મહેસાણા જિલ્લાની સમર્પણ કો.ઓ.ક્રેડિટ સોસાયટીની પાંચ મહિનાનો ગર્ભ ધરાવતી મહિલા મેનેજરની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં મહેસાણા સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો
સુપ્રીમકોર્ટે વિરૂપક્ષપ્પા ગૌડા વિરૂધ્ધ ધી સ્ટેટ ઓફ કર્ણાટકા, એઆઇઆર2017 સુપ્રીમકોર્ટ 1685ના કેસમાં ઠરાવ્યું છે કે, કેસમાં માત્ર ચાર્જશીટ ફાઇલ થઇ જવાથી કેસના સંજોગોમાં બદલાઇ જતાં નથી – મહેસાણાના એડિ.સેશન્સ જજ માધુરી ધ્રુવકુમાર પાન્ડેય
ચકચારભર્યા કેસમાં ચાર્જશીટ ફાઇલ થઇ જતાં બંને આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડી અને ત્યારબાદ ફરીથી મહેસાણા સેશન્સ કોર્ટમાં નવેસરથી જામીન અરજી દાખલ કરી પરંતુ કોર્ટે ફરીથી આરોપીઓના જામીન ધરાર ફગાવી દીધા
આરોપી પ્રદીપ ચૌધરી અને દિક્ષીત સુથાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમની વિરૂધ્ધમાં છેતરપીંડી અંગેના અગાઉ પણ મહેસાણા, ગાંધીનગર અને ઇડર મુકામે ગુનાઓ નોંધાયેલા છે. આ સંજોગોમાં આરોપી પ્રદીપ ચૌધરી અને દિક્ષીત સુથારને આ ગંભીર ગુનાના કેસમાં જામીન આપી શકાય નહી – મહેસાણા સેશન્સ કોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ, તા.27
મહેસાણા જિલ્લાની સમર્પણ કો.ઓ.ક્રેડિટ સોસાયટીની ગર્ભવતી મહિલા મેનેજરનીઆત્મહત્યાના ચકચારભર્યા કેસમાં એફ. એકસ બુલ લિ. કંપનીના આરોપી પ્રદીપ સાલુભાઇ ચૌધરી અને દિક્ષીત કાંતિલાલ સુથાર(મિસ્ત્રી)ની જામીનઅરજી મહેસાણા સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ માધુરી ધ્રુવકુમાર પાન્ડેયએ આકરા વલણ સાથે ફરી એકવાર ફગાવી દીધી છે. ચકચારભર્યા આ કેસમાં બંને આરોપીઓ પ્રદીપ ચૌધરી અને દિક્ષીત સુથારે અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી પરંતુ તે દરમ્યાન આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થઇ જતાં હાઇકોર્ટના જસ્ટિસ એ.વાય.કોગજેએ બંને આરોપીઓને જામીન મુદ્દે કોઇપણ રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો અને તેમને ચાર્જશીટ ફાઇલ થઇ ગયુ હોઇ નીચલી કોર્ટમાં ફરી જામીન અરજી દાખલ કરવાની મંજૂરી આપતાં બંને આરોપીઓએ પોતાની જામીન અરજી હાઇકોર્ટમાંથી પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી. હાઇકોર્ટમાંથી રાહત નહી મળતાં આરોપી પ્રદીપ ચૌધરી અને દિક્ષીત સુથારે ચાર્જશીટ ફાઇલ થયા પછી ફરી એકવાર મહેસાણા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જો કે, એડિશનલ સેશન્સ જજ માધુરી ધ્રુવકુમાર પાન્ડેયએ આકરા વલણ સાથે બંને આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે.
મહેસાણા સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ માધુરી ધ્રુવકુમાર પાન્ડેયએ પોતાના ચુકાદામાં મહત્વપૂર્ણ નોંધ કરતાં ઠરાવ્યું હતું કે, સુપ્રીમકોર્ટે વિરૂપક્ષપ્પા ગૌડા વિરૂધ્ધ ધી સ્ટેટ ઓફ કર્ણાટકા, એઆઇઆર2017 સુપ્રીમકોર્ટ 1685ના કેસમાં ઠરાવ્યું છે કે, કેસમાં માત્ર ચાર્જશીટ ફાઇલ થઇ જવાથી કેસના સંજોગોમાં બદલાઇ જતાં નથી.
