ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશન દ્વારા રાજય સરકાર સમક્ષ ઉગ્ર માંગણી કરાઇ, એસોસીએશન તરફથી આવેદનપત્ર મારફતે સરકારને રજૂઆત પણ કરાઇ
ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનની મળેલી તાજેતરની મહત્વની બેઠકમાં રાજયભરના સભ્યો હાજર રહ્યા, કોરોના બાદની સ્થિતિ અને સંજોગોને લઇ મહત્વપૂર્ણ સમીક્ષા થઇ
રાજય સરકાર કોન્ટ્રાકટરોને બજાર ભાવ મુજબ ભાવ વધારો ચુકવે અન્યથા કોન્ટ્રાકટર સામે કોઇ પગલા લીધા વગર કામમાંથી મુક્ત કરે તેવી બેઠકમાં એકસૂર વ્યકત થયો
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ તા. ૨૪
ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના ઉપક્રમે તાજેતરમાં મળેલી મીટીંગમાં કોરોના મહામારી પછી છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યના સરકારી કામોમાં વપરાતા માલ-સામાન જેવા કે, સ્ટીલ, સિમેન્ટ, ડામર, રેતી, કપચી, ઇંટો ટ્રાન્સપોર્ટેશન તેમજ કારીગરો અને મજૂરીના ભાવમાં આશરે 30% થી 40% જેટલો વધારો થયેલ છે, જે અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ મીટીંગમાં સમગ્ર ગુજરાતના 200 થી વધારે સભ્યો હાજર રહ્યા હતા. સર્વે સભ્યોની લાંબી ચર્ચા-વિચારણા અંતે સરકારી કામો મંજૂર થયેલા ટેન્ડરના ભાવથી પૂરા કરવા અશક્ય હોઇ સદરહુ મીટીંગમાં સર્વાનુમતે નીચે મુજબનો ઠરાવ કરવામાં આવ્યો હતો અને કોન્ટ્રાકટરોને પડી રહેલી હાલાકીઓ અંગે રાજય સરકારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. જેમાં બાંધકામ ક્ષેત્રે થયેલો આશરે 30% થી 40% નો ભાવવધારો રાજ્ય સરકાર સરકારી કોન્ટ્રાકટરોને આપવામાં આવે તેવી એસોસીએશન તરફથી મહત્વપૂર્ણ માંગણી કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના ચેરમેનશ્રી અરવિંદભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા વગેરે જગ્યાએ વિવિધ પ્રોજેક્ટની કામગીરી કરતાં સરકારી કોન્ટ્રાક્ટરો બાંઘકામ ક્ષેત્રે વપરાતા મટિરિયલ વગેરેમાં કૂદકે-ભુસકે વધતા ભાવવધારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજયમા આ ભાવે કામ કરવુ પોષાય તેમ નથી અને બાંધકામ ક્ષેત્રે વપરાતાં સ્ટીલ, સિમેન્ટ, રેતી, ડામર, કપચી, ઇંટો સહિતના મટિરિયલ તેમજ ટ્રાન્સપોર્ટેશન સહિતનાં સાધનોનાં ભાડામાં તેમજ કારીગરો અને મજૂરીનાં ભાવમાં અસહ્ય વધારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલાં નાના-મોટા કોન્ટ્રાક્ટરો વર્તમાન સમયમાં બાંઘકામ ક્ષેત્રે વપરાતા માલ-સામાન વગેરેમાં જે પ્રકારે ભાવવધારો થયો છે તેના પગલે કોન્ટ્રાકટરોને જુના ભાવે કામ કરવુ પોષાય તેમ નથી અને જંગી નુકસાન વેઠવુ પડે છે.
એસોસીએશનની બેઠકમાં હાજર કોન્ટ્રાકટર્સ
આ બેઠકમાં મટિરિયલ્સના ભાવ વધારા સામે રાજ્ય સરકાર અને મહાનગરપાલીકાઓ દ્ધારા આર. બી. આઇ. ઇન્ડેક્સ મુજબ ભાવ વધારો ચુકવવામાં આવે છે. તે માર્કેટેબલ ભાવ કરતા ઘણો જ ઓછો હોય છે અને તે પણ પોષાય તેમ ન હોવાથી કેટલાય કોન્ટ્રાકટરો સરકારી કામો કરવા તૈયાર નથી. જેથી ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીશન તરફથી રાજય સરકારને આવેદનપત્ર સુપ્રત કરી એવી માંગણી કરવામાં આવી છે કે, રાજ્ય સરકાર તથા મહાનગર પાલીકાના સત્તાધીશો તેમના ચાલુ પ્રોજેક્ટના કોન્ટ્રાકટરોને આર.બી.આઇ. ઇન્ડેક્સ પ્રમાણે નહિ પરંતુ બજાર ભાવ મુજબ ભાવ વધારો ચુકવે અન્યથા કોન્ટ્રાકટર સામે કોઇ પગલા લીધા વગર કામમાંથી મુક્ત કરે. મીટીંગમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતુ કે, ગુજરાત રાજ્યના તમામ સરકારી કામોમાં વપરાતા માલ-સામાનનો છેલ્લા ઘણા સમયથી થયેલ ભાવ વધારો કોન્ટ્રાકટરોને સરકાર તરફથી મળવો જોઇએ, અથવા કોન્ટ્રાકટરોના થયેલ કામના જે તે સ્ટેજે ફાઇનલ બિલ કરી કામમાંથી મુક્ત કરવા તેવી રજુઆત કરવી. તેમજ આ રજૂઆત સરકારશ્રી દ્વારા 15 દિવસમાં સ્વીકારવામાં ન આવે તો ગુજરાત રાજ્યના જાહેર બાંધકામને લગતા તમામ પ્રકારના નવા કામોના ટેન્ડરો ભરવાના બંધ કરવા અને ટેન્ડર ભરવાની ડીઝીટલ કી જીલ્લા પ્રમુખોને સોંપી દેવી. આમ, બેઠકમાં નક્કી થયા મુજબ, ઉપરોકત મુદ્દાઓ પરત્વે મહત્વપૂર્ણ રજૂઆત કરતું આવેદનપત્ર રાજય સરકારને સુપ્રત કરવામાં આવ્યું હતું અને બાંધકામ ક્ષેત્રે થયેલો આશરે 30% થી 40% નો ભાવવધારો સરકારી કોન્ટ્રાકટરોને આપવા એસોસીએશન તરફથી ઉગ્ર માંગણી કરવામાં આવી હતી.
#bharatmirror #bharatmirror21 #news