નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 10 કેબીનેટ કક્ષાના અને 14 રાજયકક્ષાના મળી કુલ 24 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા – રાજભવન ખાતે શપથવિધિ સમારોહ સંપન્ન
ગાંધીનગર રાજભવન ખાતે યોજાયેલા શપથવિધિ સમારોહમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા
રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલ, કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર અને અર્જુન સિંહ ચૌહાણે કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા
રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી તરીકે શ્રી હર્ષભાઇ સંઘવી, શ્રી જગદીશભાઇ પંચાલ, શ્રી બ્રિજેશભાઇ મેરજા, શ્રી જીતુભાઇ ચૌધરી, શ્રીમતી મનીષાબહેન વકીલએ શપથ ગ્રહણ કર્યા
તો, રાજ્યકક્ષાના મંત્રી તરીકે શ્રી મુકેશભાઇ પટેલ, શ્રીમતી નિમીષાબહેન સુથાર, શ્રી અરવિંદભાઇ રૈયાણી, શ્રી કુબેરભાઇ ડિંડોર, શ્રી કિર્તીસિંહ વાઘેલા, શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, શ્રી આર. સી. મકવાણા, શ્રી વિનોદભાઇ મોરડીયા અને શ્રી દેવાભાઇ માલમ એ શપથ ગ્રહણ કર્યા
ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં પાટીદારોનો દબદબો – નવા મંત્રીમંડળમાં સાત પાટીદાર મંત્રીઓ
મંત્રી મંડળમાં દક્ષિણ ગુજરાતના નેતાઓને લોટરી લાગી છે. તેમાં પણ ખાસ કરીને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ગુડબુકમાં સ્થાન મેળવેલ નેતાઓને મંત્રી પદ મળ્યું છે. તો સાથે જ અનેક સિનિયર નેતાઓના પત્તા કપાઇ ગયા
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.16
ગાંધીનગર રાજભવન ખાતે આજે રાજયના નવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નવા 24 મંત્રીઓએ મંત્રીપદના હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા. રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને તેમના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. સૌપ્રથમ તબક્કામાં પાંચ મંત્રીઓએ શપથ લીધા હતા, જેમાં સૌપ્રથમ શપથ રાજેન્દ્ર ત્રિવેદીએ ગ્રહણ કર્યા હતા, બીજા નંબરે જીતુ વાઘાણીએ શપથ લીધા હતા અને ત્રીજા નંબરે ઋષિકેશ પટેલે શપથ લીધા હતા. આ લીસ્ટમાં પૂર્ણેશ મોદીએ કે જેમનું નામ જાહેર નહતું છતાંય છેલ્લી ઘડીએ સીધા શપથવિધિ સમારોહમાં પહેલા પાંચમાં શપથ ગ્રહણ કર્યા હતા. કુલ 24માંથી 10 જેટલા ધારાસભ્યોએ કેબિનટ કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા, જયારે 14 જેટલા ધારાસભ્યોએ રાજયકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. સૌથી નોંધનીય અને અભૂતપૂર્વ વાત એ કહી શકાય કે, નવા મંત્રીંમંડળમાં એકપણ ચહેરો કે મંત્રી રિપીટ કરવામાં આવ્યા નથી અને મોટાભાગના ઉમેદવારોમાં નવા યુવા ચેહરાઓને સ્થાન આપવામાં આવ્યું છે, જે બહુ મોટી અને નોંધનીય વાત કહી શકાય કારણ કે, માત્ર ગુજરાત રાજય જ નહી પરંતુ કદાચ દેશના રાજકારણમાં કોઇ રાજયના મંત્રીમંડળમાં આખેઆખી ટીમ બદલી કઢાઇ હોય તેવી આ ઐતિહાસિક રાજકીય ઘટના મનાઇ રહી છે.
આજના શપથવિધિ સમારોહમાં સૌપ્રથમ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલે એકસાથે શપથ લીધા, તેના બાદ કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુન સિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે એકસાથે શપથ લીધા હતા. આમ કુલ દસ કેબિનેટ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારબાદ 14 ધારાસભ્યોએ રાજયકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં પાંચ રાજયકક્ષાના(સ્વતંત્ર પ્રભાર) મંત્રીઓ અને 9 રાજયકક્ષાના મંત્રીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા. જેમા રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી તરીકે શ્રી હર્ષભાઇ સંઘવી, શ્રી જગદીશભાઇ પંચાલ, શ્રી બ્રિજેશભાઇ મેરજા, શ્રી જીતુભાઇ ચૌધરી, શ્રીમતી મનીષાબહેન વકીલએ શપથ ગ્રહણ કર્યા હતાં. તો, રાજ્યકક્ષાના મંત્રી તરીકે શ્રી મુકેશભાઇ પટેલ, શ્રીમતી નિમીષાબહેન સુથાર, શ્રી અરવિંદભાઇ રૈયાણી, શ્રી કુબેરભાઇ ડિંડોર, શ્રી કિર્તીસિંહ વાઘેલા, શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, શ્રી આર. સી. મકવાણા, શ્રી વિનોદભાઇ મોરડીયા અને શ્રી દેવાભાઇ માલમ એ શપથ ગ્રહણ કર્યા હતાં.
