શહેર સહિત રાજ્યભરમાં ગણેશ ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિનો માહોલ – જો કે, કોવીડ ગાઇડલાઇન્સ મુજબ, ચાર ફુટની જ ગણેશ મૂર્તિઓ માટે મંજૂરી અપાયેલી હોઇ ભકતોમાં નાની મૂર્તિઓને લઇને પણ એટલી જ શ્રધ્ધા જોવા મળી રહી છે
શુક્રવારે સવારે અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં વિશાળ પંડાલ સામૈયામાં દાદાનું વિધિવત સ્થાપન કરાશે, દાદાની આકર્ષક મૂર્તિઓ ખરીદવા ભક્તોની ભારે ભીડ
અમદાવાદ શહેરમાં પણ શ્રધ્ધાળુ ગણેશભકતો દ્વારા પોતપોતાના ઘરોમાં બેથી ચાર ફુટની દાદાની આકર્ષક અને મનમોહક મૂર્તિઓનું સ્થાપન કરી દાદાની પૂજા-ભકિતનું આયોજન
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ, 9
વિઘ્નહર્તા દેવ ગણપતિ દાદાના ગણેશ મહોત્સવનો આવતીકાલે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જામનગર સહિત રાજયભરમાં ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આજે મોડી રાત સુધી ગણપતિદાદાની અવનવી આકર્ષક અને મનોહર મૂર્તિઓ ખરીદવા ગણેશ ભક્તોએ ભારે પડાપડી કરી હતી. આવતીકાલે તારીખ 10 સપ્ટેમ્બરે શુક્રવારે સવારે શુભ મુહૂર્તમાં વિધિવત રીતે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં દાદાના ઊભા કરાયેલા વિશાળ મંડપ, પંડાલ, શામિયાણામાં જાતજાતની અને ભાતભાતની આકર્ષક મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવશે. દસ દિવસ ચાલતા ગણેશ મહોત્સવ બાદ અનંત ચતુર્દશીએ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. શંકર-પાર્વતીના પુત્ર ગણેશ ભગવાન એ બુદ્ધિ ધન વૈભવ અને સૌભાગ્યના અધિપતિ દેવતા કહેવાય છે અને સર્વ દેવોમાં તેમની સૌથી પહેલી પૂજા થાય છે ત્યારે ગણેશ મહોત્સવને લઈને શહેર સહિત રાજ્યભરના ગણેશ ભકતોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. જો કે, આ વર્ષે કોવીડ ગાઇડલાઇન્સને લઇને ચાર ફુટની જ ગણેશમૂર્તિની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે પરંતુ તેમછતાં શ્રધ્ધાળુ ભકતોમાં નાની મૂર્તિઓને લઇને પણ એટલી જ શ્રધ્ધા અને ભકિત જોવા મળી રહ્યા છે.
કોરોના મહામારીના કારણે આ વર્ષે મોટાભાગના લોકોએ પોતપોતાના ઘરોમાં ગણપતિ દાદાની બે ફુટથી લઇ ચાર ફુટ સુધીની જુદી જુદી આકર્ષક અને મનમોહક મૂર્તિઓ પધરાવી દાદાની ભકિત કરવાનું આયોજન પણ કર્યું છે. અમદાવાદ શહેરમાં પણ લોકોએ પોતાના ઘરોમાં યથાશકિત દિવસ સુધી દાદાની સેવા-પૂજા, આરતી અને પ્રસાદનું આયોજન કર્યું છે, જેને લઇ દાદાની ભકિતનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે.
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં નિર્માણ ટાવર પાસે અક્ષય એપાર્ટમેન્ટ ખાતે રહેતા ગણેશભકત મૌલિક ભરતભાઇ શાહ અને તેમના પત્ની કવિતા શાહે જણાવ્યું કે, ગણેશ મહોત્સવને લઇ અમે બહુ ઉત્સાહિત છીએ. ખાસ તો અમારી પુત્રી આશ્ના ગણેશ મહોત્સવની ઉજવણીને લઇને વધુ ઉત્સાહિત છે. અમારા માતૃશ્રી મધુબહેન શાહ અમારા બ્લોકમાં દર વર્ષે ગણપતિ દાદાની મૂર્તિઓ લાવી સ્થાપન કરી પૂજા-ભકિતનો માહોલ બનાવતા હતા, પાંચ વર્ષ પહેલા તેમના થયેલા નિધન બાદ અમને ફરી એકવાર દાદાના સ્થાપનનો વિચાર આવ્યો અને તેને આ વખતે અમે મૂર્તિમંત કર્યો છે. અમે ગણપતિ દાદાની દગડુ શેઠ સ્વરૂપની બે ફુટની મૂર્તિ લાવ્યા છીએ અને સાત દિવસ સુધી અમે દાદાની પૂજા, ભકિત, આરતી ઉતારી અન્ય ભકતોને પ્રસાદ વહેંચી દાદાના મહોત્સવની ઉજવણી કરીશું. ખાસ તો, અમે કોવીડ ગાઇડલાઇન્સનું પાલન થાય તેની ખાસ શ્રધ્ધાળુઓને પણ તાકીદ કરી રહ્યા છીએ. દાદાની અમારે એક પ્રાર્થના છે કે, અમદાવાદ, ગુજરાત સહિત માત્ર ભારત જ નહી પરંતુ દુનિયાભરમાંથી કોરોના મહામારીનો નાશ થાય અને દાદા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ અર્પે.
ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થીના દિવસથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થાય છે. ગણેશ મહોત્સવને લઈને અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા યુવક મંડળ દ્વારા સેંકડોની સંખ્યામાં દુંદાળાદેવ ગણપતિજીનું વાજતે ગાજતે ફટાકડાની આતશબાજી અને અબીલ ગુલાલની છોળો વચ્ચે શાહી સવારી કાઢી પોતપોતાના વિસ્તારોમાં પંડાલ, શામિયાણામાં વિવિધ સ્વરૂપોની આકર્ષક મૂર્તિઓનું વિધિવત રીતે સ્થાપન કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં આ વખતે કોરોના કારણે કારણે દર વર્ષની સરખામણીમાં ઓછા સ્થળોએ ગણપતિદાદાની મૂર્તિઓનું સ્થાપન થવાનો અંદાજ છે. જો કે, ગણેશ ભકતોમાં દાદાની ભક્તિને લઈને ઉત્સાહ અને પ્રેમ દર વર્ષ જેવો જ છવાયેલો જોવા મળી રહ્યો છે. દાદાના વિશાળ, ભવ્ય અને આકર્ષક પણ પંડાલ, શામિયાણાં તૈયાર કરી દેવાયા છે પાછલા કેટલાક વર્ષોથી મુંબઈની જેમ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સહિતના શહેરોમાં પણ ગણેશ મહોત્સવનું લોકોમાં ખાસ કરીને ગણેશ ભકતોમાં ખૂબ વધતો જાય છે. દાદા પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા વધવાની સાથે સાથે શહેર સહિત રાજ્યભરમાં દાદાના પંડાલ અને ગણેશ સ્થાપનાની સંખ્યામાં પણ નોંધપાત્ર રીતે વધારો થયો છે.
શહેરના ગુલબાઇ ટેકરા બાપુનગર સહિતના જુદા જુદા વિસ્તારોમાંથી ગણેશભક્તોએ દાદાની મૂર્તિઓ ખરીદી હતી. આ વખતે માત્ર ચાર ફુટની મૂર્તિની મંજૂરી હોવાથી મોટી ટ્રકો માર્ગો પર જોવા મળી ન હતી., ગણેશભકતો નાના વાહનમાં જ દાદાની ચાર ફુટની મૂર્તિ લઇને જતા જોવા મળ્યા હતા. વિઘ્નહર્તા દેવની અવનવી આકર્ષક અને મનમોહક મૂર્તિઓ પોતાના પંડાલમાં સ્થાપન માટે લાવવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. આવતીકાલે સવારે દાદાની મૂર્તિઓનું વિધિવત રીતે પંડાલ, શામિયાણામાં સ્થાપન કરાશે. શહેરના વસંત ચોક વિસ્તારમાં યુવક મંડળ દ્વારા અનોખા ગણપતિ દાદાનું આકર્ષણ ઉભુ કરાશે તો ગુરુકુળ રોડ પર મુંબઈના દગડુશેઠના સ્વરૂપમાં ગુરુકુળના મહારાજા તરીકે દાદાને બિરાજમાન કરાશે. આ જ પ્રકારે નવા વાડજમાં ભીમજીપુરા ચાર રસ્તા પાસે, મેમનગરમાં તરૂણનગર પાસે, શાહપુર હલીમની ખડકી પાસે સદા શિવ મંદિર પાસે, સેટેલાઈટ, વસ્ત્રાપુર, નવરંગપુરા, મણીનગર, પાલડી, વાસણા, વેજલપુર, જોધપુર, સરસપુર, નરોડા, કુબેરનગર, બાપુનગર, મેઘાણીનગર, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં દાદાના અવનવા અને આકર્ષક સ્વરૂપો સાથેની મૂર્તિઓનું સ્થાપન કરાશે.
દસ દિવસ સુધી ગણપતિદાદાનું ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે પૂજન કરી દાદાનો મહોત્સવ રંગેચંગે મનાવાશે અને છેલ્લે અનંત ચતુર્દશીના દિવસે દાદાની મૂર્તિઓનું ગણપતિ બાપા મોરિયા પુઢચ્યા વર્ષી લવકર યા એટલે કે દાદા આવતા વર્ષે પણ તમે વહેલા પધારજો ના નારા સાથે વિસર્જન કરાશે. રાત્રિના સમયે પણ શ્રદ્ધાળુ ભક્તો અને નગરજનો દર્શન કરી શકે તે હેતુથી પંડાલ, શામિયાણાં ઝળહળતી લાઈટો અને રંગબેરંગી રોશનીથી અને સુશોભિત કરાયા છે. ગણેશ મહોત્સવને લઇ અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ગણેશ ભકતોમાં દાદાની ભક્તિનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે.
#bharatmirror #bharatmirror21 #news