ઘાટલોડિયાના સ્થાનિક રહીશો, ભાજપના હજારો કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી, ગરબે ઘૂમી ભૂપેન્દ્ર પટેલની નિયુકિતને વધાવી જોરદાર ઉજવણી કરી
ઘાટલોડિયામાં દિવાળી પહેલાં જ દિવાળીની ઉજવણી થઇ, નવરાત્રિ જેવા દ્રશ્યો સર્જાયા – ભૂપેન્દ્ર પટેલ પર સ્થાનિકો ઉપરાંત રાજયભરમાંથી શુભેચ્છા-અભિનંદનની વર્ષા
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.12
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્ર પટેલની નિયુકિત થતાં તેમના મત વિસ્તાર અને તેમના નિવાસસ્થાનના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં તો આજે જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ગુજરાતના નવા સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થતાંની સાથે જ ઘાટલોડિયામાં તો તેમના પરિવારજનો અને સ્થાનિક રહીશો તો ખુશીના માર્યા ઉછળી પડયા હતા અને ભારે હર્ષોલ્લાસ સાથે ઝુમી ઉઠયા હતા. ઘાટલોડિયાના સ્થાનિક રહીશો, ભાજપના હજારો કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી, ગરબે ઘૂમી ભૂપેન્દ્ર પટેલની નિયુકિતને વધાવી જોરદાર ઉજવણી કરી હતી તો, આજે ઘાટલોડિયામાં દિવાળી પહેલાં જ દિવાળીની ઉજવણી થઇ ગઇ હતી અને નવરાત્રિ જેવા દ્રશ્યો સર્જાયા હતા. બીજીબાજુ, ભૂપેન્દ્ર પટેલ પર સ્થાનિકો ઉપરાંત રાજયભરમાંથી શુભેચ્છા-અભિનંદનની વર્ષા સતત જારી રહી હતી.
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહેલીવાર ઘાટલોડિયા બેઠકથી ચૂંટણી લડયા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકોના પરિણામમાં સૌથી વધુ 1.17 લાખની લીડ સાથે ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટાયા હતા. 2012માં આ બેઠક પહેલીવાર બની હતી જેમાં પહેલીવાર આ બેઠકથી આનંદીબેન પટેલ લડ્યા હતા પછી આ બેઠક ઉપર આનંદીબહેન પટેલ પોતાના સૌથી નજીક હોઇ ભુપેન્દ્ર પટેલને લડાવ્યા હતા જ્યાં તેઓ સૌથી વધુ લીડથી જીત્યા હતા. આજે પણ ભૂપેન્દ્ર પટેલે સીએમ તરીકે નિયુકત થયા બાદ પણ આનંદીબહેનને ફરી એકવાર યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે, તેમના આશીર્વાદ સદાય તેમની સાથે છે અને રહેશે.
દરમ્યાન આજે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઇ પટેલ રાજયના નવા સીએમ તરીકે નિયુકત થતાં ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારના નાગરિકો, સ્થાનિક રહીશો અને ભૂપેન્દ્રભાઇના પરિવારજનોનો તો ખુશીનો કોઇ પાર જાણે રહ્યો ન હતો. તમામ લોકો એકદમ ખુશ અને આનંદિત જણાતા હતા. તેમના ઘાટલોડિયા મત વિસ્તારના ધારાસભ્ય સીએમ તરીકે નિયુકત થતાં લોકોમાં એક પ્રકારની અનોખી ખુશી અને ગૌરવની લાગણી સામે આવી હતી. ભૂપેન્દ્રભાઇના પત્ની અને પુત્રએ કેન્દ્રીય નેતૃત્વના આજના નિર્ણયને વધાવ્યો હતો અને શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો હતો.
બીજીબાજુ, ઘાટલોડિયા વિસ્તારમાં તો આજે ભૂપેન્દ્ર પટેલની સીએમ તરીકે નિયુકિતને લઇને દિવાળી અને નવરાત્રિ પહેલાં જ જાણે નવરાત્રિ-દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. લોકો ઘરોની બહાર નીકળીને ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા તો ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓ અને આગેવાનોએ ફટાકડા ફોડી, સૂત્રોચ્ચાર કરી જોરદાર રીતે વાતાવરણ ગજવી મૂક્યુ હતું અને ભૂપેન્દ્રભાઇની સીએમ તરીકેની નિયુકિતને વધાવી લઇ જોરદાર ઉજવણી કરી હતી. દરમ્યાન નવનિયુકત સીએમ ભૂપેન્દ્ર પટેલ પર તેમના ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તાર તેમ જ આસપાસના મતવિસ્તારો ઉપરાંત, રાજયભરના જિલ્લા-તાલુકા મથકોએથી ભાજપના નાનામાં નાના કાર્યકરથી માંડી આગેવાનો, નેતાઓ અને દિગ્ગજો તરફથી શુભેચ્છા-અભિનંદનની વર્ષા સતત જારી રહી હતી. ધોળકા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મેરૂભાઇ ભરવાડ, નવા વાડજ વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર ભાવનાબહેન વાઘેલા, ઘાટલોડિયા શકિત કેન્દ્રના પ્રમુખ અને નવા વાડજ વોર્ડના બક્ષીપંચ મોરચાના મહામંત્રીશ્રી હસમુખભાઇ વાઘેલા, ભાજપના સ્થાનિક આગેવાન રમેશભાઇ ગીડવાણી સહિતના અનેક નેતાઓ અને આગેવાનોએ નવનિયુકત સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલને ખૂબ ખૂબ શુભેચ્છા-અભિનંદન પાઠવ્યા હતા.
દરમ્યાન ધોળકા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મેરૂભાઇ ભરવાડ અને ઘાટલોડિયા શકિત કેન્દ્રના પ્રમુખશ્રી હસમુખભાઇ વાઘેલાએ જણાવ્યું કે, ભૂપેન્દ્રભાઇ એટલે એકદમ સરળ, સહજ અને સૌમ્ય વ્યકિતત્વ. કોરોના કાળ કે પ્રજાના પ્રાણપ્રશ્નો..ભૂપેન્દ્રભાઇ હંમેશા લોકોના કામો માટે આગળ પડતા રહી દોડતા આવ્યા છે. હોદ્દા કે પ્રતિષ્ઠાનો કોઇ દંભ કે આડંબર તેમનામાં નથી અને તેમના આ સરળ અને સહજ વ્યકિતત્વના કારણે જ તેઓ લોકપ્રિય નેતા બની રહ્યા છે. કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તેમની રાજયના નવા મુખ્યમંત્રી તરીકે નિયુકિત કરવાના નિર્ણયને અમે ભાજપના સૌકોઇ કાર્યકર્તાઓ અને તેમના મતવિસ્તારના સ્થાનિકો હ્રદયપૂર્વક વધાવીએ છીએ અને તેમને ખૂબ-ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવીએ છીએ.
#bharatmirror #bharatmirror21 #news