ગુજરાતના નવા મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં 24 નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપી ભાજપે ફરી એકવાર નવતર પ્રયોગ કર્યો છે અને જૂના જોગીઓને ઘરભેગા કર્યા છે. નો રિપીટ થિયરી લાવીને ભાજપે એન્ટી ઈન્કમબન્સી ખાળવા માટે કોરી પાટી ધરાવતા નવોદિતોને મેદાનમાં ઉતાર્યા છે. આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી હાલ તો નવા મંત્રીમંડળમાં દરેક સમાજ અને જ્ઞાતિઓના પ્રતિનિધિને સ્થાન આપી બેલેન્સ કરવાનો પ્રયાસ કરાયો છે. તે પરથી ફરી એકવાર સાબિત થઇ ગયુ છે કે, ગુજરાતના રાજકારણમાં સમાજ, જ્ઞાતિ અને જાતિનું ફેકટર કેટલુ મહત્વનું અને અનિવાર્ય છે.
નવા સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કુલ 24 નવા ચહેરાઓમાં જો કે, પાટીદારોનો દબદબો જોવા મળ્યો છે. ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં ભૂપેન્દ્ર પટેલ સહિત અત્યાર સુધીની યાદી પ્રમાણે 7 પટેલનો સમાવેશ થાય છે. આ પટેલ નેતાઓમાં ઋષિકેશ પટેલ, વીનુ મોરડીયા, અરવિંદ રૈયાણી, રાઘવજી પટેલ, બ્રિજેશ મેરજા, જીતુ વાઘાણી, અને ખુદ ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. આ સિવાય ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 7 પાટીદાર મંત્રી, 8 OBC મંત્રીઓનો સમાવેશ કરાયો છે. તો SC/STના 5 મંત્રીઓ અને 3 સવર્ણ મંત્રીઓને સામેલ કરાયા છે.
મંત્રી મંડળમાં દક્ષિણ ગુજરાતના નેતાઓને લોટરી લાગી છે. તેમાં પણ ખાસ કરીને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ગુડબુકમાં સ્થાન મેળવેલ નેતાઓને મંત્રી પદ મળ્યું છે. તો સાથે જ અનેક સિનિયર નેતાઓના પત્તા કપાઇ ગયા છે. હાલના મોટાભાગના તમામ મંત્રીઓને તેમની ઓફિસ ખાલી કરવાનો વારો આવ્યો છે. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ, સૌરાષ્ટ્ર કડવા પટેલ, ઉત્તર ગુજરાત કડવા પટેલ, સૌરાષ્ટ્ર કોળી, દક્ષિણ ગુજરાત કોળી પટેલ, સૌરાષ્ટ્ર ક્ષત્રિય, ઓબીસી ક્ષત્રિય, બ્રાહ્મણ, આદિવાસી જ્ઞાતિઓના ધારાસભ્યોને આવરી લેવામાં આવ્યા છે. તો સાથે જ એન્ટી ઈન્કમબન્સી ખાળવા માટે કોરી પાટી ધરાવતા નવોદિતોને મેદાનમાં ઉતારાયા છે.
નવા મંત્રીમંડળમાં જે પાટીદાર પાવર અને દબદબો જોવા મળ્યો છે, તેમાં ઉત્તર ગુજરાતમાંથી એક પટેલ નેતા, દક્ષિણ ગુજરાતમાં 1 પટેલ, મધ્ય ગુજરાતમાં 1 પટેલ નેતા (મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ) અને સૌરાષ્ટ્રમાંથી 4 પાટીદારોનો સમાવેશ થાય છે. કુલ સાત નેતામાં 4 લેઉઆ પટેલ અને 3 કડવા પટેલનો સમાવેશ થાય છે. જ્યારે બે બ્રાહ્મણ રાજેન્દ્ર ત્રિવેદી અને કનુ દેસાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે 6 ઓબીસી (OBC) સમાજના અને ચાર આદિવાસી સમાજના નેતાઓનો સમાવેશ થાય છે. જૈન સમાજમાંથી એક નેતા હર્ષ સંઘવીનો સમાવેશ કરાયો છે. જ્યારે બે મહિલા મનિષા વકીલ અને નિમિષા સુથારનો સમાવેશ થાય છે.
