ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે કાર્યક્રમ યોજાનાર કાર્યક્રમમા વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે
રાજકોટ તા.૩૦ ડિસેમ્બર 2021: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટમાં તા.૩૧ ડીસેમ્બર ૨૦૨૧ના રોજ સવારે ૧૧ કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે સુશાસન સપ્તાહ સમાપન સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમજ મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનો શુભારંભ કરાશે. આ ઉપરાંત સમરસ થયેલી રાજકોટ જિલ્લાની ૮૫ ગ્રામ પંચાયતને પ્રોત્સાહક ગ્રાન્ટની ફાળવણી કરાશે. આ ઉપરાંત સુશાસન સપ્તાહ અંતર્ગત નાગરિકોને ઝડપી સેવા મળી રહે તે માટે કરવામાં આવેલી સેવા અને વ્યવસ્થાઓની રૂપરેખા રજુ કરાશે. જિલ્લા પંચાયતના વિવિધ વિકાસલક્ષી કામોનો પ્રારંભ કરવામાં આવશે. પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજકોટ ખાતે રાજયકક્ષાના કાર્યક્રમનું આયોજન જિલ્લા વહિવટી તંત્રના સંકલનથી કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં પુર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, પ્રભારી મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી, ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુ્નસિંહ ચૌહાણ, ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંઘવી, શ્રમ રોજગાર,પંચાયત મંત્રી શ્રી બ્રીજેશ મેરજા, વાહનવ્યહાર રાજય મંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણી તેમજ સંસદ સભ્યો અને ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.