તારીખ ૧લી ઓક્ટોબરથી ‘આઇ ખેડૂત પોર્ટલ’ ઉપર નોંધણી શરૂ કરાશે – કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ
ખેડૂતોને ધ્યાનમાં રાખી રાજયના કૃષિ મંત્રી દ્વારા કરાયેલી આ જાહેરાતને પગલે રાજયભરના લાખો ખેડૂતોમાં ભારે રાહત અને આશાની લાગણી હાલ તો પ્રસરી છે
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.27
ગુજરાતમાં આગામી લાભપાંચમથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે તેમ આજે વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું.
રાજ્યભરના ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે નોંધણીનો આગામી તારીખ 01 ઓક્ટોબર 2021થી પ્રારંભ કરવામાં આવશે. ખેડૂતોએ આ માટે ‘આઇ ખેડૂત પોર્ટલ’ ઉપર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે તેમ વધુ વિગતો આપતાં કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ પૂરક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાતમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૫,૨૭૫ અને વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૫,૫૫૦ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૯-૨૦માં ૫,૦૦,૫૪૬ મેટ્રિક ટન અને વર્ષ ૨૦૨૦-૨૧માં ૨,૦૨,૫૯૧ મે. ટન એમ છેલ્લાં બે વર્ષમાં કુલ ૭,૦૩,૧૩૭ મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને તેમના ઉત્પાદનના પુરતા ભાવ આપ્યા છે.
ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી બાદ તરત જ તેમની રકમ પણ ચુકવી દેવામાં આવે છે તેમ કૃષિમંત્રીશ્રીએ વધુ વિગતો આપતા ગૃહમાં જણાવ્યું હતું. ખેડૂતોને ધ્યાનમાં રાખી રાજયના કૃષિ મંત્રી દ્વારા કરાયેલી આ જાહેરાતને પગલે રાજયભરના લાખો ખેડૂતોમાં ભારે રાહત અને આશાની લાગણી હાલ તો પ્રસરી છે.
#bharatmirror #bharatmirror21 #news