તો, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને પણ મંત્રી પદ આપવાનો વાયદો ભાજપે નિભાવ્યો છે. જેમાંથી જીતુ ચૌધરી, રાઘવજી પટેલ અને બ્રિજેશ મિર્ઝાને મંત્રીપદ આપ્યુ છે. જેઓ કોંગ્રેસમાંથી આવ્યા પછી તેમને મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ત્રણેય ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. રાઘવજી પટેલ 2017 રાજ્યસભા ચૂંટણી સમયે ભાજપમાં જોડાયા હતા. બ્રિજેશ મેરજા અને જીતુ ચૌધરી 2020 રાજ્યસભા ચૂંટણી સમયે ભાજપમાં જોડાયા હતા. ત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં આવનાર સાથે પાર્ટીએ વચન નિભાવ્યું છે અને તેઓને મંત્રીપદ આપી તેનું પાલન કરી બતાવ્યું છે એટલે કોંગ્રેસના ખેમામાં પણ ભાજપે બહુ જોરદાર સોગઠી મારી દીધી છે. આજના શપથવિધિ સમારોહમાં કુલ 24 ધારાસભ્યોએ મંત્રીપદના હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા.
આ શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ, ભાજપાના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય અગ્રણી શ્રી બી. એલ. સંતોષ, ગુજરાત વિધાનસભાના પ્રોટેમ્પ સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ દંડક શ્રી પંકજભાઇ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવશ્રીઓ, અગ્ર સચિવશ્રીઓ, પોલીસ મહાનિદેશકશ્રી તેમજ ધારાસભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે આ શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું.
બોક્ષ – આજે શપથ ગ્રહણ કરનાર મંત્રીઓ
કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે
રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટલે, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલ, કનુભાઇ દેસાઇ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુનસિંહ ચૌહાણ
રાજયકક્ષાના સ્વતંત્ર હવાલો સંભાળનાર મંત્રી તરીકે
હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રીજેશ મેરજા, જીતુ ચૌધરી અને મનીષા વકીલ
રાજયકક્ષાના મંત્રી તરીકે
મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, પ્રો.કુબેર ડિંડોર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, આર.સી.મકવાણા, વિનું મોરડીયા, દેવા માલમ
સરકારમાં પાટીદાર પાવર
– ભૂપેન્દ્ર પટેલ- કડવા પટેલ (મુખ્યમંત્રી)
– અરવિંદ રૈયાણી – લેઉઆ પટેલ
– જીતુ વાઘાણી- લેઉઆ પટેલ
– વીનુ મોરડીયા- લેઉઆ પટેલ
– રાઘવજી પટેલ-લેઉઆ પટેલ
– ઋષિકેશ પટેલ- કડવા પટેલ
– બ્રિજેશ મેરજા – કડવા પટેલ
બે મહિલાને સ્થાન:
– મનિષા વકીલ
– નિમિષા સુથાર
કઈ જ્ઞાતિમાંથી કેટલા મંત્રી?
પટેલ- 7 (મુખ્યમંત્રી સહિત)
ક્ષત્રિય- 2
ઓબીસી- 6
એસસી- 2
એસટી- 4
જૈન- 1
બ્રાહ્મણ- 2
ઝોન પ્રમાણે:
ઉત્તર ગુજરાત
(1) ઋષીકેશ પટેલ ( વિસનગર) પટેલ )
(2) ગજેન્દ્ર પરમાર ( પ્રાંતિજ) ઓબીસી )
(3) કિર્તીસિંહ વાઘેલા (કાંકરેજ) ક્ષત્રિય
દક્ષિણ ગુજરાત
(1) નરેશ પટેલ (ગણદેવી) ST
(2) કનુ દેસાઈ (પારડી) બ્રહ્મણ
(3) જીતુ ચૌધરી (કપરાડા) ST
(4) હર્ષ સંઘવી (મજુરા) જૈન
(5) મુકેશ પટેલ (ઓલપાડ) કોળી પટેલ
(6) વીનુ મોરડીયા (કતારગામ) પટેલ
(7) પૂર્ણેશ મોદી
સૌરાષ્ટ્ર
(1) અરવિંદ રૈયાણી (રાજકોટ) પટેલ
(2) રાઘવજી પટેલ જામનગર (પટેલ)
(3) બ્રિજેર મેરજા મોરબી (પટેલ)
(4) દેવા માલમ (કેશોદ) કોળી
(5) કિરીટસિંહ રાણા (લીંબડી) ક્ષત્રિય
(6) આર.સી. મકવાણા (મહુવા, ભાવનગર) કોળી
(7) જીતુ વાઘાણી: (ભાવનગર પશ્ચિમ) પટેલ
મધ્ય ગુજરાત
(1) જગદીશ પંચાલ (નિકોલ) ઓબીસી
(2) નિમિષા સુથાર (મોરવા હડફ) ST
(3) પ્રદિપ પરમાર (અસારવા) SC
(4) અર્જુનસિંહ ચૌહાણ (મહેમદાવાદ) ઓબીસી
(5) કુબેર ડિંડોર (સંતરામપુર) ST
(6) મનીષા વકીલ: (વડોદરા શહેર) SC
(7) રાજેન્દ્ર ત્રિવેદી: (રાવપુરા) બ્રાહ્મણ
#bharatmirror #bharatmirror21 #news