સમગ્ર રાજયના મંદિરો પૈકી અંબાજી મંદિરમાં સૌ પ્રથમવાર આ પ્રકારની અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો
ભાદરવી પૂનમના સમયગાળામાં આ પ્રકારના હાઈટેકનોલોજી અને આધુનિક બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરી મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્રના સંકલનથી અંબાજીમાં દર્શનાર્થે પધારતા યાત્રિકોને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ, તા.19
વિશ્વ પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે આવે છે. અંબાજી આવતા યાત્રિકોની સુરક્ષા અને સલામતી જાળવવી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ માટે અત્યંત મહત્વની બાબત છે. અંબાજીમાં આવતા માઇભક્તોની સુરક્ષા માટે બનાસકાંઠા કલેકટરશ્રી અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વિશ્વની ઉચ્ચકક્ષાની આધુનિક ટેકનોલોજીથી અંબાજીમાં આવનાર યાત્રાળુઓને સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. અત્યંત આધુનિક ટેકનોલોજીનો અંબાજી ખાતે આજથી પ્રાયોગીક ધોરણે શરૂ કરવામાં આવી છે. જેમાં અદ્યતન ટેકનોલોજીયુક્ત બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ કરવામાં આવેલ છે. સમગ્ર રાજયના મંદિરો પૈકી અંબાજી મંદિરમાં સૌ પ્રથમવાર આ પ્રકારની અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે, જેને લઇ યાત્રિકોમાં પણ સુરક્ષાની ભાવના પ્રબળ બનેલી જોવા મળી હતી.
બોડીવોર્ન કેમેરામાં હાઈરીઝોલ્યુશન યુક્ત ઓડીયો તેમજ વીડીયો ક્લાઉડબેઝ સિસ્ટમ ઉપર રેકોર્ડ થાય છે. આ કેમેરા સુરક્ષા અધિકારીએ પોતાના શરીર ઉપર લગાવવાના હોય છે. જે તે સ્થળનું લાઈવ ઓડીયો-વીડીયો રેકોડીંગ સિસ્ટમમાં સ્ટોર થાય છે તેમજ તેને કયારેય પણ ડીલીટ કરી શકાતુ નથી. આ કેમેરાના સોફ્ટવેર તેમજ હાર્ડવેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ઉચ્ચ ગુણવતાયુકત તેમજ સુરક્ષાયુક્ત ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવેલો છે. સંદિગ્ધ વ્યક્તિઓ અને સુલેહ શાંતિનો ભંગ કરતા ઈસમો ઉપર બાજ નજર રાખવામાં આવશે. જેના કારણે યાત્રિકો અને મંદિરની સુરક્ષા વધુ ચુસ્ત અને જડબેસલાક કરવામાં બહુ ઉપયોગી મદદ મળી રહેશે.
આજે તા.૧૯ સપ્ટેમ્બર-૨૦૨૧ના રોજ શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેકટરશ્રી સુધેન્દ્રસિંહ જે. ચાવડાની ઉપસ્થિતિમાં આ કેમેરાનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને મંદિર ખાતે વિવિધ સ્થળના સુરક્ષાકર્મીઓને તાલીમ આપી કાર્યરત કરવામાં આવ્યાં છે. ભાદરવી પૂનમના સમયગાળામાં આ પ્રકારના હાઈટેકનોલોજી અને આધુનિક બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરી મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્રના સંકલનથી અંબાજીમાં દર્શનાર્થે પધારતા યાત્રિકોને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. ગુજરાત રાજયના તમામ મંદિરો પૈકી અંબાજી મંદિરમાં સૌ પ્રથમવાર આ પ્રકારની અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમ શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ સુરક્ષાના આ પ્રયોગ અને નવતર પહેલને આવકારવામાં આવી હતી.
#bharatmirror #bharatmirror21 #news