મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સૌજન્ય મુલાકાતે જ્યોર્જિયાના રાજદૂત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને જ્યોર્જિયાની મુલાકાત માટે ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યુ
શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જ્યોર્જિયાને આગામી વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવા ઇંજન આપ્યુ
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.24
જ્યોર્જિયાના ભારત સ્થિત રાજદૂત (એમ્બેસેડર) શ્રીયુત આર્ચિલ ઝુલીઆશ્વિસીએ ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની મુખ્યમંત્રી કાર્યાલયમાં સૌજ્ન્ય મુલાકાત લીધી હતી. જ્યોર્જિયાના એમ્બેસેડરે ગુજરાત સાથે ખાસ કરીને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ, પોર્ટસ, ફાર્માસ્યુટિકલ સેકટરમાં સહભાગીતા માટે ઉત્સુકતા દર્શાવી હતી. તેમણે જ્યોર્જિયા-ભારત-ગુજરાતના પુરાતન ઐતિહાસિક સંબંધોની સ્મૃતિ પણ આ વેળાએ તાજી કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જ્યોર્જિયાની આ ઉત્સુકતાને આવકારતાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતના મંત્ર સાથે આજે દેશ વિકાસ રાહે તેજ ગતિએ આગળ ધપી રહ્યો છે.
જ્યોર્જિયાના ઊદ્યોગો-કંપનીઓ આમાં સહભાગી થવા ગુજરાતમાં પોતાના એકમો શરૂ કરે તો ગુજરાત તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં ચર્ચા વિમર્શ દરમ્યાન એમ પણ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ભારતે કોવિડ મહામારીમાં વિશ્વના દેશોની પડખે ઊભા રહેવાનું દાયિત્વ પણ નિભાવ્યું છે. આ સંદર્ભમાં તેમણે ભારતે જ્યોર્જિયાને એન્ટીજન્ટ ટેસ્ટ કિટ, વેકસીનની કરેલી મદદનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે આગામી વાયબ્રન્ટ સમિટમાં જ્યોર્જિયાનું ડેલીગેશન ભાગ લેવા આવે તે માટે ઇંજન આપ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિશ્વભરના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે તેની ભૂમિકા આપતાં જ્યોર્જિયાના રાજદૂતને પણ આ પ્રવાસ ધામની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો. જ્યોર્જિયાના એમ્બેસેડર શ્રીયુત આર્ચિલ ઝૂલીઆશ્વિસે ગુજરાતની તેમની મુલાકાત યાદગાર બની રહી છે તેનો આનંદ વ્યકત કર્યો હતો.
તેમણે ગુજરાતે ઇન્ડસ્ટ્રીયલ હબ, મેન્યૂફેકચરીંગ હબ તરીકે નયા ભારત નિર્માણમાં જે પ્રદાન કર્યુ છે તેની સરાહના કરતાં ગુજરાત-જ્યોર્જિયાના વેપારીક, વાણિજ્યીક, ઔદ્યોગિક સંબંધોને વધુ ઉચ્ચસ્તરે લઇ જવાની નેમ દર્શાવી હતી. શ્રીયુત આર્ચિલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને જ્યોર્જિયાની મુલાકાતે આવવા પણ નિમંત્રણ પાઠવ્યું હતું. આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ઊદ્યોગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, ઊદ્યોગ કમિશનરશ્રી તેમજ ઇન્ડેક્ષ-બી ના મેનેજિંગ ડિરેકટર પણ જોડાયા હતા.
#bharatmirror #bharatmirror21 #news