રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ પત્ર પાઠવી ઉગ્ર માંગણી કરી
સ્કૂલ ઓફ એક્સેલન્સના નામે રાજય સરકાર મફત અને ફરજિયાત શિક્ષણ મૂળભૂત અધિકાર (RTE) નો છેદ ઉડાવીને ગરીબ – મધ્યમવર્ગના પરિવારોનો શિક્ષણનો અધિકાર છીનવી લેવા જઈ રહી છે
રાજ્યમાં સરકારી શાળામાં શિક્ષકોની મોટાપાયે ખાલી જગ્યા પર તાત્કાલીક ભરતી પણ સરકાર હસ્તક કરવામાં આવે – ડો.મનીષ દોશી
અમદાવાદ,તા.7
સ્કૂલ ઓફ એક્સેલન્સના નામે રાજય સરકાર મફત અને ફરજિયાત શિક્ષણ મૂળભૂત અધિકાર (RTE) નો છેદ ઉડાવીને ગરીબ – મધ્યમવર્ગના પરિવારોનો શિક્ષણનો અધિકાર છીનવી લેવા જઈ રહી છે તેવા ગંભીર આક્ષેપ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી સ્કૂલ ઓફ એક્સેલન્સ અને PPP મોડલ ના નામે શિક્ષણના ખાનગીકરણને તાત્કાલિક રોકવા ઉગ્ર માંગણી કરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા ૪૦ કરતા વધુ બિનશૈક્ષણિક કામ કરવાની ફરજ પડી રહી છે. જેના કારણે વર્ગખંડ શિક્ષણ પર મોટી અસર પડી રહી છે. જવાહર નવોદય, સૈનિક શાળા, સ્પોર્ટસ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, એકલવ્ય મોડેલ સ્કૂલ વગેરેમાં મોટા પાયે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા જે તે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે છે જેની સીધી અસર શિક્ષકોની સંખ્યા પણ ઘટી રહી છે. રાજ્ય સરકારે ચાર વર્ષથી શિક્ષકોની ભરતી અટકાવી – લટકાવી રાખી છે.
ડો.દોશીએ ઉમેર્યું કે, સરકારશ્રી સ્કુલ ઓફ એક્સલન્સ માટે ધોરણ- ૬ થી ૮ માટે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવા જાહેરાત આપેલ છે તેમજ PPP ના ધોરણે ૧ લાખ વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ માટે પણ સંસ્થાઓ પાસેથી માહિતી માંગતી જાહેરાત સરકારે આપી દીધી છે. સ્કૂલ ઓફ એજ્યુકેશન – PPP ધોરણે યોજનાથી સરકારી શિક્ષણનું ખાનગીકરણ કરવા તરફ સરકારનું વધુ એક પગલું છે. સ્કૂલ ઓફ એક્સેલન્સના નામે સરકાર મફત અને ફરજિયાત શિક્ષણ મૂળભૂત અધિકાર (RTE) નો છેદ ઉડાવીને ગરીબ – મધ્યમવર્ગના પરિવારોનો શિક્ષણનો અધિકાર છીનવી લેવા જઈ રહી છે.
ડો.મનીષ દોશીએ વધુમાં ઉમેર્યું કે, ઓછી સંખ્યાના નામે સરકારી શાળાઓ બંધ કરવાના સરકારના અવિચારી નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારમાં મોટી મુશ્કેલી ઉભી થઈ રહી છે. અંતર હોવાને લીધે વિદ્યાર્થીઓ બાજુની શાળામાં ન જવાને બદલે ખાનગી શાળામાં મજબૂરીથી જશે. ખાનગીકરણને પ્રોત્સાહન મળશે. ગુજરાતમાં શિક્ષણ દિવસે – દિવસે મોંઘુ થતું જાય છે. ઓછી સંખ્યાના નામે ૬૦૦૦ જેટલી સરકારી શાળાઓ બંધ થવાથી ગ્રામ્ય વિસ્તારના શિક્ષણ પર મોટી અસર પડશે. ખાસ કરીને કન્યા શિક્ષણમાં મોટો ડ્રોપઆઉટ ઊભો થશે. સ્કુલ ઓફ એજ્યુકેસન્સમાં તમામ શાળાઓમાં મેરિટના આધારે પ્રવેશ આપવાનો થાય છે તો નબળા અને વંચિત વિદ્યાર્થીઓને શું ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત રાખીશુ ? તમામ સુવિધાઓ અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં આપવા કરતા હયાત સરકારી શાળાઓમાં આ અંગે રાજ્ય સરકાર શિક્ષણમાં કેમ કામગીરી હાથ ધરતું નથી ? હોસ્પિટલો, એરપોર્ટ, વીજળી વગેરેના ખાનગીકરણનો આંચકો ગુજરાતે અનુભવ્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ ભારપૂર્વક માંગ કરી કે, સરકાર અને શિક્ષણ વિભાગ જો સ્કૂલ ઓફ એક્સલેન્સ PPP વાળી શાળાનું નિર્માણ કરવા માટે જો મક્કમ જ હોય તો, PPP મોડલ રદ્દ કરી સરકાર સંચાલિત શાળા દ્વારા સંપૂર્ણ સંચાલન થાય અને સરકારી શાળાના ચાલુ ફરજ બજાવતા શિક્ષકો તેમજ સંખ્યા ઘટવાને કારણે અથવા મર્જ થયેલી શાળાના શિક્ષકોનો સમાવેશ કરવામાં આવે. રાજ્યમાં સરકારી શાળામાં શિક્ષકોની મોટાપાયે ખાલી જગ્યા પર તાત્કાલીક ભરતી પણ સરકાર હસ્તક કરવામાં આવે. શિક્ષણના હિતમાં હકારાત્મક નિર્ણય લેવા પણ ડો.મનીષ દોશીએ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને અનુરોધ કર્યો છે.
#bharatmirror #bharatmirror21 #news