ગુજરાત બાર કાઉન્સિલના નવા એક્ઝિક્યુટિવ કમિટી ચેરમેન તરીકે મનોજ અનડકટ ચૂંટાયા, એનરોલમેન્ટ કમીટીના ચેરમેન તરીકે અમદાવાદના અનિલ સી.કેલ્લાની વરણી
ગુજરાત બાર કાઉન્સીલમાં છેલ્લા 23 વર્ષોથી ભાજપ પ્રેરિત સમરસ પેનલનો દબદબો – ભાજપ પ્રદેશ લીગલ સેલના કન્વીનર અને સમરસ ટીમના સંયોજક શ્રી જે.જે.પટેલની રણનીતિ ફરી એકવાર કારગત નીવડી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.5
ગુજરાત બાર કાઉન્સીલની આજરોજ યોજાયેલી મહત્વની ચૂંટણીમાં યોજાયેલા ઇલેકશનમાં ગુજરાત બાર કાઉન્સીલના નવા ચેરમેન તરીકે કિશોર ત્રિવેદીની નિયુક્તિ થઈ છે. જ્યારે ગુજરાત બાર કાઉન્સિલના નવા વાઇસ ચેરમેન કિરણસિંહ વાઘેલા નિમણૂંક પામ્યા છે. ગુજરાત બાર કાઉન્સિલના નવા એક્ઝિક્યુટિવ કમિટી ચેરમેન મનોજ અનડકટ ચૂંટાયા છે. સૌથી નોંધનીય અને મહત્વની વાત એ છે કે, ગુજરાત બાર કાઉન્સીલમાં છેલ્લા 23 વર્ષોથી ભાજપ પ્રેરિત સમરસ પેનલનો દબદબો છે.,જે આજની ચૂંટણી બાદ પણ યથાવત્ રહેવા પામ્યો છે. ગુજરાત બાર કાઉન્સીલની આજની ચૂંટણીને પગલે ભાજપના વર્તુળમાં પણ ભારે ખુશીની લાગણી પ્રસરી ગઇ છે. તો ગુજરાત બાર કાઉન્સીલના ચૂંટાયેલા નવા પદાધિકારીઓ પર પણ શુભેચ્છા-અભિનંદનની જાણે વર્ષા થઇ રહી છે.
ભાજપ પ્રદેશ લીગલ સેલના કન્વીનર અને સમરસ ટીમના સંયોજક શ્રી જે.જે.પટેલની રણનીતિના કારણે છેલ્લા 23 વર્ષથી ભાજપ પ્રેરિત સમરસ પેનલનો દબદબો ગુજરાત બાર કાઉન્સીલમાં જળવાયેલો રહ્યો છે., જેને લઇ ભાજપના નેતાઓ, આગેવાનો અને વકીલઆલમ તરફથી ભાજપ પ્રદેશ લીગલ સેલના કન્વીનર અને સમરસ ટીમના સંયોજક શ્રી જે.જે.પટેલને શુભેચ્છા-અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ગુજરાત બાર કાઉન્સીલના નવા વાઇસ ચેરમેન કરણસિંહ બી.વાઘેલા
ગુજરાતના આશરે 80 હજારથી વધુ વકીલોની માતૃસંસ્થા એવી ગુજરાત બાર કાઉન્સીલમાં દર પાંચ વર્ષે ચૂંટણી યોજાતી હોય છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી વકીલઆલમ તરફથી 25 સભ્યોને ચૂંટી કાઢવામાં આવતા હોય છે. ત્યારબાદ આ 25 સભ્યો દ્વારા દર વર્ષે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતના પદાધિકારીઓની ચૂંટણી યોજાતી હોય છે.
ગુજરાત બાર કાઉન્સીલની આજરોજ યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન તરીકે મહેસાણાના સિનિયર ધારાશાસ્ત્રી શ્રી કિશોરકુમાર આર.ત્રિવેદી અને વાઇસ ચેરમેન તરીકે ગાંધીનગરના ધારાશાસ્ત્રી શ્રી કરણસિંહ બી.વાઘેલા બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. જયારે ગુજરાત બાર કાઉન્સીલની એકઝીકયુટીવ કમીટીના ચેરમેન તરીકે જામનગરના મનોજ એમ.અનડકટ, એનરોલમેન્ટ કમીટીના ચેરમેન તરીકે અમદાવાદના અનિલ સી.કેલ્લા, ફાયનાન્સ કમીટીના ચેરમેન તરીકે વડોદરાના શ્રી નલીન ડી.પટેલ, રૂલ્સ કમીટીના ચેરમેન તરીકે સુરતના શ્રી હિતેશ જે.પટેલ તથા જીએલએચ કમીટીના ચેરમેન તરીકે સુરતના શ્રી જીતેન્દ્ર બી.ગોળવાલાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ સિવાય ગુજરાત બાર કાઉન્સીલમાં અન્ય 18 શિસ્ત સમિતિઓની પણ રચના કરવામાં આવી છે.
દરમ્યાન ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન તરીકે કિશોર ત્રિવેદી અને વાઇસ ચેરમેન તરીકે કરણસિંહ વાઘેલાની નિયુકિત થતાં તેઓને રાજયના વકીલઆલમ તરફથી શુભેચ્છા-અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. બાર કાઉન્સીલની કચેરીમાં પણ આ નવા ચૂંટાયેલા પદાધિકારીઓનું ગુલાબના પુષ્પના હાર પહેરાવી તેમને શુભકામના અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. બાર કાઉન્સીલના નવા પદાધિકારીઓના નામો જાહેર થયા બાદ વકીલઆલમમાં પણ ખુશીની લાગણી પ્રસરી છે.
#bharatmirror #bharatmirror21 #news