આવતીકાલે ભગવાન શ્રીકૃષ્ણના સર્વોપરી પ્રિયતમા શ્રીમતી રાધારાણીના અવતરણનો શુભ અને પવિત્ર દિન છે. જન્માષ્ટમી ઉત્સવ પછીના પંદર દિવસના અંતરે શ્રી રાધાષ્ટમી ઉત્સવ આવે છે
શ્રી શ્રી રાધાષ્ટમીના મહા ઉત્સવ નિમિતે શ્રી રાધા માધવને આવતીકાલે ભવ્ય અને વિશેષ સાજ શણગાર કરાશે., આ સિવાય મહાઅભિષેક, રાજભોગ, મહાઆરતી, પાલખીયાત્રા, ભજન-કિર્તન સહિતના અનેક કાર્યક્રમો ઉજવાશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.13
હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે આવતીકાલે તા.14મી સપ્ટેમ્બરના રોજ શ્રી રાધાષ્ટમીની ભારે હર્ષોલ્લાસ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આવતીકાલે ભગવાન શ્રીકૃષ્ણના સર્વોપરી પ્રિયતમા શ્રીમતી રાધારાણીના અવતરણનો શુભ અને પવિત્ર દિન છે. જન્માષ્ટમી ઉત્સવ પછીના પંદર દિવસના અંતરે શ્રી રાધાષ્ટમી ઉત્સવ આવે છે. વૃંદાવનની બધી ગોપીઓમાં રાધારાણીને મુખ્ય ગોપી તરીકે ખૂબ જ ભાવપૂર્વક પૂજવામાં આવે છે. રાધારાણી એ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની શુધ્ધ ભકિતનો સાર છે. કૃષ્ણભકિત દ્વારા ભકતો શ્રીમતી રાધારાણીની પૂજા કરે છે, પ્રાર્થના કરે છે અને બપોર સુધી ઉપવાસ રાખે છે.
હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે આવતીકાલે શ્રી શ્રી રાધા માધવને ભવ્ય પ્રકારના વસ્ત્રો પહેરાવીને તથા અલંકારો અને સુગંધીદાર પુષ્પોથી શણગારવામાં આવશે. શ્રી શ્રી રાધા માધવના આશીર્વાદ મેળવવા ભકતો દ્વારા ખાસ સેવા અર્પણ થાય છે. 108 પ્રકારના ભોગ અર્પણ કરવા ખાસ તૈયારીઓ પણ કરવામાં આવે છે. આ ઉત્સવમાં ભકતો દ્વારા શ્રીમતી રાધારાણી માટે ભજન કિર્તન કરવામાં આવે છે, જયારે સાંજે મહાઅભિષેકમ્ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદના હરેકૃષ્ણ મુવમેન્ટના પ્રેસીડેન્ટ સ્વામીશ્રી જગમોહન કૃષ્ણદાસ શ્રી રાધાષ્ટમીનો મહિમા સમજાવતા જણાવે છે કે, શ્રી રાધાષ્ટમી એ શ્રીમતી રાધારાણીના દિવ્ય પ્રાગટયનો મહાઉત્સવ છે. જેઓ મથુરા પાસે સ્થિત પવિત્ર ભૂમિ બરસાનામાં અવતર્યા હતા. જન્માષ્ટમીની ઉજવણી પછી પંદર દિવસે તેમ જ ભાદરવા મહિનાના તેજસ્વી પખડવાડિયામાં શુક્લ પક્ષની આઠમના દિવસે શ્રીમતી રાધારાણીનો દિવ્ય પ્રાગટય શ્રી રાધાષ્ટમી ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. કૃષ્ણભકતો માટે શ્રી રાધાષ્ટમી પણ શ્રી જન્માષ્ટમી ઉત્સવ જેટલું જ મહત્વ ધરાવે છે. શ્રીમતી રાધારાણી સમગ્ર બ્રહ્માંડ માટે