શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક વિતરણ સમારોહ -2021 વિદ્યાર્થીને જ્ઞાનવાન અને ઈન્સાન બનાવે એ જ સાચી વિદ્યા –રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત
શિક્ષક દિને અમદાવાદના બોડકદેવ સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો
શિક્ષણની ગુણવત્તામાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર – શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.5
પાંચમી સપ્ટેમ્બર- શિક્ષક દિને અમદાવાદના બોડકદેવ સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહને સંબોધતા ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીને જ્ઞાનવાન અને ઈન્સાન બનાવે એ જ સાચી વિદ્યા છે. રાજ્યપાલશ્રીએ પ્રેરક ઉદબોધન કરતાં કહ્યું કે, બાળકના શારીરિક જન્મમાં માતા-પિતાની ભૂમિકા હોય છે, પણ તેના માનસ ઘડતરમાં તો શિક્ષકની જ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે.
આ અવસરે ભારતીય શિક્ષણ પરંપરાનો મહિમા વર્ણવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભારતીય વિચાર પરંપરા સમૃધ્ધ હતી અને તેથી જ અનેક વિદેશી આક્રમણો છતાં ભારતીય સંસ્કૃતિ પર તેની અસર થઈ ન હતી. પણ અંગ્રેજોએ ભારતમાં સ્થાયી શાસન માટે સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન કર્યું. જેના પગલે ભારતીય માનસિકતા દિન-હિન બની. તેમણે ઉમેર્યું કે, અંગ્રેજો જાણતા હતા કે ભારતમાં શાસન કરવા માટે શિક્ષણ વ્યવસ્થાને બદલવી પડશે, અન્યથા તે શાસન કરી શકશે નહીં.
આ અંગ્રેજ શાસનકાળની જુની-પુરાણી શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન આણવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમલી બનાવેલી નવી શિક્ષણ નીતિની પણ તેમણે પ્રસંશા કરી હતી.તેમણે ઉમેર્યું કે, ભારતમાંથી અંગ્રેજો તો ગયા છે,પણ અંગ્રેજીયત ગઈ નથી. રાજ્યપાલશ્રીએ ભારતીય ગુરુકુળ પરંપરાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભારતમાં સમૃદ્ધ ગુરુ-શિષ્ય પરંપરા હતી અને આ સમૃદ્ધ પરંપરાના કારણે જ સમાજ ઉન્નત-વિકસિત હતો. તેમણે કહ્યું કે, ભારતીય ગુરુકુળોમાં વિદ્યાર્થી કેન્દ્રસ્થાને હતો, ભૌતિક સુવિધાઓ નહીં.
આ અવસરે રાજ્યપાલશ્રીએ ગુજરાતના વિકાસનો શ્રેય રાજ્યની સભ્યતા અને સંસ્કૃતિને આપ્યો હતો અને ગુજરાત સરકારને દારુબંધીના કાનૂન માટે અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યપાલશ્રીએ શિક્ષક દિને ઉપસ્થિત શિક્ષણગણને આહવાન કરતાં કહ્યું કે, આપ સૌએ પસંદ કરેલા વ્યવસાય ઉત્તમ છે અને આ અંગે આજે આપ સૌ ચિંતન કરજો, મૂલ્યાંકન કરજો.
આ અવસરે ભાવસભર વક્તવ્યથી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, શિક્ષક એ માત્ર સરકારી કર્મચારી નથી, પણ એ રાષ્ટ્રનો ઘડવૈયો છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, જ્યારે આપણે શાળામાં બાળકને પૂછીએ છીએ કે તે મોટો થઈને શું બનવા માંગે છે? ત્યારે બાળક તરત જ શિક્ષકના વ્યવસાય પર પસંદગી ઉતારે છે. કારણ કે તેનો આદર્શ શિક્ષક જ હોય છે.
