મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના એનેક્ષી ખાતે સાબરમતી આશ્રમ રિ-ડેવલપમેન્ટ માટેની બેઠક યોજી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી અને પૂર્વ મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછવા તેમની પ્રત્યક્ષ મુલાકાત લીધી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.19
ગુજરાતનાં 17મા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે એટલે કે, તા.20મી સપ્ટેમ્બરના રોજ દિલ્હીના પ્રવાસે જવાના છે. ભૂપેન્દ્ર પટેલ સીએમ બન્યા બાદ પહેલીવાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની રૂબરૂ મુલાકાત લેશે અને તેમની સાથે જરૂરી ચર્ચા વિચારણા હાથ ધરશે. નોંધનીય છે કે, ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર વડાપ્રધાન મોદીને મળશે. આ સાથે તેઓ ગૃહમંત્રી અમિત શાહને પણ મળવાના છે. બીજીબાજુ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના એનેક્ષી ખાતે સાબરમતી આશ્રમ રિ-ડેવલપમેન્ટ માટેની બેઠક યોજી હતી તો, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પૂર્વ મહેસૂલમંત્રી કૌશિકભાઇ પટેલની મુલાકાત લઇ તેમના ખબર અંતર પૂછયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પ્રથમ કડવા પટેલ મુખ્યમંત્રી પણ છે. આ અંગે મળતી માહિતી મુજબ, તેઓ આવતીકાલે ગુજરાતનાં મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જઇ રહ્યા છે. આ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને તેમના આદર્શ એવા આનંદીબહેન પટેલ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી બન્યા બાદ ભુપેન્દ્ર પટેલની આનંદીબેન સાથેની આ પહેલી મુલાકાત હતી, એ દરમ્યાન એમણે બહેનના આશીર્વાદ પણ મેળવ્યા હતા. ગઈકાલે જ આનંદીબેન પટેલ અમદાવાદ પહોંચ્યા છે. સામાજિક કારણોસર ઉત્તરપ્રદેશના રાજ્યપાલનો 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે. ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હીમાં પીએમ મોદી અને અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરશે.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના એનેક્ષી ખાતે સાબરમતી આશ્રમ રિ-ડેવલપમેન્ટ માટેની બેઠક યોજી છે. આ મહત્વની બેઠકમાં કે. કૈલાસનાથન, સચિવ અવંતિકા સિંઘ અને અધિક મુખ્ય સચિવ પંકજ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. આશ્રમ રોડ રિ-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોજેક્ટ સમીક્ષા અને આશ્રમવાસીઓ મુદ્દે બેઠકમાં ચર્ચા થશે. દરમ્યાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી અને પૂર્વ મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછવા તેમની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીએ શ્રી કૌશિકભાઈ પટેલની સારવાર કરી રહેલા તબીબો સાથે પણ વાતચીત કરી હતી અને વિગતો જાણી હતી. શ્રી કૌશિકભાઈ પટેલ ત્વરાએ સ્વસ્થ થઈ જાય તેવી શુભેચ્છાઓ પણ મુખ્યમંત્રીશ્રીએ પાઠવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપસિંહ પરમાર પણ આ વેળાએ મુખ્યમંત્રીશ્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news