ભાજપ ધારાસભ્ય દળની કમલમ, ગાંધીનગર ખાતે યોજાયેલી મહત્વની બેઠક બાદ રાજયના નવા સીએમ તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના નામની સત્તાવાર જાહેરાત કરાઇ
કોઇ ચર્ચા કે, અટકળોમાં ના હોય તેવું નામ પસંદ કરીને મોદીએ ફરી એકવાર પોતાની સરપ્રાઇઝ નિર્ણય શકિતનો પરિચય કરાવ્યો
નીતિન પટેલનું સીએમ તરીકે સતત ત્રીજી વાર પત્તુ કપાયુ – જેને લઇ નીતિન પટેલની નારાજગી સ્પષ્ટ રીતે સામે આવી
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.12
ગુજરાત રાજયના નવા મુખ્યમંત્રી તરીકે આજે કમલમ્ ખાતેથી ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની સત્તાવાર અને અધિકૃત જાહેરાત કરવામાં આવતાં ગુજરાતના રાજકારણમાં સૌકોઇને ચોંકાવી દીધા હતા. રાજયના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થતાં ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં સૌકોઇએ તેને વધાવી લીધુ હતુ અને તેમને ભારે શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવી હતી. ભાજપના ધારાસભ્યોએ ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવી વાતાવરણ ગજવી મૂકયુ હતું. બીજીબાજુ, બે દિવસથી ચાલતા જોરદાર સસ્પેન્સ, અનેક અટકળો અને તર્ક વિતર્ક વચ્ચે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ફરી એકવાર સૌકોઇને ચોંકાવી દીધા હતા અને બધાની કલ્પના બહાર ભૂપેન્દ્ર પટેલ પર મુખ્યમંત્રી પદનો કળશ ઢોળયો હતો, જેને લઇ હવે ફરી એકવાર એ વાત સાબિત થઇ કે, મોદીની નિર્ણય શકિતને કોઇ કળી શકતું નથી. સૌથી નોંધનીય વાત એ છે કે, ભૂપેન્દ્ર પટેલનું નામ તો કયાંય દૂર દૂર સુધી પણ ચર્ચામાં નહોતુ કે, તેની કોઇને કલ્પના પણ ન હતી.
આજે બપોરે ગાંધીનગર કમલમ ખાતે ભાજપના ધારાસભ્ય દળની બહુ જ મહત્વની બેઠક યોજાઇ હતી, જેમાં ભાજપના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા અને કેન્દ્રથી આવેલા નીરીક્ષકો પણ વિશેષ હાજર રહ્યા હતા. તમામ ધારાસભ્યોની સર્વસંમંતિના અંતે આખરે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ નામ આખરે વિધિવત્ રીતે અને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું. છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ હવે આ વખતે 2022ની આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભૂપેન્દ્ર પટેલના હાથમાં ગુજરાતનું સત્તાનું સુકાન સોંપાયુ છે. મોદીના આ નિર્ણયે ફરી એકવાર સત્તાના ગલિયારામાં ભલભલા રાજકારણીઓને ચોંકાવી દીધા હતા. રાજકીય વિશ્લેષકો કે નિષ્ણાતો ફરી એકવાર મોદીની નિર્ણય શકિતની કળ પારખવામાં થાપ ખાઇ ગયા હતા.
બીજીબાજુ, ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની સ્પર્ધામાં સતત ત્રીજીવાર નીતિન પટેલનું પત્તુ કપાયુ છે., જેને લઇને આજે નીતિન પટેલની બોડી લેંગ્વેજ પરથી તેમની સ્વાભાવિક નારાજગી સ્પષ્ટ જણાઇ હતી. કમલમ પરથી બહાર નીકળ્યા ત્યારે મીડિયાએ જયારે તેમને પ્રતિક્રિયા પૂછી ત્યારે તેમણે સ્પષ્ટ નારાજગી સાથે ભાઇ, અત્યારે કંઇ કહેવાનું નથી એમ કહી સીધી ચાલતી પકડી હતી. જેના કારણે નીતિન પટેલની આ નારાજગીએ પણ ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી હતી.
