એફએક્સ બુલ લિ.ના આરોપી દીક્ષીત કાંતિલાલ મિસ્ત્રી દુબઇ ભાગવાની ફિરાકમાં હતો તે પહેલાં જ ઇમીગ્રેશન વિભાગના હાથે ઝડપાઇ ગયો
ઇમીગ્રેશ વિભાગના અધિકારીઓએ તાત્કાલિક ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસને જાણ કરી – ઇન્ફોસીટી પોલીસ મથકમાં નોંધાયેલા ગુના સંદર્ભે દીક્ષીત મિસ્ત્રી વિરૂધ્ધ લુક આઉટ નોટિસ પણ જારી કરાઇ હતી
લોકોનું કરોડોનું ફલેકું ફેરવનાર કુખ્યાત આરોપી દીક્ષીત મિસ્ત્રી પકડાતાં હવે તેની વિરૂધ્ધ મહેસાણા, બેચરાજી અને ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસમથકમાં મની લોન્ડરીંગ એકટ, જીપીઆઇડી એકટ, આઇપીસીની કલમો હેઠળ ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે, તે તમામ કેસોની કડીઓ મેળવવામાં બહુ મોટી મદદ મળશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.3
મહેસાણામાં સમર્પણ ક્રેડીટ સોસાયટીની ગર્ભવતી મહિલા મેનેજરની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં એફ એક્સ બુલ લિમિટેડના નાસતા ફરતા આરોપી દીક્ષિત મિસ્ત્રીને મુંબઈ એરપોર્ટથી ઝડપી લેવાયો છે જેને પકડવા માટે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ ટીમ અહીંથી ફલાઈટ મારફતે રવાના થઇ રહી છે જેને પકડીને અહીં લાવવામાં આવશે. ચકચારભર્યા કેસમાં આરોપી દીક્ષિત મિસ્ત્રી એફઆઈઆર નોંધાયા બાદ છેલ્લા ઘણા દિવસોથી નાસતો ફરતો હતો પરંતુ આજે મુંબઇ એરપોર્ટ પર ઇમીગ્રેશન વિભાગના અધિકારીઓના હાથે ઝડપાઇ જતાં તેમણે અહીં ઇન્ફોસીટી પોલીસને જાણ કરતાં હવે અહીંથી પોલીસની ટીમ આરોપી દીક્ષીત કાંતિલાલ સુથાર(મિસ્ત્રી)ને અહીં લાવવા માટે રવાના થઇ છે.
લોકોનું કરોડોનું ફલેકું ફેરવનાર કુખ્યાત આરોપી દીક્ષીત મિસ્ત્રી પકડાતાં હવે તેની વિરૂધ્ધ મહેસાણા, બેચરાજી અને ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસમથકમાં મની લોન્ડરીંગ એકટ, જીપીઆઇડી એકટ, આઇપીસીની કલમો હેઠળ ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે, તે તમામ કેસોની કડીઓ મેળવવામાં બહુ મોટી મદદ મળશે. ગાંધીનગર ઇન્ફોસીટીના કેસમાં ગાંધીનગર એસપી શ્રી મયુર ચાવડા, ડીવાયએસપી ગાંધીનગર ડિવીઝન એમ.કે.રાણા અને પીઆઇ પી.પી.વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.આર.રાઠોડે બહુ મહત્વની અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. એક તબક્કે જયારે આરોપી દીક્ષીત કાંતિલાલ મિસ્ત્રીને કોર્ટમાંથી જામીન મળ્યા ત્યારે તેને પાસપોર્ટ તપાસનીશ અધિકારી સમક્ષ જમા કરાવવા અને જો પાસપોર્ટ ના હોય તો તે અંગેનું એફીડેવીટ પોલીસ સમક્ષ જમા કરાવવાની આકરી શરતો કોર્ટે લાદી હતી. જો કે, આરોપી દીક્ષીત મિસ્ત્રીએ કોર્ટની આ શરતોનો પણ સરેઆમ ભંગ કરી પાસપોર્ટ પણ જમા ના કરાવ્યો કે, ના તો પોલીસ સમક્ષ કોઇ એફીડેવીટ આપ્યું, જેને લઇ તેના જામીન રદ કરાવવાની તજવીજ હાથ ધરાઇ હતી.
