આરોપી પ્રદીપ સાલુ ચૌધરી, કિર્તી પારસંગ ચૌધરી અને દિક્ષીત કાંતિલાલ મિસ્ત્રીએ એકબીજાના મેળાપીપણામાં સાંઠગાંઠથી માત્ર ત્રણ જિલ્લાઓ મહેસાણા, ગાંધીનગર અને બનાસકાંઠામાંથી જ સાડા આઠથી નવ કરોડ જેટલી અધધધ…રકમ ઉઘરાવી લોકોને રાતા પાણીએ રોવડાવ્યા
આરોપી દિક્ષીત કાંતિલાલ મિસ્ત્રીના રિમાન્ડ દરમ્યાન સમગ્ર કેસમાં બહાર આવેલી ચોંકાવનારી હકીકતો – હજુ સમગ્ર કૌભાંડની રકમનો આંક વધુ હોય તેવી શકયતા
મહેસાણાની ગર્ભવતી મહિલા મેનેજરની આત્મહત્યાના કેસમાં આરોપી દીક્ષીત મિસ્ત્રીના રિમાન્ડ પૂરા થતાં જેલના સળિયા પાછળ ધકેલાયો
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ, તા.9
મહેસાણા જિલ્લાની સમર્પણ કો.ઓ.ક્રેડિટ સોસાયટીની ગર્ભવતી મહિલા મેનેજરની આત્મહત્યાના ચકચારભર્યા અને અતિસંવેદનશીલ આરોપી દિક્ષીત કાંતિલાલ મિસ્ત્રીના બે દિવસના રિમાન્ડ પૂરા થતાં બેચરાજી જેએમએફસી કોર્ટે આરોપીને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. બેચરાજી જેએમએફસી કોર્ટે તેને મહેસાણા સબજેલમાં મોકલી અપાયો હતો. આમ, આ કેસના મહત્વના આરોપી દીક્ષીત મિસ્ત્રીને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. જો કે, આરોપી દિક્ષીત કાંતિલાલ મિસ્ત્રીના રિમાન્ડ દરમ્યાન એવી ચોંકાવનારી હકીકતો સામે આવી છે કે, લોકોને ઉંચા વ્યાજની લાલચ અને લોભામણી સ્કીમોમાં ફસાવતી જુદી જુદી કંપનીઓ ખોલી કરોડો રૂપિયાનું ફલેકું ફેરવનાર આરોપી પ્રદીપ સાલુ ચૌધરી આ સમગ્ર કેસમાં મુખ્ય માસ્ટરમાઇન્ડ આરોપી છે. અગાઉ શુભલક્ષ્મી ક્રેડિટ સોસાયટી સહિતની ત્રણ કંપનીઓ બંધ કર્યા બાદ આરોપીઓએ એફએકસ બુલ નામની આ 4થી કંપની ખોલી લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. આરોપી પ્રદીપ સાલુ ચૌધરી, કિર્તી પારસંગ ચૌધરી અને દિક્ષીત કાંતિલાલ મિસ્ત્રીએ એકબીજાના મેળાપીપણામાં સાંઠગાંઠથી માત્ર ત્રણ જિલ્લાઓ મહેસાણા, ગાંધીનગર અને બનાસકાંઠામાંથી જ સાડા આઠથી નવ કરોડ જેટલી અધધધ…રકમ ઉઘરાવી લોકોને રાતા પાણીએ રોવડાવ્યા હતા. જેમાં મહેસાણા જિલ્લાની સમર્પણ ક્રેડિટ સોસાયટીની ગર્ભવતી મહિલા મેનેજર જયોત્સનાબહેન ચૌધરીનો પણ સમાવેશ થાય છે કે જેણે ક્રેડિટ સોસાયટીના સભ્યોના કુલ મળી રૂ.66.19 લાખ આ આરોપીઓની એફએકસ બુલ કંપનીમાં રોકયા હતા અને તેના પૈસા પણ ડૂબી જતાં આખરે તેણીએ ગર્ભવતી હોવાછતાં મોત વ્હાલુ કરવુ પડયું.