આજે બપોરે ગાંધીનગર, કમલમ ખાતે સૌથી પહેલા ધારાસભ્યોની બેઠક મળી હતી, જેના બાદ કોર કમિટીની બેઠક મળી હતી. છેલ્લી ઘડીએ કોર કમિટીની બેઠકમાં સમીકરણો બદલાયા હતા. પહેલા મુખ્યમંત્રીના રેસમાં નીતિન પટેલ અને સી.આર.પાટીલ એમ બે નામ હતા. જેમાં પાછળથી આરસી ફળદુનું નામ પણ સામેલ થયુ હતું. કોર કમિટીની બેઠકની શરૂઆતમાં જ આરસી ફળદુનુ નામ ચર્ચામાં અચાનક આવ્યુ હતું. પરંતુ આ ચર્ચાઓ વચ્ચે અચાનક જ ભૂપેન્દ્ર પટેલનુ નામ સામે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. કોર કમિટીની બેઠક બાદ ભારે મનોમંથન કરાયુ હતું, અને આખરે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર લાગી હતી. આ નામ ક્યાંય ચર્ચામાં ન હતું, ક્યાંય અટકળો કે તર્ક-વિતર્કમાં પણ ન હતું., તેમછતાં વડાપ્રધાન નરેન્દ્રભાઇની મોદી દ્વારા જેની પર પસંદગીનો કળશ ઢોળાયો તે નામ ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલનું હતું.
દાદાના હુલામણા નામથી જાણીતા ભૂપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વિશ્વાસુ ગણાય છે. તેઓ ઔડાના ચેરમેન રહી ચૂક્યા છે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ કન્સ્ટ્ર્કશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ભુપેન્દ્ર પટેલ કડવા પાટીદાર છે. પાટીદાર સમાજના મજબુત પકડ ધરાવતા નેતા છે. તેઓ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે. 2017 વિધાનસભામાં ગુજરાતમાં સૌથી મોટા માર્જીનથી જીત્યા હતા. 2017માં 1,17,000 મતથી જીત પ્રાપ્ત કરી હતી. 1987 થી ભાજપ સાથે સંકળાયેલા છે ભુપેન્દ્ર પટેલ. સ્વભાવે સરળ, સૌમ્ય અને શાંત પ્રકૃતિ ધરાવતા ભૂપેન્દ્ર પટેલ આખરે સત્તાના ગલિયારામાં મુખ્યમંત્રી તરીકે ટોચનું શિખર સર કરવામાં આખરે સફળ રહ્યા તે સમાચારે ગુજરાતના રાજકારણમાં સૌકોઇને ચોંકાવી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીની બનવાની રેસમાં પટેલ વર્સિસ પાટીલ વચ્ચે સીધી સ્પર્ધા રહી હતી. જેમાં બંને પ્રબળ દાવેદાર માનવામાં આવ્યા હતા. બંને વચ્ચે કાંટે કી ટક્કર હતી. ધારાસભ્યોની બેઠક શરૂ થયાના થોડી ક્ષણોમાં જ નીતિન પટેલ સોશિય મીડિયામાં ટ્રેન્ડ થવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ નીતિન પટેલના નામની ચર્ચા શરૂ થઈ હતી. પરંતુ પાટીલ વર્સિસ પટેલની લડાઈમાં ભૂપેન્દ્ર પટેલની જાહેરાત થતા જ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા અને ભૂપેન્દ્ર પટેલ ફાવી ગયા હતા. નીતિન પટેલનું સતત ત્રીજી વાર સીએમ તરીકે પત્તુ કપાતા નીતિનભાઇના ચહેરા પર આ અંગેની નારાજગી સ્પષ્ટ થતી હતી. આજે નીતિન પટેલે કોઇ લાંબુ નિવેદન આપવાનુ ટાળી એક ટૂંકું ને ટચ નિવેદન આપીને વિદાય પકડી હતી., તેમની આ બોડી લેંગ્વેજ નારાજગીની સૂચકતા સ્પષ્ટ કરતી હતી.
બોક્ષ – ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પરિચય જાણો
- ડિપ્લોમા સિવિલ એન્જિયરિંગ સુધીનો અભ્યાસ
- વ્યવસાયે બિલ્ડર
- મેમનગર નગરપાલિકાના પ્રમુખ – વર્ષ (1995 -96 )
- અમદાવાદ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન- વર્ષ 2010 -2015
- અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ ચેરમેન(Auda) – વર્ષ 2015- 17
#bharatmirror #bharatmirror21 #news