત કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો અને અંતમાં મહાઆરતી કરવામાં આવી હતી.
ગીતા જયંતિ મહોત્સવ વિશે હરેકૃષ્ણમંદિર, ભાડજના અધ્યક્ષ શ્રીજગનમોહન કૃષ્ણદાસે જણાવ્યું હતું કે, ગીતા જયંતિના મહાન પર્વના દિવસે વિશ્વના સમસ્ત વૈષ્ણવો દ્રારા ભગવદ-ગીતામાં આલેખાયલ ભગવાન શ્રીકૃષ્ણના અર્જુન સાથે થયેલ સંવાદની ઉજવણી કરવામાં આવે છે. વર્ષો પહેલાં કુરુક્ષેત્રની યુધ્ધભૂમિ પર વિરોધી સેનાઓની મધ્યમાં ઉચ્ચારાયેલ ભગવદ્-ગીતાના પ્રસંગની યાદગીરીરૂપે ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી આ દિવસે દરેક મંદિરોમાં, ગ્રામ વિસ્તારમાં અને ઘરોમાં કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભગવદ-ગીતાનો સંદેશ તેના તત્કાલીન ઐતિહાસિક સંદર્ભની મર્યાદા ને પાર અને કાલાતીત સત્યો પ્રગટ કરે છે. પ્રશ્ન અને તેના ઉત્તરની ગોઠવણ આધ્યાત્મિક વિષયનું જ્ઞાન આપે છે જેમકે ક્રિયા અને પ્રતિક્રિયા, તેમજ જીવ અને પ્રકૃતિ વચ્ચેનો તફાવત સમજાવે છે. આ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જૂન સાથે પરમેશ્વર તથા કાલચક્રના સિધ્ધાંત વિષે ચર્ચા કરે છે.
અધ્યાય 4ની શરૂઆતમાં ભગવદ-ગીતા તેના ઐતિહાસિક અસ્તિત્વ વિષે સમજ આપે છે જેના અસ્તિત્વનો વિચાર કરતાતે પડકારરૂપ જણાય છે. સમગ્ર વિશ્વમાં શ્રીકૃષ્ણભક્તિનો પ્રસરાવ કરવાની ચળવળના પ્રણેતા કૃષ્ણકૃપામૂર્તિ એ.સી.ભક્તિવેદાન્તા સ્વામી શ્રીલા પ્રભુપાદ તેમના સાહિત્યમાં જણાવે છે કે, ભગવદ-ગીતાનું ઉચારણ આશરે 120,400,000 વર્ષો પહેલા થયેલ હતું અને માનવ સમાજમાં 2,000,000વર્ષો સુધી વિદ્યમાન હતું.આ ભગવદ-ગીતાનું આશરે 5000 વર્ષો પહેલા ફરીથી ભગવાન શ્રીકૃષ્ણ દ્રારા શરણાગત રૂપે ઉપસ્થિત અર્જુન સમક્ષ ઉચ્ચારણ થયું હતુ. સ્વયં ગીતાનો અને તેનું ઉચ્ચારણ કરનાર ભગવાન શ્રી કૃષ્ણ પ્રમાણે ભગવદ-ગીતાનો આ એક વર્ણવેલ ઈતિહાસ છે. હરેકૃષ્ણમંદિર, ભાડજના અધ્યક્ષ શ્રીજગનમોહન કૃષ્ણદાસે વધુમાં ઉમેર્યું કે, જે કોઈ ભક્તો નિયમિત રીતે ગીતા જ્ઞાનનું તેમની બુદ્ધિમત્તા દ્રારા રસપાન કરે છે તેઓ જીવનમાં તેના ઉપયાગની મહત્વતાને સમજે છે. આથી ઘણા લોકો માટે ગીતા જયંતિ મહોત્સવ એ ખાલી ભૂતકાળના પ્રસંગની યાદગીરરૂપે નહીં પણ વર્તમાન સમયમાં ગીતાના અનુરૂપતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવાના એક અવસર તરીકે ગણવામાં આવે છે.
ગીતાજયંતિ પર્વના ભાગરૂપે હરેકૃષ્ણ મંદિર દ્રારા એક બુક મેરેથોન નામની એક મહિનાની ઈવેન્ટનું આયોજન કર્યું છે. જેની કલ્પના મૂળ રીતે સંસ્થાના સ્થાપક –આચાર્ય કૃષ્ણકૃપામૂર્તિ શ્રીલા પ્રભુપાદ દ્રારા વર્ષ 1966માં પશ્વિમ દેશોમાં કરવામાં આવી હતી. જે પછીથી દર વર્ષે પૂરા વિશ્વમાં પ્રદર્શિત થાય છે. આજના ઝડપીભર્યા યુગના જીવનમાં મહાન પુસ્તક ભગવદગીતા પ્રત્યે સામાન્ય લોકોના રુચિ અને રસ વધારવા માટે મંદિર સાથે સંકળાયેલ ભક્તો દ્રારા વિવિધ જાગૃત કરતા કાર્યક્રમો યોજવામાં આવે છે. અમદાવાદ શહેરની ઘણી બધી શાળાઓ, કોલેજની લાઈબ્રેરી, વૃદ્ધાશ્રમો, અનાથાલયો, જેલકેદીઓને, કોમ્યુનિટી હોસ્ટેલોને મંદિર તરફથી દર વર્ષે શ્રીમદ્ ભગવદ-ગીતા ભેટરૂપે આપવામાં આવે છે. કુરૂક્ષેત્રની રણભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણ પાર્થના સારથી તરીકે પોતાના પ્રિય સખા અર્જુનને બોધ આપતા જીવનકાળનો દરબારનું પણ નિર્માણ કરીને તેને ફૂલોથી મોટા પાયે શણગારવામાં આવ્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news