બીજીબાજુ, ગાંધીનગર એસપી મયુર ચાવડા, ડીવાયએસપી ગાંધીનગર ડિવીઝન એમ.કે.રાણાના માર્ગદર્શનથી આરોપી દીક્ષીત મિસ્ત્રી વિરૂધ્ધ લુક આઉટ નોટિસ પણ જારી કરાઇ હતી, જેના કારણે આખરે આજે પોલીસને બહુ મોટી સફળતા હતી અને આરોપી દીક્ષીત મિસ્ત્રી વિદેશ ભાગવાની ફિરાકમાં હતો તે પહેલાં મુંબઇ એરપોર્ટ પરથી ઇમીગ્રેશન વિભાગના હાથે ઝડપાઇ ગયો હતો. ઇમીગ્રેશન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક ઇન્ફોસીટી પોલીસને જાણ કરી હતી. જેને પગલે અહીંથી પીએસઆઇ એસ.આર.રાઠોડ સહિતના સ્ટાફની ટીમ આરોપી દીક્ષીત કાંતિલાલ મિસ્ત્રીને અહીં પકડી લાવવા માટે રવાના થઇ છે.
ગાંધીનગર એસપી શ્રી મયુર ચાવડા
ઉલ્લેખનીય છે કે મહેસાણાની સમર્પણ ક્રેડીટ સોસાયટીની ગર્ભવતી મહિલા મેનેજર જ્યોત્સનાબેન ચૌધરીની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં એક્સ એક્સ બુલનો આરોપી પ્રદીપ ચૌધરી પહેલેથી જ પકડાઈ ગયો છે અને હાલ જેલના સળિયા પાછળ છે. તાજેતરમાં તેની જામીન અરજી પણ મહેસાણા સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. આ સિવાય અન્ય એક આરોપી કીર્તિ પારસંગ ચૌધરીએ પણ આ કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા મહેસાણા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલી છે જેની સુનાવણી ૮મી સપ્ટેમ્બર પર મુકરર કરાઇ છે. જ્યારે આ કેસમાં નાસતા ફરતા આરોપી દીક્ષિત મિસ્ત્રીને પોલીસે આજે મુંબઈ એરપોર્ટથી ઝડપી લઇ બહુ મોટી સફળતા મેળવી છે કારણકે મરનાર જયોત્સનાબહેન ચૌધરી સાડા પાંચ મહિનાનો ગર્ભ ધરાવતા હતા અને ક્રેડીટ સોસાયટીમાં સભ્યો પાસેથી ઉઘરાવેલા નાણાં તેણીએ આ આરોપીઓની એક્સ એક્સ બુલ કંપનીમાં રોક્યા હતા પરંતુ પાછળથી આરોપી પ્રદીપ ચૌધરી, કીર્તિ પારસંગ ચૌધરી અને આરોપી દીક્ષિત મિસ્ત્રીએ જયોત્સનાબહેનને તેમના પૈસા આપવાની ના પાડતા અને થાય એ કરી લે તેવી ધમકી આપતા હિંમત હારી જઈને જયોત્સનાબહેનને સાડા પાંચ મહિનાનો ગર્ભ હોવા છતાં તેણીએ ગર્ભવતી હાલતમાં કેનાલમાં પડી આત્મહત્યા કરી હતી.
આ હાઇપ્રોફાઇલ કેસમાં સંડોવાયેલા આરોપીઓ આર્થિક રીતે સુખી સંપન્ન અને બહુ મોટી રાજકીય વગ ધરાવતા હોવાથી પોલીસ માટે પણ આ કેસની તપાસ પડકારરૂપ બની રહી છે. જોકે આજે આ કેસના નાસતા ફરતા આરોપી દીક્ષિત મિસ્ત્રીને ઝડપી લઈને પોલીસે બહુ મોટી સફળતા મેળવી છે. ગાંધીનગરની ઈન્ફોસીટી પોલીસની ટીમ આરોપી દીક્ષિત કાંતિલાલ મિસ્ત્રીને પકડવા ફલાઈટ મારફતે મુંબઈ જવા રવાના થઈ ગઈ છે. તેથી હવે બેચરાજી પોલીસમથકમાં નોંધાયેલા ગર્ભવતી મહિલા જયોત્સનાબહેન ચૌધરીની આત્મહત્યાના દુષ્પ્રેરણના કેસ સહિતના જુદા જુદા પોલીસમથકોમાં આરોપી દીક્ષીત મિસ્ત્રી વિરૂધ્ધ નોંધાયેલા અલગ-અલગ ગુનાઓના ભેદ ઉકેલવામાં બહુ મોટી મદદ મળશે. .
#bharatmirror #bharatmirror21 #news