મોદી સરકાર દ્વારા દેશની મિલ્કતો વેચવાના લેવાયેલા નિર્ણયને લઇ કોંગ્રેસ આક્રમક મૂડમાં – આગામી દિવસોમાં ઉગ્ર રાષ્ટ્રવ્યાપી આંદોલનની ચીમકી
કોંગ્રેસનું શાસન ભારત નિર્માણ માટે હતુ તો, ભાજપ અને મોદીજીનું શાસન ભારત વેચો અભિયાન માટે છે – શ્રી પવન ખેરા
છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપે દેશના શાસનના માધ્યમથી પોતાના રાષ્ટ્રને લૂંટવાનું શરૂ કર્યું છે અને કેટલાક તેમના માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા દેશની આન, બાન અને શાન સમાન મિલકતો-અસ્કયામતો વેચવા કાઢી છે – અમિત ચાવડા
અમદાવાદ,તા.2
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા પવન ખેરાએ આજે તેમની અમદાવાદ મુલાકાત દરમ્યાન ભાજપ અને મોદી સરકાર પર ચાબખા વરસાવતાં જણાવ્યું હતું કે, ભાજપ અને મોદી સરકારે દેશની મહામૂલી અને આગવી ઓળખ સમાન અસ્કયામતો-મિલકતો વેચવા કાઢીને તેમના શાસન પાછળની ખોટી નિયતને ઉજાગર કરી દીધી છે. હજુ પણ આપણે જો આ લોકોને નહી રોકીએ તો દેશ આખો બરબાદ થઇ જશે. ભાજપ સાડા સાત વર્ષથી સત્તામાં છે એ લોકોએ કોંગ્રેસ પર કાદવ ઉછાળવા ખોટા ખોટા સવાલો જાતે ને જાતે ઉભા કરી તેના જાતે ને જાતે જવાબો આપ્યા કે, કોંગ્રેસ 70 વર્ષથી શાસન કર્યું શું થયુ…શું કર્યું કોંગ્રેસે….તો જવાબ એ છે કે, ભાજપ અને મોદી સરકારે દેશની આગવી ઓળખ અને ગૌરવ સમાન જે મિલ્કતો-અસ્કયામતો વેચવા કાઢી છે, તે કોંગ્રેસના શાસનમાં તેના દ્વારા ઉભી કરાયેલી છે અને કોંગ્રેસે તે દેશની જનતાને અર્પણ કરી હતી. કોંગ્રેસ આગામી દિવસોમાં દેશની મહામૂલી સંપત્તિઓ અને મિલકતોનું વેચાણ બચાવવા સામે રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડશે અને તે માટે તબક્કાવાર કાર્યક્રમો આપશે તેવી સાફ ચીમકી પણ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શ્રી પવન ખેરાએ આજે ઉચ્ચારી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, મોદી સરકારે દેશના હવાઇમથકો, રોડ-રસ્તા, વીજળી પ્રોડકશન, રેલ્વે, વીજળી ટ્રાન્સમીશન, પ્રાકૃતિક ગેસ પાઇપલાઇન, પેટ્રોલિયમ પાઇપલાઇન, ટેલિકોમ, ખાદ્યાન ભંડારણ, માઇનીંગ, બંદરો, સ્ટેડિયમ સહિતની દેશની મૂલ્યવાન ધરોહર સમાન સંપત્તિ-મિલ્કતો વેચવા કાઢી છે તે બહુ આઘાતજનક અને તેમની ખોટી નિયતની ચાડી ખાય છે. કોંગ્રેસે ભારત નિર્માણનું કાર્ય કર્યું છે જયારે ભાજપ અને મોદી સરકાર દેશને વેચવાનું કામ કરી રહી છે. કોંગ્રેસનું શાસન ભારત નિર્માણ માટે હતુ તો, ભાજપ અને મોદીજીનું શાસન ભારત વેચો અભિયાન માટે છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શ્રી પવન ખેરાએ વધુમાં ભાજપ અને મોદી સરકાર સામે બહુ ગંભીર સવાલ ઉઠાવતાં જણાવ્યું કે, મોદી સરકારે દેશની જનતા પર પેટ્રોલ-ડિઝલના ટેક્સમાંથી અત્યારસુધીમાં કુલ રૂ.23.11 લાખ કરોડ ખંખેરી લીધા છે તો આટલા બધા લાખો કરોડ રૂપિયા ગયા કયાં., શું તેનાથી કોઇને રોજગારી મળી, ઉલ્ટાનું છેલ્લા 45 વર્ષોનો બેરોજગારીનો રેકોર્ડ આ સરકારે તોડી કાઢયો છે…નાના વેપારીઓ તો બિલકુલ બરબાદ થઇ ગયા છે. પગારદાર વર્ગની હાલત કફોડી બની છે. મહિનાના અંતે નાગરિકના ખિસ્સામાં કેટલા પૈસા બચે છે તે મહ્ત્વનું છે પણ મોદી સરકારની આપખુદશાહી નીતિ અને ખોટી નિયતના કારણે આદ આદમીના ખિસ્સામાં મહિનાના અંતે પૈસા રહેતા નથી. અત્યારસુધીમાં મોદી સરકારે 70 વખત રસોઇ ગેસના ભાવોમાં અસહ્ય ભાવવધારો ઝીંકયો છે. નોટબંધી, જીએસટી સહિતના તઘલખી નિર્ણયોએ લોકોને બરબાદ કરી નાંખ્યા છે. તો, દેશની જનતા પૂછી રહી છે મોદી સરકારને કે, તેમણે ટેક્સ પેટે ચૂકવેલા આ રૂ.23.11 લાખ કરોડ ગયા કયાં, કોની પાછળ વાપર્યા…
