કોઈની પાસે હાથ લાંબો કર્યા વિના પોતે આકર્ષક ડિઝાઈન બનાવી.

અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
તા.29 ડિસેમ્બર 2021: નવી સાંકળી ગામમાં ભગવાનભાઈ ખેડૂતે બનાવેલું આ પંખી ઘર ખરેખર અબોલ પક્ષીઓ માટે આશીર્વાદરૂપ બની ગયું છે. આ પંખી ઘર ની શિવલીંગ જેવી ડિઝાઇન પણ એવી આકર્ષક છે કે તેને જોતા જ રહેવાનું મન થાય.

નવી સાંકળી ગામમાં રહેતા ખેડૂત ભગવાનભાઇ એક દિવસ પોતાની વાડીએ બેઠા હતા ત્યારે તેમને એવો વિચાર આવ્યો કે શિયાળો, ઉનાળો અને ચોમાસુ જેવી વિવિધ ઋતુઓમાં આપણે તો પોતાનો ખોરાક અને આશરાની વ્યવસ્થા કરી લેઇએ છે. પરંતુ અબોલ પક્ષીઓનું શું થતું હશે? એવા વિચારોથી પક્ષીઓ માટે કંઈક કરી છૂટવાનું મનોમન નક્કી કર્યું.

વાડીએ બેઠા બેઠા છે તેમણે પક્ષીઘરની આકર્ષક ડિઝાઇન બનાવી અને કોઈની પણ પાસે હાથ લંબાવ્યા વિના એક પણ રૂપિયો કોઈની પણ પાસેથી લીધા વિના તેમણે 20 લાખ રૂપિયાના ખર્ચે આ પક્ષી ઘર નિર્માણ કર્યું. ભગવાનભાઇ એ જે પ્રકારની ડિઝાઇન બનાવી હતી, તેના માટે માટીના પાકા ઘડાની જરૂરિયાત હતી એટલે તેમણે 2500 પાક્કા માટલા બનાવડાવ્યા અને પંચાયત દ્વારા આપવામાં આવેલા પ્લોટમાં તેમણે આ માટલા રાખવા માટે અસલ ગેલ્વેનાઇઝના પાઇપથી ગોળ બાઉન્ડ્રી માં શિવલીંગ આકારની ડિઝાઇન તૈયાર કરાવી દીધી.

આમાં માટલા બાંધવા માટે સ્ટીલના તારનો ઉપયોગ કરવામાં આવ્યો, જેથી એ જલ્દી તૂટે નહીં . એટલું જ નહિ, ચોમાસામાં વીજળી પડે તો પણ માટલાની અંદર બેઠેલા પક્ષીઓને કાંઈ થાય નહીં એ માટે ખાસ વીજળીના અર્થઇંગ વાળા તાર તૈયાર કરાવ્યા. પક્ષીઓના ચણ અને પાણી માટે કુંડાઓ પણ મૂકાવ્યા. માટલામાંથી બનાવવામાં આવેલા આ અદભુત પંખી ઘરમાં લગભગ 10 હજારથી પણ વધુ પંખી પરિવારો આરામથી રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને સાથે મહાદેવનું મંદિર પણ બનાવ્યું છે.

#bharatmirror #bharatmirror21 #news #navisokri #pankhighar
