જામનગર, રાજકોટ, જૂનાગઢ સહિતના પંથકોમાં તો મોટાભાગના જિલ્લા-તાલુકાઓમાં 10 ઇંચથી લઇ 27 ઇંચ સુધીનો અતિ ભારે વરસાદ નોંધાતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ
સૌરાષ્ટ્રમાં સર્જાયેલા મેઘતાંડવને લઇ તેમ જ હજુ પણ આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ડ જાહેર કરી દેવાયું
અલિયાબાડા, ધુળા સહિતના અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા અને સંપર્કવિહોણા બન્યા, અનેક વીજ થાંભલાઓ અને વૃક્ષો ધરાશયી
પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફોર વ્હીલર કાર સહિતના મોટા વાહનો પણ પૂરના ધસમસતા પ્રવાહમાં રમકડાની જેમ તણાતા જોવા મળ્યા, તો કયાંક ઢોર-ઢાંખર અને પશુઓ પણ પાણીમાં ડૂબતા જોવા મળ્યા
જામનગરમાં ભારતીય વાયુદળના હેલિકોપ્ટરની મદદ લેવાઇ, પૂરગ્રસ્તોને પૂરના પાણીમાંથી એરલિફ્ટ કરી બચાવાયા
જામનગર-રાજકોટમાં એનડીઆરએફ દ્વારા દિલધડક રેસ્કયુ ઓપરેશન પાર પાડી પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવ્યા
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર, રાજકોટ સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવા આદેશો આપ્યા
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.13
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં ખાસ કરીને જામનગર, રાજકોટ, જૂનાગઢ, જામજોધપુર, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા સહિતના પંથકોમાં બારે મેઘ ખાંગા થયા હોય એમ જાણે આભ ફાટયુ છે, જેના કારણે જામનગર, રાજકોટ સહિતના પંથકોમાં તો મોટાભાગના જિલ્લા-તાલુકાઓમાં 10 ઇંચથી લઇ 27 ઇંચ સુધીનો અતિ ભારે વરસાદ નોંધાતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે, અલિયાબાડા, ધુળા સહિતના અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા છે અને સંપર્કવિહોણા બન્યા છે. હજારો લોકો પૂરના પાણીમાં ફસાયા છે, ફોર વ્હીલર કાર સહિતના મોટા વાહનો પણ પૂરના ધસમસતા પ્રવાહમાં રમકડાની જેમ તણાતા જોવા મળ્યા, તો કયાંક ઢોર-ઢાંખર અને પશુઓ પણ પાણીમાં ડૂબતા જોવા મળ્યા. પૂરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ દ્વારા તો કયાંક એરફોર્સ દ્વારા પૂરના પાણીમાં ફસાયેલા લોકોને એરલીફ્ટ કરીને બચાવવાનું રેસ્કયુ ઓપરેશન હાથ ધરાઇ રહ્યું છે. બીજીબાજુ, સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવાંમાં આવી રહ્યા છે અને તેઓને સ્થળાંતર કરાવાઇ રહ્યું છે. તો, સૌરાષ્ટ્રમાં સર્જાયેલા મેઘતાંડવને લઇ તેમ જ હજુ પણ આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ડ જાહેર કરી દેવાયું છે.
જામનગરના સમાણામાં 27 ઇંચ, કાતળા 27, છતર 26, રામનગર 25, ધુતારપુરમાં 22, ધુળેસીયામાં 22, રોહિશાળામાં તો, 21 ઇંચ, ગીરનાર પર્વત 20 ઇંચ, અડબાલડામાં 21 ઇંચ, ટોકરિયામાં 21, ઢોકરિયા 20, જસાપરમાં 20, ખેંગારડા 20. ધુંડા, જાંબુડામાં 15-15, બાદનપર 17, ધ્રોલ 17, બેલા આમરણમાં 15 વાડિયામાં 18 ઇંચ સહિતના પંથકોમાં 15થી 25-27 ઇઁચ સુધીનો જાણે આભ ફાટયુ હોય તેવો બારે મેઘ ખાંગા જેવો અતિ રૌદ્રસ્વરૂપનો મેઘો ખાબકતાં આ પંથકોમાં તો જાણે જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઇ હતી. અનેક વીજ થાંભલાઓ અને વૃક્ષો ધરાશયી થઇ ગયા હતા. રાજકોટના સાધુવાસવાણી રોડ પર એકસાથે ચાર કાર તણાઇ હતી, લોકો પણ તણાયા હતા, આ દ્રશ્યો જોઇ લોકો હચમચી ગયા હતા. જામનગરના બલાચડી રોડ ઉપર 20 ફૂટ પાણી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.