મહેસાણા સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ માધુરી ધ્રુવકુમાર પાન્ડેયએ પોતાના ચુકાદામાં મહત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું કે, આ કેસમાં પોલીસ પેપર્સ વંચાણે લેતાં અરજદાર આરોપી આ ગુનામાં સંડોવાયેલા હોવાનું પ્રથમદર્શનીય રીતે જણાઇ આવે છે. ઉપરાંત, એપીપી તેમ જ તપાસ કરનાર અધિકારીનું સોગંદનામું તેમ જ પીએમ રિપોર્ટ ધ્યાને લેતાં બનાવ સમયે મરણ જનાર મહિલાને સાડા પાંચ મહિનાનો ગર્ભ હતો, કોઇપણ સ્ત્રી આવી પરિસ્થિતિમાં આત્મહત્યા ના કરે પરંતુ આરોપીઓએ તેણીને પૈસા આપવાનો ઇન્કાર કરી તારા પૈસા નહી મળે થાય તે કરી લે એમ કહી તેણીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરેલ છે. કોર્ટે એવું પણ મહત્વનું નીરીક્ષણ કર્યું કે, મરણ જનાર ગર્ભવતી મહિલાએ મરતાં પહેલાં વીડિયો કલીપમાં એફએક્સ બુલ્સ નામની કંપનીમાં આરોપીઓ પર વિશ્વાસ કરીને પૈસા આપ્યા અને ફસાઇ ગયા તેવું સ્પષ્ટ નિવેદન આપીને મરણ ગયેલ છે. વળી, જો હાલના તબક્કે આરોપીને જામીન આપવામાં આવે તો કેસના પુરાવા સાથે ચેડા કરી શકે, નાસી ભાગી શકે તેમ જ સાહેદોને ધમકાવી-ફોસલાવી શકે તેવી પણ પૂરી શકયતા જણાઇ આવે છે.
એડિશનલ સેશન્સ જજ માધુરી ધ્રુવકુમાર પાન્ડેયએ પોતાના મહત્વના ચુકાદામાં અવલોકન કરતાં વધુમાં નોંધ્યું હતું કે, અરજદાર આરોપી પ્રદીપ સાલુભાઇ ચૌધરી અને દિક્ષીત કાંતિલાલ સુથાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની વિરૂધ્ધમાં છેતરપીંડી અંગેના અગાઉ પણ મહેસાણા, ગાંધીનગર અને ઇડર મુકામે ગુનાઓ નોંધાયેલા છે. આ સંજોગોમાં આરોપીઓના ગુનાહિત ઇતિહાસ, ગુનાની ગંભીરતા અને તેઓની વર્તણૂંક સહિતની બાબતો ધ્યાનમાં લેતાં આરોપી પ્રદીપ ચૌધરી અને આરોપી દિક્ષીત કાંતિલાલ સુથારને આ ગંભીર ગુનાના કેસમાં જામીન આપી શકાય નહી., તેથી તેની જામીન અરજી નામંજૂર કરવામાં આવે છે.
આરોપી દિક્ષીત કાંતિલાલ સુથાર(મિસ્ત્રી) હાલ જેલમાં – મહેસાણા સેશન્સ કોર્ટે ફરી દિક્ષીતના જામીન ફગાવ્યા
આરોપી પ્રદીપ સાલુભાઇ ચૌધરી(રહે. 34, સંતોષનગર સોસાયટી, વિસનગર, જિ.મહેસાણા- મૂળ રહે.ગોકળગઢ, જિ.મહેસાણા) અને આરોપી દિક્ષીત કાંતિલાલ સુથાર(મિસ્ત્રી)(રહે.8-એ, તિરૂપતિ ટાઉનશીપ, રાજપથ હોટલ નજીક, મુ.મહેસાણા, જિ.મહેસાણા)ની જામીન અરજીનો સખત વિરોધ કરતાં ફરિયાદપક્ષ તરફથી સિનિયર એડવોકેટ એસ.જી.શાહે જણાવ્યું હતું કે, અરજદાર આરોપી એફ.એક્સ.બુલ કંપનીમાં માર્કેટીંગ મેનેજર તરીકે ફરજ બજાવે છે. આરોપી દિક્ષીત મિસ્ત્રી પર ઓન રેકર્ડ કંપનીના મુખ્ય કર્તાહર્તા છે. મરણ જનાર જયોત્સનાબહેને આપઘાત કરતાં પહેલાં તેમના સગા વિનુભાઇને મોબાઇલ મેસેજ કરી પૈસાનું સેટીંગ થયું નથી અને હું બહુ દુઃખી છુ એમ કહી આત્મહત્યા કરી છે. આ કામના બે આરોપીઓ મરણજનારના સંબંધી હતા અને તેઓના ભરોસે પૈસા લીધા હતા. મરણ જનારે આરોપીઓ પાસે પૈસાની ઉઘરાણી કરતાં હાલના આરોપીઓએ એફ.એક્સ.બુલ કંપની મહેસાણાના ચેરમેન દીક્ષીત મિસ્ત્રીની સહીવાળા રૂ.66,19,000 ના ચેકો આપ્યા છે. વધુમાં, મરણ જનાર જયોત્સનાબહેને જયારે પૈસાની માંગણી કરતાં આરોપીઓએ તેણીને થાય તે કરી લે પૈસા નહી મળે..આમ કહી તેણીને મરવા માટે મજબૂર કરેલ છે.
