અશ્વિન લીંબાચિયા
તા.22-12-2021, અમદાવાદ.
અમદાવાદમાં નિર્માણાધિન બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. સરદારપટેલ રીંગરોડ પર મહંમદપુરા ચોકડી પાસે નિર્માણાધિન ઓવરબ્રિજ ધરાશાયી થયો છે.
વાયએમસી ક્લબ રોડના ટર્નિંગ પાસે છેલ્લાં છ મહિનાથી ઔડા દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન મંગળવારે રાતે બ્રિજની વચ્ચેનો ભાગ બેસી ગયો હતો. તૂટેલો બ્રિજ જોવા લોકો ઊભા રહેતા એસપી રિંગ રોડ પર ટ્રાફિક જામ થયો હતો.
આ બ્રીજના કેબલ કામ દરમિયાન ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના સમયે બ્રીજ પર મજૂરો કામ કરી રહ્યા હતા, જો કે આ તમામ મજૂરોનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે.
અમદાવાદમાં એસપી રિંગ રોડ પર નવા બની રહેલા બોપલથી શાંતિપુરા તરફ જવા બની રહેલા નવા બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો છે. આ ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
આ નિર્માણાધીન ફ્લાયઓવર બ્રીજનું કેબલ કામ કરવામાં આવી રહ્યું હતું એ દરમિયાન આ ઘટના ઘટી હતી. બ્રીજનો એક ભાગ વચ્ચેથી તૂટી ગયો છે.
ઘટના બનતાંજ ફાયર બ્રિગેડનો કાફલો, એમ્બ્યુલન્સ તેમજ બ્રીજ કોન્ટ્રાકટરના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. જો કે આ ઘટના બાદ બ્રીજમાં વાપરવામાં આવતા મટિરિયલ્સ અંગે સવાલો ઉભા થઇ રહ્યાં છે. સરદારપટેલ રીંગ રોડ પર ટ્રાફિકજામ ન થાય એ માટે ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોચીને મોરચો સંભારી લીધો છે.