જામનગરમાં અનેક પંથકોમાં એનડીઆરએફ દ્વારા દિલધડક રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયું હતું તો, કેટલાક વિસ્તારોમાં ભારતીય વાયુદળના હેલિકોપ્ટર દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. જૂનાગઢની ઓઝત નદીમાં નવા પાણીની આવક થતાં પૂરના પાણી આસપાસના વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક શ્રીકાર વરસાદ અને મેઘતાંડવના કારણે પંથકના દોઢસોથી વધુ માર્ગો બંધ કરાયા છે અને સંખ્યાબંધ માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાઇ ગયો છે.
આ જ પ્રકારે રાજકોટ શહેર અને જિલ્લામાં તેમ જ તેની આસપાસના પંથકોમાં પણ આફતનો વરસાદ વરસ્યો હતો. રાજકોટના લોધિકામાં 18 ઇઁચ તો, વીસાવદરમાં 15 ઇઁચ મેઘો ખાબકતાં ઠેર-ઠેર પૂરના પાણી ફરી વળ્યા હતા. રાજકોટના કેટલાય વિસ્તારમાં ફોર વ્હીલર કાર અને નાના-મોટા વાહનો પૂરના પાણીના ધસમસતા પ્રવાહમાં રમકડાની જેમ તણાતા જોવા મળ્યા હતા. અનેક નાના-મોટા મંદિરોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા તો, લોકોના ઘરો, સોસાયટીઓ, મહોલ્લા અને શેરીઓ પણ પાણીમાં ગરકાવ થયેલી જણાતી હતી. કેટલાક વિસ્તારોમાં લોકો ગળા સુધી ડૂબે એટલા ઉંડા પાણી ભરાતાં ખુદ તંત્ર ચોંકી ઉઠયુ હતું. કાલાવાડના છાપરા ગામે પણ કાર સહિતના વાહનો તણાયા હતા.
રાજકોટના સુરક્ષા પ્લોટમાં લોકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસ્યા હતા. રાજકોટમાં દસથી બાર ઇંચ વરસાદ ખાબકતાં શહેરના રૈયારોડ સહિતના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા હતા, તો રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હતી. આજી નદીના કિનારે આવેલા રામનાથ પરા વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાયા હતા. નદી આસપાસના પ્રભાવિત વિસ્તારોમાંથી 700થી વધુ લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. મવડી ગામ પાસે પાળ નદીમાં ઘોડાપૂર આવ્યુ હતું. કોઠારિયા વિસ્તારમાં પણ સાંબેલાધાર વરસાદથી લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. ગોંડલમાં 20થી વધુ પરપ્રાંતીયો પૂરના પાણીમાં ફસાયા હતા. રાજકોટ-કાલાવાડ હાઇવે પર પૂરના પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો હતો.
ગોંડલ ઉપરાંત, જસદણ, લોધિકા, ઉપલેટા, જેતપુર સહિતના અનેક પંથકોમાં અતિ ભારે વરસાદના કારણે જળબંબાકારમય બન્યા હતા, સ્થાનિક લોકો મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી ભારે પ્રભાવિત થયા હતા અને સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. બીજીબાજુ, સમગ્ર સૌરાષ્ટ્રમાં સર્જાયેલા મેઘતાંડવને લઇ તેમ જ હજુ પણ આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ડ જાહેર કરી દેવાયું છે.
#bharatmirror #bharatmirror21 #news