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા શ્રી પવન ખેરાએ વધુમાં જણાવ્યું કે, મોદી સરકારે એક-બે નહી પરંતુ ત્રણ-ત્રણ વખતે રિર્ઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાંથી લાખો કરોડ રૂપિયા ઉપાડી લીધા છે તે જ દર્શાવે છે કે, હવે લોકો તમારી પર વિશ્વાસ મૂકે તો કેવી રીતે…તમે જે પૈસા કમાઓ છો, તે દેશના યુવાનો, ખેડૂતો, બેરોજગારો, મહિલાઓ, નાગરિકોના કલ્યાણ માટે વાપરવાના બદલે ઉલ્ટાના તમે તો દેશની મહામૂલી સંપત્તિઓ વેચવા નીકળ્યા છો.
ખેડૂત વિરોધી કાયદાઓ લાગુ કરીને દેશના ખેડૂતોને મોદી સરકારે રસ્તા પર તો લાવી જ દીધા છે એમ કહેતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શ્રી પવન ખેરાએ ઉમેર્યું કે, મોદી સરકાર દેશની મહામૂલી સંપત્તિ, મિલક્તો વેચવા પાછળ એવો બચાવ કરે છે કે, અમે લીઝ પર આપી રહ્યા છે પરંતુ સવાલ એ છે કે, તમે દુનિયામાં કયાંય આવો વેપાર જોયો છે કે, બેંકોમાં જે પૈસા આપણા એટલે કે, આમ જનતાના છે, તે પૈસાની લોન મેળવીને મોદીજીના નજીકના માનીતા લોકો મિલકતો ખરીદી શકે તે માટેનું આખુ વ્યવસ્થાતંત્ર ગોઠવાઇ રહ્યું છે. દેશના ઇતિહાસમાં કયારેય આવી સરકાર જોઇ જેણે દેશમાં કલીયરન્સ સેલ લગાવ્યું છે. જો ઓ લોકોને અત્યારે નહી રોકાય તો દેશના ખેડૂતો, નોકરિયાત વર્ગ, યુવાનો, મહિલાઓ, વેપારીઓ સહિતના તમામ લોકો બરબાદ થઇ જશે. જે સરકારની નિયતમાં ખોટ આવી જાય તે પેઢીઓને બરબાદ કરવાનું કામ કરી રહી છે., તેની સજા શું હોઇ શકે તે પણ આપણને ખબર પડતી નથી કારણ કે, આટલી ખરાબ સરકાર કોઇએ કયારેય જોઇ નથી.
દરમ્યાન આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ ભાજપ અને મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, મોદી સરકારે જે દેશની જે મિલ્કતો અને અસ્કયામતો વેચવા કાઢી છે, તે તમામ અસ્કયામતો કોંગ્રેસે દેશની પ્રજાને સોંપી છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપે દેશના શાસનના માધ્યમથી પોતાના રાષ્ટ્રને લૂંટવાનું શરૂ કર્યું છે અને કેટલાક તેમના માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા દેશની આન, બાન અને શાન સમાન મિલકતો-અસ્કયામતો વેચવા કાઢી છે.. હવે દેશમાં બે શાસન વચ્ચે સરખામણી કરવાનો સમય પાકી ગયો છે અને દેશની જનતાએ આ ભાજપ સરકારને હવે ઓળખી લેવી જોઇએ. કારણ કે, કોંગ્રેસે તેનું શાસન દેશના નિર્માણ માટે આપ્યુ જયારે ભાજપનું શાસન ભારત વેચો અભિયાન માટે હોય તેવુ ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. તેમના માનીતા લોકોના હાથમાં દેશની સત્તા અને શાસન આવે તે પ્રકારનું નિમ્નસ્તરનું ગંદુ રાજકારણ ચાલી રહ્યું છે. આજની પત્રકાર પરિષદ દરમ્યાન શ્રી ચાવડા ઉપરાંત, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, કોંગી નેતા નરેશ રાવલ, પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશી, જયરાજસિંહ પરમાર, જીતેન્દ્ર બધેલ સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news