બેચરાજી પોલીસે આરોપી દીક્ષિત મિસ્ત્રીની ધરપકડ કરી બેચરાજી જેએમએફસી કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી
ગર્ભવતી મહિલા મેનેજરના આત્મહત્યાના કેસમાં બેચરાજી પોલીસે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ પાસેથી આરોપી દીક્ષિત કાંતિલાલ મિસ્ત્રી નો કબજો મેળવી તેની વિધિવત ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો
બીજીબાજુ, મુંબઈ એરપોર્ટ પરથી પકડાયેલા આરોપી દીક્ષિત કાંતિલાલ મિસ્ત્રીનો કબજો ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસે મેળવ્યા બાદ તેના જામીન રદ કરાવવા માટેની તજવીજ હાથ ધરાઈ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ, તા.૬
મહેસાણાની સમર્પણ ક્રેડીટ સોસાયટીની ગર્ભવતી મહિલા મેનેજરની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં આરોપી દિક્ષીત કાંતિલાલ મિસ્ત્રીને બેચરાજી જેએમએફસી કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. કોર્ટે આરોપી દિક્ષીત મિસ્ત્રીના તા.8મી સપ્ટેમ્બર સુધીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
બેચરાજી પોલીસમથકના પીએસઆઇ એમ.જે.બારોટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપી દિક્ષીત કાંતિલાલ મિસ્ત્રીને બેચરાજી જેએમએફસી કોર્ટમાં રજૂ કર્યો અને પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરતાં જણાવ્યું હતું કે, આરોપી દિક્ષીત મિસ્ત્રી પાસેથી આ ગુના સંદર્ભે મરનાર જયોત્સનાબહેન ચૌધરીને સમર્પણ ક્રેડિટ સોસાયટીના લેવાના નીકળતાં રૂ.66.19 લાખ રિકવર કરવાના છે. આરોપીની એફએકસ બુલ કંપની મહેસાણામાં હાલ બંધ હાલતમાં છે અને તેમાં કોણ કોણ હોદ્દેદારો અને પદાધિકારીઓ છે, તેઓની તપાસ કરવાની છે. આ ગુનામાં આરોપીની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને અત્યારસુધી એફએકસ બુલ કંપનીના નામે કેટલા લોકો પાસેથી કેટલી રકમની ઠગાઇ કરી છે તે સહિતની વિગતો જાણવાની છે. આ કેસમાં સમર્પણ ક્રેડિટ સોસાયટીની મરણ જનાર જયોત્સનાબહેન ચૌધરીને મૃત્યુ વખતે સાડા પાંચ મહિનાનો ગર્ભ હતો, તેથી તેની આત્મહત્યાના દુષ્પ્રેરણના ખૂબ જ મહત્વના અને સંવેદનશીલ કેસની તપાસ માટે આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી હોઇ તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. જો કે, કોર્ટે આરોપી દિક્ષીત કાંતિલાલ મિસ્ત્રીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ એરપોર્ટ પરથી પકડાયેલા આરોપી દીક્ષિત કાંતિલાલ મિસ્ત્રીની ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસે ધરપકડ કર્યા બાદ તેને અહીં લઈ આવી હતી અને ત્યારબાદ અદાલતની શરતોના ભંગ બદલ તેના જામીન રદ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસમથકના પીએસઆઇ શ્રી એસ.આર.