ફરિયાદપક્ષ તરફથી સિનિયર એડવોકેટ એસ.જી.શાહે કોર્ટનું ખાસ ધ્યાન દોર્યું કે, બહુ ગંભીર કહી શકાય એવી વાત એ છે કે, પ્રસ્તુત કેસમાં મરણ જનાર જયોત્સનાબહેને આત્મહત્યા કરી ત્યારે તેણીને મૃત્યુ સમયે સાડા પાંચ મહિનાનો ગર્ભ હતો. જેથી આરોપીના ગુનાની ગંભીરતા ઘણી વધી જાય છે. આ સિવાય સૌથી મહત્વનો પુરાવો તો એ છે કે, મરણ જનારે આત્મહત્યા પહેલાં પોતાના મોબાઇલમાં વીડિયો બનાવ્યો છે, જેમાં તેણીએ લોકોના ઉઘરાવેલા પૈસા એફ.એક્સ.બુલ કંપનીમાં આપ્યા છે અને તે ફસાઇ ગયાનું જણાવેલ છે. આ વીડિયો પણ એફએસએલની તપાસમાં મોકલાવાયો છે. વળી, આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થઇ જવા છતાં કેસના સંજોગોમાં કોઇ બદલાવ થયો નથી, આરોપીઓનું ગુનાહિત કૃત્ય તેનાથી મટી જતુ નથી. આમ, આરોપી પ્રદીપ સાલુ ચૌધરી અને દિક્ષીત કાંતિલાલ સુથાર વિરૂધ્ધ ગંભીર પ્રકારના ગુનાનો પ્રથમદર્શનીય કેસ બનતો હોઇ કોર્ટે તેઓને કોઇપણ સંજોગોમાં જામીન આપવા જોઇએ નહી.
દરમ્યાન સરકારપક્ષ તરફથી એપીપી કુ. આર.કે.જોષીએ પણ આરોપીઓની જામીન અરજી ફગાવી દેવા અંગેની ધારદાર દલીલો રજૂ કરતાં જણાવ્યું હતું કે, આ કેસમાં બંને આરોપીઓની બહુ ગંભીર અને સક્રિય ભૂમિકા સામે આવી છે. કોર્ટે મરણ જનારની સ્થિતિ અને આત્મહત્યાના સંજોગો વિશે વિચારવું જોઇએ કે, પાંચ મહિનાના ગર્ભની સ્થિતિમાં કોઇ સ્ત્રી આત્મહત્યા કરે નહી. અગાઉ આ બંને આરોપીઓ પ્રદીપ ચૌધરી અને દિક્ષીત સુથારની ચાર્જશીટ પહેલાની જામીન અરજી મેરિટ પર કોર્ટે નિર્ણિત કરી હતી અને તે વખતે પણ કોર્ટે બંને આરોપીઓની જામીન અરજી ધરાર ફગાવી દીધી હતી. હવે આ કેસમાં નવા કોઇ સંજોગો ઉભા થયા નથી. માત્ર ચાર્જશીટ ફાઇલ થવાથી કેસના સંજોગો બદલાતાં નથી કે આરોપીઓની ગુનાહિત ભૂમિકા બદલાતી નથી. મરણ જનારે પાંચ માસના ગર્ભ સાથે આત્મહત્યા કરી છે, તે સંજોગો કોર્ટે ધ્યાને લેવા જોઇએ. આમ સરકારપક્ષ અને ફરિયાદપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી મહેસાણા સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ માધુરી ધ્રુવકુમાર પંડયાએ આરોપી પ્રદીપ સાલુભાઇ ચૌધરી અને દિક્ષીત કાંતિલાલ સુથારની જામીન અરજી આકરા વલણ સાથે ફરી એકવાર ધરાર ફગાવી દીધી છે અને તેને જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે.
