વકીલ નિલેશ ડાફડા રાત્રે નિંદ્રાધીન હતા ત્યારે પત્ની કાજલે જ તેમનું ગળુ કાપી કમકમાટીભરી હત્યા કરી નાંખી
વકીલ નિલેશ ડાફડા દારૂ પીવાની ટેવ વાળો હતો અને દારૂ પીને અવારનવાર ઝઘડા કરતો હતો અને બહુ ત્રાસ આપતો હતો, તેથી તેને પતાવી દીધો – આરોપી પત્નીની ચોંકાવનારી કબૂલાત
અમદાવાદ,તા.7
જૂનાગઢ શહેરના મંગલધામ વિસ્તારમાં રહેતા વકીલ નિલેશ ડાફડાની તેના જ ઘરમાંથી ગળુ કપાયેલી હાલતમાં મળી આવેલી લાશના ચકચારભર્યા કેસમાં સ્થાનિક પોલીસની તપાસમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો કે, વકીલ નિલેશ ડાફડાની પત્ની કાજલે જ તેના પતિની છરી વડે ગળુ કાપી હત્યા કરી નાંખી હતી અને પાછળથી નિલેશે આત્મહત્યા કરી લીધી હોવાની વાત ફેલાવી હતી. પોલીસે હાલ તો આરોપી પત્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી પત્નીએ ખુલાસો કર્યો હતો કે, તેણીનો પતિ નિલેશ ડાફડા દારૂ પીવાની ટેવ વાળો હતો અને દારૂ પીને તેની સાથે અવારનવાર ઝઘડો કરી બહુ ત્રાસ આપતો હતો, તેથી તેણીએ તેને કંટાળીને પતાવી દીધો. આરોપી પત્નીની કબૂલાત સાંભળીને સ્થાનિક પોલીસ પણ ચોંકી ગઇ હતી. બીજીબાજુ, વકીલ પિતાની હત્યા અને માતાની ધરપકડ થતાં તેમના બંને સંતાનો નોધારા બન્યા છે.
ચકચારભર્યા આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢના મધુરમ નજીક આવેલા મંગલધામ વિસ્તારમાં રહેતા 38 વર્ષીય વકીલ નિલેષભાઇ દેવસીભાઇ દાફડાની ગઇકાલે સવારે તેના ઘરમાંથી ગળુ કાપેલી અને લોહી લોહાણ હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે સી-ડિવીઝન પોલીસને જાણ સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. જેમાં તપાસ કરતા તીક્ષ્ણ હથિયારથી વકીલનું ગળું કાપી હત્યા થયાનું જાણવા મળ્યું હતું. પોલીસે મૃતદેહને પીએમમાં ખસેડી તેના સગા-સંબંધીની પૂછપરછ કરી હતી. બાદમાં પોલીસને તપાસ કરતા વકીલની પત્ની કાજલ પર શંકા ગઇ હતી જેથી તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેમાં કાજલે કબૂલ કરી લીધુ હતુ કે, પતિ નિલેષ દારૂ પી અવાર નવાર માથાકુટ કરી હેરાન કરતા હતા. આ કારણથી ગત રાત્રે તેઓ ઉંઘી રહ્યા હતા તે સમયે છરીથી ગળુ કાપી હત્યા કરી હતી. કાજલની આ કબૂલાતથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસ સૂત્રો મુજબ, નિલેશની દારૂ પીને ઝઘડો કરવાની આદતથી પત્ની કાજલ કંટાળી ગઇ હતી. રવિવારની સાંજે નિલેશ ફરીથી દારૂ પીને પત્ની કાજલ સાથે ઝઘડો કરતો હતો. આ સહન ન થતા કાજલ તેના પતિને લઇને તેમના ઘરની નજીક રહેતા તેમના સાસરિયાના ઘરે જઇને આખી વાત જણાવી. જેથી સાસરિયાઓએ કહ્યું કે, કાજલ નિલેશના મિત્ર વિશાલને ફોન કરે, તેની જ વાત નિલેશ માને છે. એટલે કાજલે ઘરે જઇને વિશાલને ફોન કર્યો હતો. જો કે, વિશાલ અને નિલેશની થોડી વાત થયા પછી નિલેશે ઘણો જ દારૂ પીધેલો હતો એટલે તે સૂઇ ગયો. જેથી વિશાલ પણ જતો રહ્યો. પરંતુ પછી કાજલને ઊંઘ ન આવી. કાજલે નિલેશને મારી નાંખવાનું કાવતરું ઘડ્યું. કાજલે ચપ્પુ લઇને નિલેશનું ગળું કાપી નાંખ્યું. જે બાદ કાજલ આખી રાત ઘરે જ રહી અને સવારે તેણે પોતાના સાસરિયાના ઘરે જઇને કહ્યું કે, નિલેશે આત્મહત્યા કરી છે. જેથી તેની નણંદે પોલીસને આત્મહત્યાની જાણ કરી હતી.
દરમ્યાન જૂનાગઢ સી-ડિવીઝન એ.એસ.આઇ. જે.જે. ગઢવીએ જણાવ્યું હતુ કે, નિલેષની હત્યા તેના પત્ની કાજલે કર્યાનું ખુલ્યુ છે. તેઓએ આ અંગે કબૂલાત આપી છે. અન્ય કોઇની સંડોવણી છે કે કેમ, તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમના ઘરે સીસીટીવી કેમેરા હતા. પરંતુ તે બે-ત્રણ દિવસથી બંધ હતા. ઉલ્લેખનીય છે કે, નિલેષની હત્યા અને તેના આરોપી તરીકે તેના પત્નીનું નામ સામે આવતા તેના બે સંતાનો નોધારા બન્યા છે. બીજીબાજુ, આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે.
#bharatmirror #bharatmirror21 #news