રાજય સરકાર દ્વારા તા.૧ લી જુલાઇથી મોંઘવારી ભથ્થામાં ૧૧ % નો વધારો કરી ૨૮ % ના ધોરણે મોંઘવારી ભથ્થુ ચુકવવાનો નિર્ણય
રાજ્ય સરકારના અધિકારી/કર્મચારી/પેન્શનરોના હિતલક્ષી નિર્ણયની જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાથે પરામર્શ કરી કરવામાં આવ્યો નિર્ણય
સપ્ટેમ્બર માસથી મોંઘવારી ભથ્થુ સપ્ટેમ્બર માસના પગાર સાથે ચુકવવામાં આવશે
જુલાઇ માસથી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના એરીયર્સની રકમ ઓક્ટોબર માસના પગાર સાથે અને ઓગસ્ટ માસના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના એરીયર્સની રકમ જાન્યુઆરી-૨૦૨૨ ના પગાર સાથે ચુકવાશે
રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મળી અંદાજે કુલ ૯,૬૧,૬૩૮ કર્મચારીઓને લાભ : આ નિર્ણયનો અમલ ૧ જુલાઇ ૨૦૨૧ થી કરવામાં આવશે
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.6
રાજય સરકાર તરફથી આજે સરકારી કર્મચારીઓ માટે ખુશીની સમાચારની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ, રાજય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો નોંધપાત્ર વધારો કર્યો છે એટલે હવે સરકારી કર્મચારીઓને 28 ટકા પ્રમાણે મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે. રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાથે પરામર્શ કરી લેવાયેલા નિર્ણય અંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે આ મહત્વની જાહેરાત કરતાં રાજય સરકારના લાખો કર્મચારીઓમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, ભારત સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ જાહેરાત પ્રમાણે કેન્દ્ર સરકારના કર્મચારી અધિકારીઓ અને પેન્શનરોને અત્યાર સુધી ૧૭ % મોંઘવારી ભથ્થુ આપવામાં આવતું હતું. જેમાં ૧ લી જુલાઇ થી ૧૧ % નો વધારો કરી ૨૮ % ના ધોરણે મોંઘવારી ભથ્થુ ચુકવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકાર હંમેશા પ્રણાલિકાગત રીતે મોંઘવારી ભથ્થાની બાબતમાં ભારત સરકાર જે ધોરણે તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ આપે છે તેને અનુસરે છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, મોંઘવારી ભથ્થાના આ વધારાનો અમલ સપ્ટેમ્બર માસના પગાર સાથે ચુકવવામાં આવશે. જ્યારે જુલાઇ માસથી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના એરીયર્સની રકમનું ચુકવણું ઓક્ટોબર માસના પગાર સાથે કરવામાં આવશે અને ઓગસ્ટ માસના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના એરીયર્સની રકમનું ચુકવણું જાન્યુઆરી-૨૦૨૨ ના પગાર સાથે કરવામાં આવશે.
આ નિર્ણયના કારણે રાજ્ય સરકારને દર મહિને અંદાજે રૂ.૩૭૮ કરોડનો નાણાકીય બોજો આવશે. આ નિર્ણયનો લાભ અંદાજે કુલ-૯,૬૧,૬૩૮ જેમાં રાજ્ય સરકારના ૫,૧૧,૧૨૯ જેટલા અધિકારી/ કર્મચારીઓ/પંચાયતના કર્મચારીઓ અને ૪,૫૦,૫૦૯ જેટલા પેન્શનરોને મોંઘાવારી ભથ્થાના વધારાનો લાભ મળશે. રાજય સરકારના અધિકારી/કર્મચારી/પેન્શનરોના હિતલક્ષી નિર્ણયની ઉપરોકત જાહેરાતને પગલે સરકારના લાખો કર્મચારીઓમાં દિવાળી પહેલાં જ ખુશીની લાગણી પ્રસરી ગઇ છે.
#bharatmirror #bharatmirror21 #news