બોક્ષ – મહેસાણા જિલ્લામાં ભારે ચકચાર જગાવનાર આ કેસની શું છે વિગતો…
મહેસાણા જિલ્લાના માનવ આશ્રમ ચોકડી પાસે ધરતી બંગલોઝ ખાતે રહેતા અને ખેતી-પશુપાલનનો વ્યવસાય કરતાં ખેડૂત હીરાભાઇ ફુલજીભાઇ ચૌધરીએ એફ.એકસ બુલ લિ. કંપનીના આરોપીઓ દિક્ષીત કાંતિલાલ સુથાર, પ્રદીપ સાલુભાઇ ચૌધરી, કિર્તીભાઇ પારસંગભાઇ ચૌધરી વિરૂધ્ધ પોતાની પુત્રીની આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાવતી એફઆઇઆર નંધાવી છે. ખેડૂત પિતા દ્વારા બેચરાજી પોલીસમથકમાં નોંધાવાયેલી ફરિયાદમાં કરાયેલા આક્ષેપો મુજબ, તેમને સંતાનોમાં એક દિકરો છે અને એક દિકરી જયોત્સનાબેન હતી. તેમની પુત્રી જયોત્સનાબેનના લગ્ન દોઢ વર્ષ અગાઉ સમાજના રિતરીવાજ મુજબ માણસા તાલુકાના ચૌધરી અનિલભાઇ સાથે કર્યા હતા. જયોત્સનાબેન પાંચ વર્ષ પહેલાં સને 2015માં શુભલક્ષ્મી કો.ઓ.ક્રેડિટ સોસાયટીમાં નોકરી કરતા હતા. જેના ચેરમેન ચૌધરી પ્રદીપભાઇ સાલુભાઇ (રહે.ગોકળ ગઢ, તા.જોટાણા) અને ચૌધરી કિર્તીભાઇ પારસંગભાઇ (રહે.ખારા, તા.જોટાણા) હતા. દરમ્યાન શુભ લક્ષ્મી ક્રેડિટ સોસાયટી બંધ થઇ જતાં તેમની પુત્રી જયોત્સનાબેન મહેસાણા ગાંધી શોપીંગ સેન્ટરમાં સમર્પણ કો.ઓ.ક્રેડિટ સોસાયટીમાં મેનેજર તરીકે ફરજ બજાવી હતી અને તે વખતે તેના ચેરમેન ચૌધરી કિર્તીભાઇ પારસંગભાઇ હતા. લગ્ન બાદ તેમની પુત્રીએ સમર્પણ કો.ઓ.ક્રેડિટ સોસાયટીમાં જવાનું ઓછુ કરી દીધુ હતુ પરંતુ ચૌધરી કિર્તીભાઇ પારસંગભાઇના માર્ગદર્શન હેઠળ રોકાણકારો પાસેથી ક્રેડિટ સોસાયટીના પૈસા લેવાનું ચાલુ રાખ્યું હતું., જેનું રોકાણ સારા નફા માટે ખાનગી કંપનીમાં કરતા હતા, તે મારી જાણમાં ન હતુ.
