અરવલ્લી જિલ્લાના શામળાજીના ગોઢકુલ્લા ગામ ખાતે તા.28 ઓગસ્ટના રોજ થયેલા હેન્ડગ્રેનેડ બ્લાસ્ટમાં રમેશ ફણેજા અને એક બાળકીનું મોત થયુ હતુ
મૃતક રમેશ ફણેજાના ભાઇ કાંતિભાઇએ પણ આત્મહત્યા કરી લેતાં પરિવારે પોલીસ પર માનસિક દબાણના આક્ષેપ લગાવ્યા
જો કે, પોલીસ તપાસમાં મરનાર રમેશ ફણેજાએ છ મહિનાથી હેન્ડગ્રેનેડ ઘરમાં છુપાવી રાખ્યો હતો અને હેન્ડગ્રેનેડ કમરમાં લટકાવી ફોટા પણ પાડયા હોવાના ચોંકાવનારા ખુલાસા સામે આવતાં હવે મૃતકની પ્રવૃત્તિઓ પણ શંકાના ઘેરામાં
અરવલ્લી, તા.૩
અરવલ્લીના ગોઢકુલ્લા ગામ ખાતે હેન્ડ ગ્રેન્ડ બ્લાસ્ટ કેસની તપાસ ચાલી રહી છે ત્યારે આ કેસમાં વધુ એક મહત્વનો વળાંક આવ્યો છે. હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટમાં મોતને ભેટનાર રમેશ ફણેજા નામના યુવકના નાનાભાઈ કાંતિભાઇ ફલેજાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી જવા પામી છે. મૃતકને નાનાભાઈએ ગઢકુલ્લા ગામ ખાતે જ ઝાડ સાથે લટકીને ગળેફાંસો ખાઈ લીધો છે. બીજીબાજુ, પરિવારે પોલીસ પર આક્ષેપ લગાવ્યો છે કે, 29 વર્ષીય કાંતિભાઈ ફણેજાએ પોલીસ તરફથી સતત કરવામાં આવતા દબાણથી કંટાળીને આપઘાત કર્યો છે. હેન્ડ ગ્રેન્ડ બ્લાસ્ટમાં બે લોકોનાં મોત થયા હતા. હવે મૃતકના ભાઈએ આપઘાત કરી લેતા પરિવાર માથે જાણે કે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો કે,બીજી એક ચર્ચા પણ એવી પણ ચાલી રહી છે કે, શકય છે કે, મરનારના ભાઇને આ પ્રકરણમાં ઘણી મહત્વની ચોંકાવનારી અને અગત્યની વિગતોની જાણકારી હોય અને પોલીસમાં તેનો પર્દાફાશ ના થાય તેના ડરથી આત્મહત્યા કરી હોઇ શકે., તેથી પોલીસે હવે તમામ પાસાઓને ધ્યાનમાં લઇ આ સમગ્ર કેસની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર આ કેસની વિગત એવી છે કે, અરવલ્લી જિલ્લાના શામળાજીના ગોઢકુલ્લા ગામ ખાતે તા.28 ઓગસ્ટના રોજ ભેદી ધડાકો થયો હતો. આ ધડાકામાં એક યુવક અને બાળકીનું મોત થયું હતું. તપાસ બાદ આ ધડાકો હેન્ડ ગ્રેનેડથી થયો હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે મૃતક યુવકને હેન્ડ ગ્રેનેડ છ મહિના પહેલા એક તળાવમાંથી મળી આવ્યો હતો. જેને તેણે પોતાના ઘરમાં રાખી મૂક્યો હતો. ગોઢકુલ્લા ખાતે થયેલા ભેદી બ્લાસ્ટમાં ઘરના મોભી એવા 32 વર્ષનાં રમેશભાઈ લાલજીભાઈ ફણેજાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બ્લાસ્ટનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના બે કિલોમીટર વિસ્તારમાં સંભળાયો હતો. જેના પગલે આસપાસના વિસ્તારોમાં ડરનો માહોલ છવાયો હતો. દરમ્યાન હેન્ડ ગ્રેનેડમાં બ્લાસ્ટ થયો ત્યારે સ્થળ પર હાજર એકમાત્ર મૃતકના પત્નીનું કહેવું છે કે, તેમના ઘર આગળ હેન્ડ ગ્રેનેડ પડ્યો હતો. ગ્રેનેડની અંદર શું છે તે જોવા જતા બ્લાસ્ટ થયાનો દાવો મૃતકની પત્નીએ કર્યો છે.
મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે, એ દિવસે હું અને મારી દીકરી અહીં હતા. હું છોકરીને લઈને બાજુમાં ઊભી હતી. બે મહિના પહેલા એ (હેન્ડ ગ્રેનેડ) પડ્યો હતો. એ ફોટો પાડીને લાવ્યા હતા. એ રક્ષાબંધનમાં ઘરે આવ્યા હતા. સાણસી લઈને મંડી પડેલા કે અંદરથી શું નીકળે છે. એવું જોવા ગયા ત્યારે હેન્ડ ગ્રેનેડ ફૂટી ગયો હતો.
અરવલ્લીના ગોઢકુલ્લા ગામે ખાતે હેન્ડ ગ્રેનેડમાં બ્લાસ્ટ થયાના ખુલાસા બાદ યાત્રાધામ શામળાજીની સુરક્ષામાં વધારો કરવામાં આવશે. અરવલ્લી એસ.પી. તરફથી મંદિરની સુરક્ષા માટે એસ.આર.પી.ની એક ટુકડીની માંગણી કરવામાં આવી છે. બીજી તરફ હેન્ડ ગ્રેનેડ જે તળાવમાંથી મળી આવ્યો હતો ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. એવી પણ વિગતો સામે આવી રહી છે કે યુવકે હેન્ડ ગ્રેનેડને પોતાની કમર સાથે બાંધીને ફોટોગ્રાફી પણ કરી હતી. આ અંગેની તસવીરો પણ સામે આવી છે. જે બાદમાં યુવકે નાના બાળકો વચ્ચે છેલ્લા છ મહિનાથી આ હેન્ડ ગ્રેનેડને પોતાના ઘરમાં રાખી મૂક્યો હતો. જે બાદમાં 28 ઓગસ્ટના રોજ યુવકે સાણસી વડે હેન્ડ ગ્રેનેડની પીન કાઢી હતી, જેનાથી જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં યુવક એક બાળકીનું મોત થયું હતું. આ હકીકતો સામે આવતાં મરનારની પત્ની દ્વારા કરાયેલા દાવા અને નિવેદન પણ ખોટા જાણે સાબિત થઇ રહ્યા છે તેથી પોલીસે આ સમગ્ર કેસમાં હવે જબરદસ્ત ગાળિયો કસીને તપાસ શરૂ કરી છે, જેના કારણે એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવવાની પૂરી શકયતા છે.
#bharatmirror #bharatmirror21 #news