મુખ્યમંત્રી તરીકેના બપોરે શપથ ગ્રહણ કરતા પહેલાં શ્રી ભુપેન્દ્ર પટેલ સવારે 9-30 વાગ્યે ભીડભંજન હનુમાનજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા
શ્રી ભીડભંજન હનુમાનજી ધાર્મિક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કમલેશભાઈ બ્રહ્મભટ્ટ સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલને ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું અને સીએમ પદ માટે શુભેચ્છા-અભિનંદન પાઠવ્યા
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.13
ગુજરાત રાજયના નવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે આજે તેમના શપથવિધિ સમારોહ પહેલાં તેમના મતવિસ્તારમાં આવેલા મેમનગર વિસ્તારમાં સુભાષચોક પાસેના જાણીતા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દર્શન કર્યા હતા અને દાદાના આશીર્વાદ મેળવ્યા હતા. પોતાના વ્યસ્ત શીડયુલ વચ્ચે પણ નવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે શ્રી ભીડભંજન મંદિર ખાતે દર્શન કરવાનો સમય કાઢયો હતો અને દાદાના ભારે શ્રધ્ધાપૂર્વક દર્શન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારથી લઇ અત્યાર સુધીમાં તેઓ સમય મળે ત્યારે આ મંદિરે દર્શન કરવા આવતા રહ્યા છે અને પહેલેથી જ તેમની ધાર્મિક આસ્થા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર સાથે જોડાયેલી છે.
ગુજરાત રાજયના નવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આજે બપોરે શપથવિધિ સમારોહ યોજાવાનો હતો પરંતુ વહેલી સવારે 9-30 વાગ્યે તેઓ સીએમ કોન્વોયના કાફલા સાથે મેમનગર વિસ્તારમાં પહોંચ્યા હતા. મુખ્યમંત્રી તરીકેના કોઇપણ ઝાકમઝોળ કે તામજામ વિના તેઓ બિલકુલ સાદગીપૂર્ણ રીતે તેમના વિધાનસભા મતવિસ્તારમાં આવેલા મેમનગર વિસ્તારમાં સુભાષચોક ખાતેના જાણીતા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા. તેમને આવતાં જોઇને જ મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કમલેશભાઇ બ્રહ્મભટ્ટ તરત જ તેમના સ્વાગત માટે દોડયા હતા અને તેમને ફુલહાર પહેરાવી ભારે આદરપૂર્વક સ્વાગત કર્યું હતું. નવનિયુકત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે ભારે શ્રધ્ધા સાથે શ્રી ભીડભંજન હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા અને દાદાના આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કમલેશભાઇ બ્રહ્મભટ્ટ અને ટ્રસ્ટી શ્રી રાજુભાઇ બ્રહ્મભટ્ટ ,શ્રી શરદભાઇ ઠાકર, શ્રી મહેન્દ્રભાઈ ચાવડા અને શ્રી રુચીકભાઈ જોશી સહિતના મહાનુભાવો દ્વારા શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને તેમને મુખ્યમંત્રી તરીકેના નવા જીવન કાર્યકાળ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નવનિયુકત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સૌનો આભાર વ્યકત કરી ગણતરીની સેકન્ડોમાં દાદાના દર્શન કરી પોતાના આગળના કાર્યક્રમ માટે રવાના થયા હતા.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે કમલમ, ગાંધીનગર ખાતે ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં જયારે ગુજરાતના નવા મુખ્યમત્રી તરીકે શ્રી ભુપેન્દ્રભાઇ પટેલનું નામ જાહેર કરાયું ત્યારે તેઓ ગાંધીનગરથી સાંજે અડાલજ, ત્રિમંદિર ખાતે દાદા ભગવાન અને સીમંધર સ્વામીના દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ જમાલપુર સ્થિત સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ભગવાનની આરતી ઉતારી દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને આજે સવારે સીએમ પદના શપથ પહેલાં સવારે મેમનગરના શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આમ, નવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના સરળ, સૌમ્ય અને સહજ સ્વભાવની સાથે સાથે તેમના ધર્મ પ્રત્યેની આસ્થા અને શ્રધ્ધા ધરાવતો ચહેરો પણ પ્રજા સામે આવ્યો છે.
#bharatmirror #bharatmirror21 #news