બંગાળના ખાડીમાં સક્રિય થયેલું ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીથી આગળ વધ્યું – આગામી 24 કલાકમાં ગુજરાત સુધી પહોંચવાની શકયતા
બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનની અસરના ભાગરૂપે અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજાની જોરદાર જમાવટ
બંગાળના ખાડીમાં સક્રિય થયેલું ગુલાબ વાવાઝોડાને પગલે રાજયના હવામાનમાં પણ નોંધપાત્ર પલ્ટો – હજુ પણ રાજયમાં તા.2જી ઓકટોબર સુધી વરસાદની આગાહી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.27
બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનની અસરના ભાગરૂપે અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આજે મેઘરાજાએ ભારે ગાજવીજ અને તોફાની પવન સાથે ધમાકેદાર બેટીંગ કરી હતી. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર સહિતના ભાગોમાં ભારે તોફાની વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સવારે દસ વાગ્યાથી શરૂ થયેલો ભારે વરસાદ બપોર સુધી ચાલુ રહ્યો હતો, બપોરે છેક ત્રણ વાગ્યા બાદ સૂર્યનારાયણ દેવે દેખા દીધી હતી. જેથી ત્યારબાદ પાણી ધીરે ધીરે ઓસરવાના શરૂ થઇ ગયા હતા.
અમદાવાદ શહેર સહિત રાજયભરના હવામાનમાં ફરી એકવાર નોંધપાત્ર પલ્ટો આવ્યો છે, તેનું કારણ છે કે, બંગાળના ખાડીમાં સક્રિય થયેલું ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીથી આગળ વધ્યું છે. તે મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર સુધી પહોંચ્યું છે. આ વાવાઝોડું આગામી 24 કલાક દરમ્યાન ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે. જેના કારણે સર્જાનારી સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજયના વાતાવરણમાં નોંધપાત્ર પલ્ટો વર્તાઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આ વાવાઝોડાની અસરથી રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ગતિના પવનો અને ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.
બીજીબાજુ, હવામાન ખાતાની આ આગાહી વચ્ચે અમદાવાદ, ગાંધીનગર સહિતના મોટાભાગના ક્ષેત્રોમાં અને રાજયના અન્ય શહેરો-વિસ્તારોમાં વહેલી સવારથી જ તોફાની પવન અને વીજળીના કડાકા અને ભડાકા સાથે ભારે ધોધમાર વરસાદ ખાબકયો હતો. અમદાવાદ-ગાંધીનગરમાં સવારે 10 વાગ્યાની આસપાસ વરસાદી ઝાપટાં સાથે શરૂ થયેલા વરસાદે ભારે જોર પકડ્યું હતું. બપોર સુધી ભારે વરસાદ ચાલુ રહ્યો હતો, જેના કારણે અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા અને તેથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જો કે, બપોર બાદ સૂર્યનારાયણ દેવે દેખા દેતાં અને વરસાદ રોકાતાં ધીરે ધીરે પાણી ઓસર્યા હતા. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને શહેરના એસજી હાઇવે, ઘાટલોડિયા, મેમનગર, ચાંદલોડિયા, ચાંદખેડા, પ્રહલાદનગર, સાબરમતી, આરટીઓ સર્કલ, હેલ્મેટ સર્કલ, નારણપુરા, સોલા રોડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. બપોર બાદ પાણી ઓસર્યા બાદ લોકોને રાહત થઇ હતી.
રાજ્યમાં આવતીકાલે તા.28 સપ્ટેમ્બરે આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુર તેમજ 29 સપ્ટેમ્બરે 40 થી 60 કિમીની ગતિના પવન સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 30 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 28 સપ્ટેમ્બરના રોજ આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુરમાં સારો વરસાદ વરસવાની શકયતા છે. આ સિવાય તા.29 સપ્ટેમ્બરના રોજ 40થી 60 કિમીની ગતિના પવન સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ જ પ્રકારે તા.30 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમો પણ એલર્ટ અને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
#bharatmirror #bharatmirror21 #news