દરમ્યાન ગત તા.1-7-2021ના રોજ મારી પુત્રી સાસરીમાંથી મહેસાણા મુકામે આવેલી ત્યારે મારો ભાણો વિનુભાઇ ચૌધરી અને તેની સાથે તેના ફોઇ વારીબહેન મારી પુત્રી જયોત્સનાબેન સાથે પૈસાની લેવડદેવડ સારૂ મળવા આયા હતા એ વખતે તેઓ, તેમની પત્ની અને તેમનો દિકરો હાજર હતા. જેથી મારી પુત્રીએ આવનાર લોકોને જણાવ્યું હતું કે, તમને તમારા રૂપિયા તા.5-7-2021 રોજ પરત મળી જશે. એ વખતે ફરિયાદી પિતાએ પોતાની પુત્રીને આ અંગે પૂછતાં તેણીએ જણાવ્યું હતું કે, સમર્પણ ક્રેડિટ સોસાયટીમાં આવેલ રોકાણકારોના પૈસા સારા નફા માટે પ્રાઇવેટ કંપની(એક્સ બુલ લિ.)માં કિર્તીભાઇ અને તેમના ફોઇના દિકરા ચૌધરી પ્રદીપભાઇ સાલુભાઇ કે જે કંપનીમાં માલિક છે, તેમાં રોકાણ કરે છે. જેઓને જયોત્સનાબેન રૂબરૂમાં જઇ પૈસા આપતા હતા અને છેલ્લા છ-સાત મહિનાથી તેનું વળતર નહી મળતાં તેણીએ સતત ઉઘરાણી કરતાં પ્રદીપ ચૌધરી અને કિર્તીભાઇએ પાંચ તારીખનો વાયદો કર્યો હતો પણ પૈસા આપ્યા ન હતા. જયોત્સનાબેને તેમના પિતાને જણાવ્યું હતું કે, પ્રદીપભાઇ, કિર્તીભાઇ સાથે દિક્ષીતભાઇ મિસ્ત્રી(સુથાર) પણ ભાગીદાર છે. જયોત્સનાબેનની સતત ઉઘરાણીના કારણે પ્રદીપભાઇએ દિક્ષીતભાઇની સહીવાળા ચેક પણ આપ્યો છે, જે રિટર્ન થયેલા છે.
દરમ્યાન ગત તા.9-7-2021ના રોજ જયોત્સનાબેન તેનું પ્લેઝર લઇ મહેસાણા આવવા નીકળી હતી અને તેણીએ મને તેના મોબાઇલ ફોન પરથી જણાવેલ કે, પપ્પા, હું મહેસાણા પહોંચી ગઇ છુ અને પ્રદીપભાઇએ જે મને પાંચ તારીખનો વાયદો કર્યો હતો, તે દિવસે પૈસા આપ્યા નથી. અને મને કહ્યું કે, તારાથી થાય એ કરી લે..તને પૈસા નહી મળે, જેથી હું પ્રદીપભાઇને મળીને મહેસાણા આપણા ઘેર જઇશ કેમ કે, વિનુભાઇ અને તેમના ફોઇ ઉઘરાણી માટે આવીને બેઠા છે તેમ કહેતાં ફરિયાદી પિતાએ પોતાની પુત્રી જયોત્સનાબેનને સાંત્વના પાઠવતાં જણાવ્યું કે, સારૂ બેટા, તું ચિંતા ના કર.બધુ સારૂ થઇ જશે. પરંતુ એ પછી આશરે 12 વાગ્યાના સુમારે મારા દિકરા ચેતનભાઇની પત્ની દિશાએ તેના મોબાઇલ ફોનથી મારા મોબાઇલ પર મને જાણ કરી હતી કે, જયોત્સનાબેને તમારા ભાણા વિનુભાઇ વિહાભાઇના ફોન પર મેસેજ કર્યો છે કે, મારી પાસે પૈસાનું સેટીંગ નહી થયુ ભાઇ અને હું બહુ જ દુઃખી છું. હું બાન્ટાઇ કેનાલમાં પડુ છુ. મને કંઇ રસ્તો નહી મળતાં હું તમારા પૈસા ટાઇમથી ના આપી શકી. બીજા દિવસે સવારે તેમની પુત્રી જયોત્સનાબહેનની લાશ કેનાલમાં તરતી જોવા મળી હતી. પોલીસે ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરાવતાં તેમની પુત્રી જયોત્સનાબેનને પાંચ મહિનાનો ગર્ભ હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી હતી.
ખેડૂત પિતાએ પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું કે, એક્સ બુલ લિ.ના આરોપીઓ પ્રદીપ ચૌધરી, કિર્તીભાઇ પારસંગભાઇ ચૌધરી અને દિક્ષીત કાંતિલાલ સુથારના પાપે મારી દિકરીને મરવાનો વારો આવ્યો છે. આ આરોપીઓએ તેમની પુત્રીના રોકાણ કરેલા પૈસા પેટેનું વળતર અને મળવાપાત્ર રૂપિયા પરત નહી કરી પારાવાર માનસિક ત્રાસ આપતાં તેમની પુત્રીને આત્મહત્યા કરવા માટે મજબૂર બનવુ પડયુ. આમ, આ કેસની ચોંકાવનારી હકીકતોએ સમગ્ર મહેસાણા જિલ્લા અને આસપાસના પંથકમાં ભારે ચકચાર જગાવી છે.
#bharatmirror #bharatmirror21 #news