ભગવાન શ્રી કૃષ્ણના સર્વોપરી પ્રિયતમા શ્રીમતી રાધારાનીના અવતરણના શુભ દિન નિમિતે શ્રી રાધાષ્ટમીની ભવ્ય ઉજવણી સંપન્ન
શ્રી શ્રી રાધા માધવને ભવ્ય પ્રકારના નવા વસ્ત્રો પહેરાવીને તથા અલંકારો અને સુગંધીદાર પુષ્પોથી શણગારવામાં આવ્યા
ઉત્સવના અંતમાં ભગવાનની પ્રસન્નાર્થે મહા આરતી અને ભવ્ય પાલકી ઉત્સવ પણ યોજવામાં આવ્યા
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.14
હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે તા. 14 સપ્ટેમ્બર 2021 ના રોજ શ્રી રાધાષ્ટમી ઉત્સવ ખુબજ ભાવપૂર્વક ઉજવાયો હતો જે શ્રી કૃષ્ણના સર્વોપરી પ્રિયતમા શ્રીમતી રાધારાનીના અવતરણનો શુભ દિવસ છે. જન્માષ્ટમી ઉત્સવ પછીના 15 દિવસ અંતે રાધાષ્ટમી ઉત્સવ આવે છે. વૃંદાવનની બધી ગોપીયો માં રાધારાણી ને મુખ્ય ગોપી તરીકે ખુબજ ભાવપૂર્વક પૂજવામાં આવે છે. રાધારાણી એ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે ની ભક્તિ નો શુદ્ધ સાર છે. કૃષ્ણ ભક્તિ દ્વારા ભક્તો શ્રીમતી રાધારાણીની પૂજા કરી હતી, પ્રાર્થના કરી હતી.
હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે આ દિવસે શ્રી શ્રી રાધા માધવ ને ભવ્ય પ્રકારના નવા વસ્ત્રો પહેરાવીને તથા અલંકારો અને સુગંધીદાર પુષ્પો થી શણગારવામાં આવ્યા હતા. મંદિરને તથા ગર્ભગૃહને જાતજાતના રંગબેરંગી પુષ્પોથી શણગારવામાં આવતા ચૌતરફનું વાતાવરણ આનંદમય અને સુગંધીદાર પુષ્પોથી સુશોભિત થયું હતું. શ્રી શ્રી રાધા માધવ ના આશીર્વાદ મેળવવા ભક્તો દ્વારા ખાસ સેવા અર્પણ કરવામાં આવી હતી. જેમકે 108 વિવિધ પ્રકાર ના રાજભોગનું અર્પણ, 7 પવિત્ર નદીઓમાંથી એકત્રિત કરેલ જળના 108 કાળાશ દ્વારા મહાભિષેક, ઋગ્વેદમાં વર્ણવવામાં આવેલ ‘પુરુષ સૂક્ત’ નું પઠન, તેમજ ભક્તો દ્વારા શ્રીમતી રાધારાણીનું મહત્વ અને તેમના દિવ્ય ગુણોનું વર્ણન કરતા કીર્તન અને ભજનો ગાવામાં આવ્યા હતા.
આ પ્રસંગે હરે કૃષ્ણ મંદિર ભાડજના પ્રેસિડેન્ટ શ્રી જગનમોહન કૃષ્ણ દાસે “રાધાષ્ટમી” ની મહત્તા વિષે વિશેષ પ્રવચન આપ્યું હતું. ઉત્સવના અંતમાં ભગવાનની પ્રસન્નાર્થે મહા આરતી અને ભવ્ય પાલકી ઉત્સવ પણ યોજવામાં આવ્યા હતા. જયારે ભક્તો દ્વારા શ્રીલ રૂપ ગોસ્વામી કે જેઓ વૃંદાવનમાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના સર્વોચ્ચ ભક્ત હતા, તેમના દ્વારા નિર્મિત શ્રી રાધીકાષ્ટકનું ગાન ઉત્સવના ભાગરૂપે કરવામાં આવ્યું હતું.
હાલમાં જગતભરમાં પ્રસરેલા રોગચાળાની સ્તિથીને ધ્યાનમાં રાખતા સરકારશ્રી દ્વારા સૂચવવામાં આવેલ ધારાધોરણનું ચુસ્તપણે પાલન ઉત્સવ દરમિયાન કરવામાં આવ્યું હતું. હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ઉજવાયેલ મહોત્સવને માણવા સર્વે ભક્તોએ મંદિરના ઓફિશ્યિલ યૂટ્યૂબ ચેનેલ અને ફેસબુક પેજ પર નિહાળી ભારે ધન્યતા અનુભવી હતી.
#bharatmirror #bharatmirror21 #news