શિક્ષકોના મહિમાને રેખાંકિત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વ્યક્તિ ગમે તે પદ પર પહોંચે પણ તે પોતાના શિક્ષકોને કદી ભૂલતો નથી. કારણ કે તે જાણે છે કે તેના ઘડતરમાં શિક્ષકોનું અમૂલ્ય યોગદાન રહેલું છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શિક્ષકની આ ભૂમિકાના કારણે જ આપણે તેમને ઈશ્વરતુલ્ય ગણીએ છીએ.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે વાલીઓ અને શિક્ષકોને શિક્ષણ પ્રત્યેનો અભિગમ બદલવા માટે અનુરોધ કરતાં કહ્યું કે, કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો પાયો શિક્ષણ છે અને આ પાયારૂપ શિક્ષણની જવાબદારી શિક્ષકના શીરે છે. તેમણે રાષ્ટ્રની ઉન્નતિના પાયામાં નવાચાર(ઈનોવેશન) રહેલો છે અને આ નવાચાર માટે આપણે પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત કરવો રહ્યો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શિક્ષકમાં નિર્માણ અને પ્રલય બંનેની તાકાત રહેલી છે.
મુખ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજ્યનો દરેક બાળક શિક્ષણ પ્રાપ્ત કરે એ અમારો નિર્ધાર છે. તેમણે આ અવસરે નવી શિક્ષણ નીતિ માટે પ્રધાનમંત્રીશ્રીને અભિનંદન પાઠવતા કહ્યું કે, નવી શિક્ષણ નીતિમાં વ્યક્તિની પ્રતિભાને બહાર આણવાની શક્તિ રહેલી છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં શિક્ષણના ક્ષેત્રમાં થયેલી કામગીરીની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, કુશળ માનવબળ માટે આપણે રાજ્યમાં સેક્ટોરિઅલ યુનિવર્સિટીઓનું નિર્માણ કર્યું છે. જેના પગલે વૈશ્વિક કંપનીઓને કુશળ માનવબળ પ્રાપ્ત થશે અને યુવાનોને રોજગારી. તેમણે વૈશ્વિક સ્પર્ધા માટેનું માનવબળ તૈયાર કરવા માટે શિક્ષકોને સજ્જ થવાની અપીલ કરી હતી. તેમણે સૌને દેશ માટે જીવવા સંકલ્પબદ્ધ અને નમ્રતા કેળવવાનો અનુરોધ કરતા કહ્યું કે, જેમ તાડનું વૃક્ષ ગમે તેટલું ઉંચુ થાય પણ છાંયો આપતું નથી, પણ વટવૃક્ષ ઝાઝી ઉંચાઈ ન ધરાવતું હોવા છતાં લોકોને શાતા આપે છે. તેમણે ઉમેર્યું કે , આપણે સદગુણોનો સરવાળો કરીએ ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ કરીએ.
આ અવસરે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાસંગિક ઉદબોધનમાં શિક્ષકોને અભિનંદન પાઠવતા કહ્યું કે, કોરોનાકાળમાં શિક્ષકોએ ઉત્તમ કામગીરી કરી તેમ જ શાળા બંધ હોવા છતા શિક્ષણ ચાલુ રાખ્યું. તેમણે ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તામાં થયેલા સુધારાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ગુજરાત ભારતમાં શિક્ષણક્ષેત્રના પર્ફોર્મન્સ ઈન્ડેક્સ ગ્રેડિંગમાં “એ પ્લસ” ગ્રેડ લાવ્યું છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. પણ આપણે “એ ડબલ પ્લસ” ગ્રેડિંગ માટે સંકલ્પબદ્ધ બનીએ. શ્રી ભૂપેન્દ્રસિંહે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે થયેલા નૂતન પ્રયોગોની ભૂમિકા આપતા કહ્યું કે, આપણે શિક્ષણમાં નબળા બાળકને પ્રિય ગણ્યો અને તેના પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી તેને શિક્ષણાભિમુખ કર્યો.
આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી શ્રી વિભાવરીબહેન દવે, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, અગ્રસચિવ શ્રી એસ.કે.હૈદર, શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ, જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા તેમ જ અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમ જ શિક્ષકો અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.