આવતીકાલે તા.15થી 20 સપ્ટેમ્બર સુધી મંદિર શ્રધ્ધાળુ દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે, મંદિરના દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો
સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં માંઇભકતોનો જોરદાર ધસારો – બોલ માડી અંબે…જય જય અંબેના ભકિતનાદ ગુંજયા – માંઇભકિતનો માહોલ છવાયો
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.14
સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઇ હજુ સુધી રાજય સરકાર કે તંત્ર દ્વારા કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી ત્યારે મેળીન અસમંજસતા વચ્ચે હજારો પદયાત્રી માંઇભકતોનો ધસમસતો પ્રવાહ અંબાજી તરફના માર્ગો પર જોવા મળી રહ્યો છે. રોજના હજારો માંઇભકતો માં અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે તો બીજીબાજુ, આવતીકાલથી ભાદરવી પૂનમનો મેળો શરૂ થઇ રહ્યો હોઇ તંત્ર દ્વારા આવતીકાલે તા.15 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમ્યાન શ્રધ્ધાળુ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, તો સાથે સાથે મંદિરના દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
જેમાં આવતીકાલે તા.15મી સપ્ટેમ્બરથી તા.20 સપ્ટેમ્બર દરમ્યાન શ્રી અંબાજી માતાજીનું મંદિર વહેલી સવારે 6-00 વાગ્યાથી 11-30 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે, 11-30થી બપોરે 12-00 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ત્યારબાદ બપોરે 12-30 વાગ્યાથી સાંજે 5-00 વાગ્યા સુધી માંઇભકતોના દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે. એ પછી સાંજે 5-00થી 7-00 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ત્યારબાદ સાંજે 7-00 વાગ્યાથી રાત્રિના 1-30 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે. આ સિવાય ભાદરવી પૂનમના સમયગાળા દરમ્યાન મા અંબાજીના ભકતો ઘરે બેઠા જ ઓનલાઇન આરતીના દર્શન કરી શકે તેવી સુચારૂ વ્યવસ્થા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. વધુમાં અંબાજી મંદિર, ચાચર ચોકમાં પણ હેલ્પલાઇન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેનો સંપર્ક નંબર-02749-262424 છે.
ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ અંબાજીમાં ગત વર્ષે કોરોના મહામારીને લઈ ભાદરવી પૂનમનો મહામેળો મોકૂફ રખાયો હતો. ત્યારે ચાલુ વર્ષે પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની દહેશતને જોતાં અંબાજીના મેળાને લઈ હજુ પણ ભારે અસમંજસતા જોવા મળી રહી છે. હજુ સુધી સરકાર કે તંત્ર દ્વારા અંબાજીના સુપ્રસિધ્ધ ભાદરવી પૂનમના મેળા યોજાવાને લઇને સ્પષ્ટતા કે જાહેરાત કરવામાં આવી નથી તેથી જો કે મેળો અને મંદિર બંધ થઈ શકે છે તેવી અસમંજસતા અને દહેશત વચ્ચે લાખો પદયાત્રીઓએ વહેલા પદયાત્રા પૂર્ણ કરી છે અને હજી પણ પદયાત્રીઓનો ધસારો અવિરત પણે ચાલુ છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
બીજીબાજુ, સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની આવતીકાલથી શરૂઆત થવા જઈ રહી છે ત્યારે હજુ સુધી સરકાર કે તંત્ર દ્વારા મેળો યોજાશે કે નહી તેની કોઇ જાહેરાત કરી નથી પરંતુ આજે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરના દર્શનના સમયમાં વધારાની જાહેરાત કરી દેવાઇ છે. બીજીબાજુ, સ્થાનિક વહીવટી તંત્ર કામે લાગ્યું છે. તો પોલીસના કંટ્રોલ રૂમ, પોલીસ વ્યવસ્થાના માચડા, ટ્રાફિક નિયંત્રણના બેરીકેડ, વધારાના પોલીસ વાહનો ઉપરાંત, મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફનો કાફલો અને જવાનો પણ અંબાજીમાં તૈનાત કરી દેવાયા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વોટરપ્રુફ મંડપ બાંધી દેવાયા છે.
તો, યાત્રાધામ અંબાજીમાં આવતા લાખો પદયાત્રીઓને પરત પોતાના ઘરે જવા માટેની વ્યવસ્થા પણ એસટી વિભાગ દ્વારા જરૂરી વ્યવસ્થા અને આયોજન કરાયુ છે. જો કે, દર વર્ષે એસટી વિભાગ એક હજાર ઉપરાંત એસટી બસની વ્યવસ્થા ઉભું કરતું હતું તેની જગ્યાએ ચાલુ વર્ષે મેળાની અસમંજસતા વચ્ચે પણ રેગ્યુલર રૂટ ઉપરાંત વધારાની 100 જેટલી એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે.
બોક્ષ – ભકતો ઘેર બેઠા માં અંબાના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાઇ
તા.15મી સપ્ટેમ્બરથી તા.20 સપ્ટેમ્બર સુધી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ, ફેસબુક, યુ-ટયુબ, ટવીટર તથા લાઇવ સ્ટ્રીમીંગ સર્વર ઉપર નીચેના પ્લેટફોર્મ પર લાઇવ દર્શનનો લાભ લઇ શકાશે.
- દેવસ્થાન ટ્રસ્ટના ઓફિશીયલ ફેસબુક પેજ પર
- દેવસ્થાન ટ્રસ્ટના ઓફિશીયલ યુ-ટયુબ પર
- દેવસ્થાન ટ્રસ્ટના ઓફિશીયલ ટવીટર પર
- દેવસ્થાન ટ્રસ્ટના લાઇવ સ્ટ્રીમીંગ સર્વર ઉપર
- દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ(www.ambajitemple.in)
#bharatmirror #bharatmirror21 #news