આરોપી દિક્ષીત કાંતિલાલ મિસ્ત્રીના રિમાન્ડમાં બહારઆવેલી ચોંકાવનારી વિગતો મુજબ, આરોપી દિક્ષીત મિસ્ત્રી મહેસાણા જિલ્લાના સામેદ્રાનો વતની છે, તો, પ્રદીપ ચૌધરી જોટાણા તાલુકાના ગોકળગઢ અને આરોપી કિર્તી પારસંગ ચૌધરી પણ નજીકના ખારા ગામનો જ હોઇ આરોપીઓ આસપાસના ગામના હોવાથી પરિચિત હતા અને તેઓ શુભલક્ષ્મી ક્રેડિટ સોસાયટી સહિતની ઉપરોકત બંધ થયેલી ત્રણ કંપનીઓમાં ઉઠમણું કર્યા બાદ આ 4થી એફએકસ બુલ કંપની ખોલી માર્કેટમાંથી લોકોની પાસેથી લાખો રૂપિયા ખંખેરવાનું શરૂ કર્યું હતું. આ સમગ્ર કૌભાંડમાં આરોપી પ્રદીપ સાલુ ચૌધરી મુખ્ય સૂત્રધાર છે કે જેની જામીન અરજી તાજેતરમાં જ મહેસાણા સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી, જેને પગલે હાલ તે જેલમાં છે. આરોપી પ્રદીપ ચૌધરી રોકાણકારોના જે પણ પૈસા કેશમાં આવતા હતા, તે પોતાના ઘેર લઇ જતો હતો અને ચેક આવે તે કંપનીમાં બતાવતો હતો.
આરોપી કિર્તી પારસંગ ચૌધરી
આરોપી દિક્ષીત કાંતિલાલ મિસ્ત્રીના પણ કોરા ચેક આરોપી પ્રદીપ ચૌધરીએ મેળવી રાખ્યા હતા. આમ મુખ્ય વહીવટકર્તા અને હિસાબકિતાબ પ્રદીપ ચૌધરી પાસે જ હતો. આરોપી પ્રદીપ ચૌધરી આણિમંડળીએ મહેસાણા, ગાંધીનગર અને બનાસકાંઠા માત્ર એ ત્રણ જિલ્લાઓમાંથી લોકો પાસેથી સાડા આઠથી નવ કરોડ રૂપિયા ઉઘરાવી લોકોને રાતા પાણીએ રોવડાવ્યા છે. જે સંદર્ભે આરોપી પ્રદીપ સાલુ ચૌધરી, કિર્તી પારસંગ ચૌધરી અને દિક્ષીત કાંતિલાલ મિસ્ત્રી વિરૂધ્ધ જુદા જુદા પોલીસમથકોમાં ફરિયાદો પણ દાખલ થઇ છે., જેમાં ઇડરમાં રૂ.22 લાખ, ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસમથકમાં રૂ.3.54 કરોડ, બી ડિવીઝન પોલીસમથકમાં રૂ.24 લાખ અને બેચરાજી પોલીસમથકમાં જયોત્સનાબહેન ચૌધરીવાળા રૂ.66.19 લાખની ઉચાપત અંગેની વિધિવત્ એફઆઇઆર દાખલ થયેલી છે. હજુ પણ સંખ્યાબંધ રોકાણકારો આરોપીઓની ઠગાઇ અને છેતરપીંડીનો ભોગ બન્યા હોઇ લોકોમાં જોરદાર આક્રોશ પ્રવર્તી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદો દાખલ થવાની સંભાવના રહેલી છે.
આરોપી દિક્ષીત કાંતિલાલ મિસ્ત્રી
બીજીબાજુ, ગઇકાલે જ આ કેસના મહત્વના આરોપી કિર્તી પારસંગ ચૌધરીની આગોતરા જામીન અરજી મહેસાણા સેશન્સ કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી છે. તો, મુંબઇ એરપોર્ટ પરથી વિદેશ ભાગી જવાની ફિરાકમાં ઇમીગ્રેશન વિભાગના હાથે ઝડપાયેલા આરોપી દિક્ષીત કાંતિલાલ મિસ્ત્રીનો ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસે કબ્જો મેળવ્યા બાદ તેને જયોત્સનાબહેન ચૌધરીની આત્મહત્યા માટે દુષ્પ્રેરણ અંગેના બેચરાજી પોલીસમથકમાં નોંધાયેલા ગુના સંદર્ભે બેચરાજી પોલીસને સોંપ્યો હતો. જેમાં કોર્ટે આરોપી દિક્ષીત મિસ્ત્રીને બે દિવસના રિમાન્ડ આપ્યા હતા અને તેની મુદત પૂરી થતાં તેને જયુડીશીયલ કસ્ટડીમાં એટલે કે, મહેસાણા સબજેલમાં મોકલી અપાયો હતો. મુખ્ય સૂત્રધાર પ્રદીપ સાલુ ચૌધરી તો પહેલેથી જ જેલમાં છે. હજુ પણ આરોપીઓ વિરૂધ્ધ ઉપરોકત ત્રણેય જિલ્લાઓમાં થયેલી કરોડો રૂપિયાની છેતરપીંડી મામલે નોંધાયેલી અલગ-અલગ ફરિયાદો સંદર્ભે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી પણ પૂરી શકયતા સેવાઇ રહી છે.
#bharatmirror #bharatmirror21 #news