મંત્રીમંડળમાં કોને સમાવવા અને કોને નહી તેને લઇ ભારે કશ્મકશ – ભાજપના કેન્દ્રીય નીરીક્ષકો અને પ્રદેશના ટોચના નેતાઓ નામોની પસંદગી પ્રક્રિયામાં જોતરાયા
એક વાત નક્કી છે કે, ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળમાં ધરખમ ફેરફારો હશે, બીજું કે, યુવા ચહેરોને તક આપી જ્ઞાતિવાદને પણ બેલેન્સ રાખવાનો પ્રયાસ કરાશે
તો, વિજય રૂપાણી સરકારમાં નબળી કામગીરી કરનારા કેટલાક સિનિયર મંત્રીઓને પડતા મૂકાય તેવી પણ શકયતા –કેબિનેટનું કદ વધારાય તેવી પણ શકયતા
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.14
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિ તા.16મી સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે ત્યારે તે પૂર્વે મંત્રીમંડળમાં કોને કોને સમાવાશે અને કોનું પત્તુ કપાશે તેને લઇ હવે અનેક અટકળો અને તર્ક વિતર્ક શરૂ થઇ ગયા છે. ગાંધીનગરના રાજભવનમાં તા.16 સપ્ટેમ્બરે મંત્રીમંડળના નવા મંત્રીઓની શપથવિધિ યોજાનાર છ, તેને લઇને તમામ તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ એક વાત નક્કી છે કે, ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળમાં ધરખમ ફેરફારો હશે, બીજું કે, યુવા ચહેરોને તક આપી જ્ઞાતિવાદને પણ બેલેન્સ રાખવાનો પ્રયાસ કરાશે. તો, વિજય રૂપાણી સરકારમાં નબળી કામગીરી કરનારા કેટલાક સિનિયર મંત્રીઓને પડતા મૂકાય તેવી પણ શકયતા છે. જયારે કેટલાંક મંત્રીઓ અમુક વિવાદોમાં સપડાયાં છે જેના કારણે પક્ષ-સરકારની પ્રતિષ્ઠા ખરડાઇ છે તેના કારણે તેમનુ પત્તુ પણ કપાઇ શકે છે. તદુપરાંત, ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટનું કદ વધે તેવી પણ પૂરી શકયતા છે. હાલ મંત્રીમંડળમાં 23ની સંખ્યા છે તે વધીને 25-27ની આસપાસ થઇ શકે છે.
એક રીતે જોવા જઇએ તો, નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં કોને સમાવવા, કોને પડતા મૂકવા અને નવા કયા ચહેરાઓને તક આપવી તેને લઇને ભારે કશ્મકશ ચાલી રહી છે,. કેન્દ્રીય નીરીક્ષકો અને પ્રદેશના ટોચના નેતાઓ પણ નિયુકિતમાં કયાંક કાચુ ના કપાઇ જાય અને આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોઇ વિવાદ ના સર્જાય તેનું પણ ખાસ ધ્યાન રાખીને મંત્રીંમંડળના સભ્યોની નિમણૂંક પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે., જેને લઇને હાલ તો ભારે સસ્પેન્સ સર્જાયું છે.
રાજયના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ પદનો વિધિવત્ ચાર્જ સંભાળ્યા પછી કેન્દ્રીય નિરીક્ષકો અને પ્રદેશના ટોચના નેતાઓ નવી કેબિનેટની રચનામાં વ્યસ્ત બન્યાં છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં સરકારમાં હાલના કયા સભ્યોને પડતા મૂકવાના છે અને કયા નવા ચહેરાઓને સ્થાન આપવાનું છે તેની પ્રાથમિક ચર્ચા ઓલરેડી થઇ ચૂકી છે, કેન્દ્રીય અમિત શાહ અને કેન્દ્રીય મોવડીમંડળ સાથે અંતિમ સલાહ મસલત કર્યા બાદ મંત્રીમંડળના નામોની આખરી યાદી જાહેર કરવામાં આવશે.
બીજીબાજુ, મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા મંત્રીઓની ટીમમાં કોણ કોણ હશે તે અંગે હાલ સોશિયલ મીડિયામાં અને જનતામાં ભારે ચર્ચા, અટકળો અને તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. નવા મંત્રીમંડળમાં યુવા ચહેરાઓને વધુ તક મળી શકે છે તો. મહિલાઓને પણ યોગ્ય સ્થાન અપાવાની ધારણા છે. આ સિવાય જૂના અમુક ચહેરાઓની મંત્રીમંડળમાંથી બાદબાકી નકકી મનાઇ રહી છે. જેને લઇને કેબિનેટનું વિસ્તરણ કરી મંત્રીમંડળનું કદ વધારવામાં આવે તેવી પણ પૂરી શકયતા છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને તમામ જ્ઞાતિ-સમાજને રાજકીય પ્રતિનિધીત્વ મળે તે આધારે મંત્રીમંડળ રચાશે કે જેથી આવનારી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને બેઠકોનો ફાયદો થઇ શકે.
#bharatmirror #bharatmirror21 #news