રાઠોડે આરોપી દિક્ષીત મિસ્ત્રી દ્વારા અગાઉ મીરઝાપુર ગ્રામ્ય કોર્ટે તેને જામીન અપાયા તેની શરતોના કરાયેલા ભંગ બદલ કોર્ટને રિપોર્ટ કરવાની અને તેના જામીન રદ કરવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી દિક્ષીત કાંતિલાલ મિસ્ત્રી તથા અન્યો વિરૂધ્ધ ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસ મથકમાં પણ મની લોન્ડરીંગ એકટ, જીપીઆઇડી એકટ અને આઇપીસીની કલમો હેઠળ લાખો રૂપિયાની ઠગાઇનો ગુનો નોંધાયો હતો, એ કેસમાં મીરઝાપુર ગ્રામ્ય કોર્ટની સ્પેશ્યલ કોર્ટે આરોપીને જામીન આપ્યા ત્યારે તેને પાસપોર્ટ જમા કરાવવા અને જો પાસપોર્ટ ના હોય તો તે સંદર્ભે જરૂરી સોંગદનામું પોલીસ સમક્ષ રજૂ કરવાની મહત્વની શરત લાદી હતી પરંતુ આરોપી દિક્ષીત મિસ્ત્રીએ ઇન્ફોસીટી પોલીસ સમક્ષ પાસપોર્ટ જમા નહોતો કરાવ્યો કે ન તો, જરૂરી સોગંદનામું પોલીસ સમક્ષ રજૂ કર્યું. જેને પગલે બાદમાં, ગાંધીનગર એસપી શ્રી મયુર ચાવડા, ડીવાયએસપી ગાંધીનગર ડિવીઝન એમ.કે.રાણાના માર્ગદર્શન અને પીઆઇ પી.પી.વાઘેલાની રાહબરી હેઠળ નાસતા ફરતા આરોપી દિક્ષીત મિસ્ત્રી વિરૂધ્ધ લુકઆઉટ નોટિસ જારી કરાઇ હતી. આરોપી દિક્ષીત મિસ્ત્રી બારોબાર દુબઇ ભાગી જવાની ફિરાકમાં હતો પરંતુ તે પહેલાં જ ઇમીગ્રેશન વિભાગના હાથે મુંબઇ એરપોર્ટ પરથી ઝડપાઇ ગયો હતો. જેથી ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસ તેનો કબ્જો મેળવી અહીં પકડીને લાવી હતી.
ઉપરાંત, બેચરાજી પોલીસ મથકમાં આરોપી દીક્ષિત કાંતિલાલ મિસ્ત્રી વિરુદ્ધ આ ગર્ભવતી મહિલા મેનેજરની આત્મહત્યા માટે દુષ્પ્રેરણના નોંધાયેલા ગુના સંદર્ભે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસે આરોપી દીક્ષિત કાંતિલાલ મિસ્ત્રીનો કબજો બેચરાજી પોલીસને સોંપી દીધો હતો. જેને પગલે બેચરાજી પોલીસે આરોપી દીક્ષિત કાંતિલાલ મિસ્ત્રીની વિધિવત ધરપકડ કરી લીધી હતી.
વધુમાં બેચરાજી પોલીસ મથકના પીએસઆઇ એમ.જે.બારોટે આજે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ આરોપી દીક્ષિત કાંતિલાલ મિસ્ત્રીને બેચરાજી કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રજૂ કર્યો હતો અને તેના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરવાની છે કારણકે, ગર્ભવતી મહિલા મેનેજર જોસના બેન ચૌધરીની આત્મહત્યા દુષ્પ્રેરણ કેસમાં દીક્ષિત કાંતિલાલ મિસ્ત્રી મહત્ત્વનો આરોપી છે અને તેની પાસેથી કેસને લગતી ખૂટતી કડીઓ હજુ મેળવવાની બાકી હોય તેમજ આ કેસમાં અન્ય એક આરોપી કીર્તિ પારસંગ ચૌધરીને પણ પકડવાનો બાકી હોય બેચરાજી પોલીસ આરોપી દીક્ષિત કાંતિલાલ મિસ્ત્રીને સાથે રાખી સમગ્ર કેસની તપાસ કરવા માંગે છે તે સહિતના ઉપરોકત કારણો સાથે આરોપીના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ બેચરાજી જેએમએફસી કોર્ટે આરોપી દિક્ષીત કાંતિલાલ મિસ્ત્રીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news