માતા સમાન આદર ધરાવે છે અને આ પાવન દિવસે ભકતો ભગવાનશ્રી કૃષ્ણની કૃપા મેળવવા માટે શ્રીમતી રાધારાણીને પ્રાર્થના કરે છે. આવતી કાલે હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શ્રી રાધાષ્ટમી મહા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રાધાષ્ટમી મહા ઉત્સવની ઉજવણી દરમ્યાન સરકાર દ્વારા નિર્દિષ્ટ કોવીડ ગાઇડલાઇન્સનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
આવતીકાલે શ્રી રાધાષ્ટમીના મહા ઉત્સવ નિમિતે શ્રી શ્રી રાધા માધવને ભવ્ય અને વિશિષ્ટ વસ્ત્રો પહેરાવીને સુંદર સાજ-શણગાર કરવામાં આવશે તેમ જ ગર્ભગૃહને શાનદાર અને રંગેબેરંગી ફુલોથી શણગારવામાં આવશે, જેની સુગંધ અને પ્રસન્નતા મંદિરમાં બધી જ જગ્યાએ પ્રસરશે. સાંજે 7-00 વાગ્યે શ્રી શ્રી રાધા માધવની મૂર્તિને મહાઅભિષેક કરવામાં આવશે, ,જેમાં હજારો ભકતો આ ઉત્સવની ઉજવણીમાં ભાગ લેશે. ભગવાનને દૂધ, દહીં, ઘી, મધ, ગોળનું પાણી તેમ જ વિવિધ ફળો જેવા કે, સક્કરટેટી, સફરજન, તડબૂચ, અનાનસ, દાડમ, નારંગી, મોસંબી, પપૈયા, દ્રાક્ષ વગેરેના ફળોના રસ દ્વારા પણ અભિષેક કરવામાં આવશે. શ્રીલ રૂપ ગોસ્વામી દ્વારા લખવામાં આવેલ રાધિકાષ્ટ્વનું ગાન કરી ભગવાનને વિવિધ પ્રકારના દિવાઓથી આરતી કરવામાં આવશે.
ભગવાનની આરતી પછી ભકતો દ્વારા ઋગ્વેદમાં વર્ણવવામાં આવેલા પુરૂષસૂકતનું પઠન કરવામાં આવશે તેમ જ 108 કળશ દ્વારા મહા અભિષેક કરવામાં આવશે., જેનું જળ સાત પવિત્ર નદીઓમાંથી એકત્રિત કરાયેલું છે. સાથે જ દેશના વિવિધ પ્રદેશમાંથી એકત્રિત કરેલા ફુલો જેવા કે જુહી, જાસ્મીન, રજનીગંધા, લીલી, નાગચંપા, કાર્નેશન, મેરીગોલ્ડ અને ઇંગ્લીશ ગુલાબ વગેરે ફુલોથી પણ મહા અભિષેક કરવામાં આવશે.
દરમ્યાન શ્રધ્ધાળુ ભકતો દ્વારા તૈયાર કરવામાં આવેલ 108 પકવાનનો રાજભોગ મધ્યાહ્નને 12-00 કલાકે ધરાવવામાં આવશે. જયારે કાર્નેશન, ઇંગ્લીશ ગુલાબ, જાસ્મીન, જુહી વગેરે જેવા ફુલોથી સુશોભિત કરી ભગવાનની પાલખી રાત્રે 8-30 વાગ્યે નીકળશે. તે પહેલાં 8-15 વાગ્યે પરંપરાગત દિવાઓ દ્વારા મહા મંગળાઆરતી થશે. ઉત્સવના અંતમાં શયન આરતી થશે અને શ્રીમતી રાધારાણીનું મહત્વ અને તેમના દિવ્ય ગુણોનું વર્ણન કરતાં સુંદર ભજનો ગાવામાં આવશે. શ્રીમતી રાધારાણીનું મહત્વ અને તેમના દિવ્ય ગુણોનું વર્ણન કરતાં વૈષ્ણવઆચાર્યો કૃતિત થયેલા કિર્તન અને ભજનો ગાઇને શ્રી રાધાષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.
#bharatmirror #bharatmirror21 #news