મધ્ય ગુજરાતમાં મેઘરાજા મહેરબાન, મોટાભાગના પંથકો અને વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ – જાંબુઘોડામાં ચાર કલાકમાં સાડા પાંચથી છ ઇંચ મેઘો ખાબકતાં સર્વત્ર પાણી જ પાણી
ભારે વરસાદના પગલે યાત્રાધામ પાવાગઢ મંદિરના પગથિયાં પર ધોધ વહેતા થયા – ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોમાં પણ મેઘમહેર ચાલુ રહી
હજુ આગામી ચારથી પાંચ દિવસ સુધી રાજયમાં સારા વરસાદની હવામાન વિભાગની આગાહી – એનડીઆરએફની જુદી જુદી ટીમો એલર્ટ અને સ્ટેન્ડ બાય રાખવામાં આવી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.22
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આજે પણ મેઘરાજાની મહેર ચાલુ રહી હતી. ખાસ કરીને આજે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને પંથકોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. તો, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં પણ આજે મેઘમહેર જોવા મળી હતી. પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, બોડેલી, જાંબુઘોડા સાબરકાંઠા, લીમખેડા સહિતના વિસ્તારોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં છોટા ઉદેપુરના બોડેલી અને પંચમહાલના જાંબુઘોડામાં તો આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બોડેલીમાં સાડા પાંચ ઇંચ અને જાંબુઘોડામાં છ ઇંચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
છોટા ઉદેપુરના બોડેલીના ઢોકલિયા વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે. લોકોનાં ઘરોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે. જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જેના કારણે અહીં જનજીવન ખોરવાઈ ગયું છે. પંચમહાલ જીલ્લામાં વહેલી સવારથી મેઘમહેર યથાવત છે. પંચમહાલ જીલ્લાના ગોધરા, કાલોલ, હાલોલ, જાંબુઘોડા, ઘોઘમ્બા સહિત યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભારે વરસાદના પગલે યાત્રાધામ પાવાગઢ મંદિરના પગથિયાં પર ધોધ વહેતા થયાં. તો બીજી તરફ હાલોલના હવેલી મંદિર શાક માર્કેટમાં વરસાદી પાણી ભરાયા હતા.
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. જાંબુઘોડામાં 4 કલાકમાં 5.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. નારુંકોટ, ઝંડ હનુમાન, હાથણી માતા વિસ્તારોમાં પાણીનો ધસમસતો પ્રવાસ જોવા મળ્યો છે. હજુ પણ હવામાન વિભાગે આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, આણંદમાં ભારે વરસાદ ખાબકવાની શકયતા છે. તો, વડોદરા જિલ્લામાં ઢાઢર નદી ઓવરફ્લો થતાં ડભોઇના કેટલાક ગામો પાણી-પાણી થઇ ગયા છે. ડભોઇમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં દંગીવાડા જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયાં છે. દંગીવાડા, નારણપુરા, બંબોજ, વિરપુરા, મગનપુરા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. હાલ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઢાઢર નદી ગાંડીતૂર બની છે.
તો રાજકોટનો ભાદર-1 ડેમ 90 ટકા ભરાઇ જતાં પીવાના પાણીની ચિંતા દૂર થઇ છે. તો, ભાદર ડેમ ભરાવાના કારણે આસપાસના 22 ગામોને પણ એલર્ટ કરાયા છે. ભાવનગરમાં પણ શેત્રુંજી ડેમ ઓવરફલો થતાં રાત્રે ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા હતા. હજુ પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે અહીં એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય રખાઇ છે.
સપ્ટેમ્બર માસમાં સારા વરસાદના કારણે ગુજરાતમાં વરસાદની ઘટ છે તે કવર થઈ ગઈ અને ગુજરાત વરસાદની સ્થિતિ સામાન્ય થઈ છે. હવે ગુજરાતમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની ચિંતા દૂર થઈ છે. ગુજરાતમાં ચાલુ વર્ષે જૂલાઇ-ઓગસ્ટ મહિનામાં 43.14 ટકા વરસાદ નોંધાતા ખેડૂતો, સામાન્ય પ્રજાજનો સહિત ખુદ સરકારી તંત્રની પણ વરસાદની ઘટને લઇ ચિંતા વધી હતી પરંતુ સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાએ પોતાની કૃપા વરસાવી અને ચાલુ સપ્ટેમ્બર માસમાં 79 ટકાથી વધુ વરસાદ નોંધાતા રાજયમાં વરસાદની ઘટ હવે રહી નથી. હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ પણ આગામી ચારથી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
બીજીબાજુ, જે વિસ્તારોમાં આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહશે. તેમા પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુરના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દિવમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તા.24 સપ્ટેમ્બરના આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 25 સપ્ટેમ્બરના વડોદરા,છોટા ઉદેપુર,સુરત,ડાંગ,નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇ સંભવિત વિસ્તારોમાં સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની જુદી જુદી ટીમો એલર્ટ અને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
#bharatmirror #bharatmirror21 #news