ભાજપમાં સત્તાની સાઠમારીને લઇ સર્જાયેલા રાજકીય ઘમાસાણને લઇ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશીના ભાજપ પર આકરા પ્રહારો
ગુજરાતની જનતા અતિવૃષ્ટિનો સામનો કરી રહી છે, બીજીબાજુ ભાજપાના નેતાઓ સત્તા માટે એકબીજાના ટાટીયા ખેંચવામાં વ્યસ્ત
સૌરાષ્ટ્રના જામનગર, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદમાં લાખો પરિવારો પરેશાન, હજારો ખેતરો ધોવાયા – પણ ભાજપે પ્રજાને રામભરોસે છોડી
અમદાવાદ,તા.15
ગુજરાત અને ગુજરાતીઓ જલપ્રલય – અતિવૃષ્ટીનો સામનો કરી રહ્યા છે ત્યારે, ભાજપાના નેતાઓ સત્તા માટે ટાટીયા ખેંચમાં વ્યસ્ત છે ત્યારે કહેવાતી શિસ્તબધ્ધ પાર્ટી ભાજપમાં શિસ્ત અને સિધ્ધાંતોના જાણે કે, ધજાગરા ઊડ્યા છે. ગુજરાત અને ગુજરાતીઓ તકલીફમાં રામભરોસે અને ભાજપાના ચૂંટાયેલા ધારાસભ્યો, ગાંધીનગરમાં મંત્રી – મંત્રીની સંગીત ખુરશી રમી રહ્યા હોવાનો કટાક્ષ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના જામનગર, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને મોરબીમાં ભારે વરસાદથી હજારો પરિવારો પરેશાન છે, ઘરવખરી ધોવાઈ ગઈ છે, ખેતી-ખેતરો ધોવાઈ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
પરંતુ સત્તા લાલચુ ભાજપમાં આંતરિક મતભેદો સપાટી પર આવતા શપથવિધી મોકુફ રાખવાની ફરજ પડી છે. સેવાની મોટી મોટી વાતો કરતી ભાજપની સત્તા લાલચ અને તેની લોલુપતા વધુ એક વખત ખુલી પડી ગઇ છે. ભાજપનો સત્તા લાલસાનો અસલી ચહેરો ગુજરાતની પ્રજા સમક્ષ આવી ગયો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ વધુમાં જણાવ્યું કે, રાજયમાં નવા મંત્રી મંડળનો કાર્યક્રમ પહેલી વખત મોકૂફ રાખવાની ફરજ, ત્રણ-ત્રણ વખત શપથવિધીના સમય બદલાયા, યોજાનાર મંત્રીઓની શપથવિધીના બેનરો પણ છપાઈ ગયા. ભાજપામાં આંતરીક અસંતોષ કહેવાતી શિસ્તબધ્ધ પાર્ટીનો ફજેતો, પ્રથમ ગ્રાસે મક્ષીકા, ઉકળતા ચરુ જેવી સ્થિતિને લીધે ભાજપની સત્તા ભૂખની લડાઈમાં ફરી એક વખત પ્રજાના પૈસાનો ધૂમાડો થઈ રહ્યો છે. ડર અને ભયથી સતત સત્તાધારી પક્ષના ધારાસભ્યો મૌન છે, આ શિસ્ત નહી પણ અજ્ઞાત ડરના કારણે મૌન સેવીને બેઠા છે.
ડો. દોશીએ વધુમાં ઉમેર્યું કે, છેલ્લા ૪૮ કલાકથી સતત મંત્રી કોણ બનશે ? કોને રવાના કરાશે ? સત્તાની ખેંચતાણમાં જનતાની મુશ્કેલી માટે વિચારવાનો સમય જ ભાજપાના નેતૃત્વ પાસે નથી. ભાજપના વરિષ્ઠ નેતાઓ, પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપા અધ્યક્ષ વચ્ચે સત્તાની ખેંચતાણને લીધે ગુજરાત અને ગુજરાતીઓને રામભરોસે છોડી દીધા છે. સેવાની મોટી મોટી વાતો કરતી ભાજપની સત્તા લાલચુ અને તેની સત્તા લોલુપતા વધુ એક વખત ખુલી પડી રહી છે. જે રીતે ભાજપા અધ્યક્ષ, મુખ્ય મંત્રી કાર્યાલય અને ધારાસભ્યોના નિવાસસ્થાને સંગીત ખુરશીની રમત ચાલી રહી છે ત્યારે, પ્રશ્ન થાય છે કે, શું આ માટે ભાજપાને સત્તા સોંપી છે ? જો કે, ભાજપનો સત્તા લાલચુ અને સત્તાની લોલુપતાનો આ ચહેરો ગુજરાતની પ્રજા સમક્ષ આખરે ઉજાગર થઇ ગયો છે અને હવે જનતા આગામી 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને તેનો પરચો આપશે.
#bharatmirror #bharatmirror21 #news